________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૧૩ પ્રગટી. તેની સાથે જટાધારી ખૂબ રમ્યો, અંતે રતિક્રીડા કરી તેને સોડમાં લઈ સૂઈ ગયો. થોડીવારે ધીરે રહી તે સુંદરી ઊભી થઈ. તેણે પોતાના અંબોડામાંથી એક ડાબલી કાઢી. પાણીના છાંટા નાંખ્યા ને તેમાંથી અતિસુંદર દેવ જેવો પુરુષ ઉપજયો. તેની સાથે તે સ્ત્રીએ યથેચ્છ રમણ કર્યું. સમય થતાં તેને સંહરી ડાબલી અંબોડામાં સંતાડી સોડમાં સૂઈ ગઈ. યોગીએ તેને સંહરી ડબ્બી જટામાં ભરાવી દીધી. મોટા મહંતોને પણ આમ કામાધીન જોઈ ઊંડા અચરજમાં પડેલો ભર્તુહરિ વિચારે ચડ્યો --
અર્થ:- મદમસ્ત હસ્તિરાજના કુંભસ્થળનું વિદારણ કરનાર શૂરાઓ આ પૃથ્વી પર ઘણા છે. કેટલાક પ્રચંડ કેસરીસિંહને હાથથી હણનાર નિપુણો પણ છે. પરંતુ આ સંસારના સમસ્ત બળવાનો સામે દાવાપૂર્વક કહું છું કે કામદેવના અભિમાનને ચૂરનાર કોઈ વિરલો જ છે.
ચાલતાં ચાલતાં થાકેલા ભર્તુહરિ શ્રીપુરનગરીના સમીપના વનખંડમાં એક વૃક્ષ નીચે સૂઈ ગયા.
તે નગરનો રાજા મૃત્યુ પામ્યો. તેને એક યુવાન પુત્રી હતી. પણ પુત્ર ન હોઈ નવા રાજા માટે પંચદિવ્ય પ્રગટ કરવામાં આવ્યા. સૂતેલા રાજા પર હાથણીએ કળશ કરતા સર્વેએ ભર્તુહરિને રાજા ઘોષિત કર્યા. તેણે આગ્રહપૂર્વક ચોખ્ખી ના પાડી કે મારે રાજ્ય જોઈતું નથી. સહુએ ઘણી વિનવણી કરી કે તમે તેજસ્વી અને સુપાત્ર જણાવ છો. દૈવી કળશ કાંઈ અમથો તમારા પર નથી ઢોળાયો! તમે રાજ લઈ અમને વ્યવસ્થા આપો, નહિ તો નગરમાં અંધાધુંધી થઈ જશે! અનિચ્છાએ પણ ભર્તુહરિ રાજા બન્યા ને ન્યાયથી કારોબાર ચલાવવા લાગ્યા. પ્રધાનમંડળે પૂર્વની રાજકુમારી ભર્તુહરિને પરાણે પરણાવી. એકવાર એ નવયૌવના ગવાક્ષમાં બેઠી હતી ને કોઈ સુંદર શ્રેષ્ઠિપુત્ર રાજમાર્ગથી રાજમહેલના નીચે થઈ જતો હતો. રાણીએ અનુરાગવાળી દૃષ્ટિથી જોઈ તેને મુગ્ધ કર્યો. કામબાણથી ઘાયલ તે પણ ઉત્સુક થયો. રાણીના સંકેત પ્રમાણે હજારદીવાની એક મોટી ઊભી સુંદર કોતર કામવાળી પોલી દીવી કરાવી શ્રેષ્ઠિપુત્ર તેમાં ભરાઈ ગયો ને ગોઠવણ પ્રમાણે અમુક માણસોએ ઉપાડી તે દીવી રાજાને અર્પણ કરી. રાણીને ગમી જવાથી તે દીવી રાજાએ અંતઃપુરમાં મૂકાવી. એકાંત મળતા જ રાણી દીવી ખોલી તે યુવાનને બહાર કાઢતી અને પાછી તેમાં પૂરી દેતી. આમ તે બંને મન માની મોજ કરતા હતા. એકવાર તે યુવાન દીવીરૂપી કપાટમાં ભરાઈ જતા તેના વસ્ત્રનો તંતુ બહાર રહી ગયો. રાજાની ચકોર નજર તેના પર પડી. દોરો ખેંચતા તે લાંબો જણાયો. રાજાને શંકા થઈ. ઝીણવટથી જોતાં સમજાયું કે આમાં તો એક આખો પુરુષ રહી શકે તેવી વ્યવસ્થા છે. પણ રાજાએ રાણીને જરાય જણાવા ન દીધું.