________________
૧૧૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨
વિષ સાથે સરખાવે છે.) વિષ તો ખાધું હોય ને જઠરમાં પહોંચી જાય તો મૃત્યુ થાય પરંતુ વિષયો તો સ્મરણમાત્રથી મારી નાંખે છે. માટે હે મહાભાગ ! તારા પણ સારા ભાવ ને ઉત્તમ નિયમ છે. માટે આપણે બંનેને અચિંત્ય શીલપાલનનો લાભ મળી ગયો છે. આપણે ગંગા જેવું નિર્મળ શિયળ મન-વચન-કાયાથી જીવનપર્યત પાળશું. કોઈને જણાવશું નહીં, તેમ છતાં આપણી વાત જે દિવસે ઉઘાડી પડશે તે દિવસે આપણે અવશ્ય સંયમ લેશું. આવો અટલ નિર્ણય લઈ તે બંને પોતાના પ્રાણની જેમ શિયલનું રક્ષણ કરવા લાગ્યા. તેઓને એક જ પલંગમાં સાથે સૂવું પડતું છતાં તેમનામાં કદી ચંચળપણું કે બાલીશપણું આવ્યું ન હતું. તેઓ એટલા નિર્મળ સત્ત્વશાળી થયાં કે એક શય્યામાં સાથે સૂતાં શરીરનો કદી સ્પર્શ થતો તો પણ તેમને કદી કામ ઉદિત થતો નહોતો. તેઓ એકાંતમાં બેઠા હોય ત્યારે પણ શીલગુણની, તેના માહાત્મની કે તેને આચરનાર મહાપુરુષોની જ કથની તેઓ કહ્યા-ગાયા કરતા. આવી રીતે ભાવ-સંયમીનું જીવન જીવતા કેટલોક સમય એવો ગયો.
એવામાં એકવાર ચંપાનગરીમાં વિમળસેન નામના કોઈ કેવળજ્ઞાની મુનિ પધાર્યા. દેશનાના અંતે ત્યાંના નગરશેઠ જિનદાસે કહ્યું, “ભગવન્! મેં એવો અભિગ્રહ કર્યો છે કે ચોર્યાશી હજાર સાધુ મહારાજોને પારણું કરાવવું. આ મારી અભિલાષા ક્યારે પૂર્ણ થશે?” કેવળી ભગવંતે કહ્યું, ભાગ્યશાલી ! આટલા બધા સુપાત્ર સાધુઓનો યોગ તમારા ઘરે કેવી રીતે થઈ શકે ? માનો કે કદાચ દૈવયોગે એ સંભવિત થાય પણ એટલા બધા મુનિરાજોને તમારા ઘરેથી શુદ્ધ આહાર પાણી ક્યાંથી મળી શકે ?” આ સાંભળી ખિન્ન થયેલા શ્રાવકે પૂછ્યું, “મારી આ ભાવના દરિદ્રીના મનોરથની જેમ નિષ્ફળ જશે ? તો મને સદા માટે - સંતોષ રહેશે. કોઈ ઉપાય હોય તો કહો.” ને તે કેવળી ભગવંતે કહ્યું “ભલા શ્રાવક ! કચ્છ દેશમાં મહાભાગ્યશાલી વિજયશેઠ અને વિજયાશેઠાણી નામે પતિ-પત્ની રહે છે. તેમની તમે આહારાદિથી ભક્તિ કરશો તો ચોર્યાશી હજાર સાધુ મહારાજના પારણા જેટલો લાભ મળશે. કારણ કે શુક્લ અને કૃષ્ણ એમ બંને પખવાડીયા બ્રહ્મચર્યવ્રત ધારણ કરનાર દંપતીને ભોજન કરાવ્યાથી ચોર્યાશી હજાર સાધુઓને પારણું કરાવ્યાનો લાભ મળે છે.”
આ સાંભળી શેઠે વિજયશેઠનો સંપૂર્ણ વૃત્તાંત જાણ્યો ને ઉત્કટ ભક્તિવાળા હૃદયે તેઓ કચ્છમાં આવ્યા. વિશિષ્ટ પ્રકારે દંપતીની ભક્તિ કરી અને તેમનું અતિદુષ્કર વ્રત તેમજ જીવનની ઉત્તમતા તેમણે મોટા જનસમૂહમાં પ્રગટ કરી. વિજયશેઠના માતા-પિતા પણ આ વાત જાણી આશ્ચર્ય પામ્યા. જિનદાસશેઠ મનોરથ પૂરા કરી ઘરે પાછા ફર્યા. વિજયશેઠ વિજયાશેઠાણીએ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થતા દીક્ષા લીધી ને મુક્તિ પણ પામ્યા. આમ શીલના માહાસ્યથી તે પતિ પત્ની હજારો મુનિ કરતા વિશેષતાને પામ્યા. માટે સર્વ સુખનું કારણ ને સર્વ દુઃખનું નિવારણ કરતા શીલવ્રત પાળવામાં સહુએ ઉદ્યમ કરવો.