________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨.
૧૦૧
એકવાર ગોખમાં બેઠી હતી. ત્યાંથી નિકળેલા રાજાની નજર એ મુગ્ધ સુંદરી પર પડી ને રાજા મોહી પડ્યો. તેના જેવી નારી જાણે સંસારમાં ક્યાંય નથી ને તેના વગર બધું જાણે વ્યર્થ છે. તેણે તરત એક ચતુર દાસી ત્યાં મોકલી. દાસીએ આવી રોહિણીને પહેલા પોતાની ઓળખાણ આપી પછી નંદરાજાના વખાણ કર્યા પછી કહ્યું “રે રોહિણી ! તારા તો ભાગ્ય ખીલી ઉઠ્યાં. તને નંદરાજા પોતે બાથમાં લઈ ભેટવા ઇચ્છે છે.” આ સાંભળી રોહિણીએ ચિંતવ્યું “મૂઢાત્માઓ પોતાના કૂળના ગૌરવને સમજી શકતા નથી ને ગમે તેવી ઇચ્છા જણાવતા શરમાતા પણ નથી. ઉન્મત્ત હાથીને જેમ ઝાડને ઉખાડતા કાંઈ વિચાર ન આવે તેમ તેને મારું શિયળ નષ્ટ કરતાં કાંઈ વિચાર નહિ આવે અને એને રોકનાર તો કોઈ જ નહીં. એ ધારે તે કરે. થોડો વિચાર કરી તેણે દાસીને જણાવ્યું કે રાત્રે રાજા ભલે આવે, હું સ્વાગત કરીશ. દાસીના કહેવાથી રાજા ગેલમાં આવી ત્યાં પહોંચ્યો. રોહિણીએ નીચી નજરે સત્કાર કર્યો. મુખ્ય ખંડમાં સારા આસને રાજાને બેસાડ્યો.
રાજા માટે કહેલું-કેસરી પસ્તાવાળું સ્વાદિષ્ટ દૂધ બનાવવામાં આવેલું, ગોઠવણ પ્રમાણે એ દૂધ થોડું થોડું જુદા જુદા કમરામાં મૂકાવેલું, વિભિન્ન વેષ પહેરનારી નારીઓ દ્વારા તેણે રત્નોનો, સોનાનો, ચાંદીનો, કાંસાનો અને તાંબાનો એમ પાંચ પ્યાલા રાજા પાસે મૂકાવ્યા અને ભિન્ન ભિન્ન ઓરડામાંથી દૂધ મંગાવી જુદા જુદા તે કિંમતી પ્યાલામાં રાજાની સામે ભર્યું. આનંદમાં ડોલતા રાજાએ બધાંમાંથી ઘૂંટડા ભરી સ્વાદ માણ્યો. પણ સરખો સ્વાદ હોઈ રોહિણીને તેણે અચંબાથી પુછ્યું – “સુંદરી ! પાત્ર અને ગોઠવણ જુદી છતાં સ્વાદ તો એક જ છે. એક સ્વાદના પદાર્થને અલગ અલગ પાત્રમાં ભરવાથી કાંઈ નવો સ્વાદ આવી શકે નહીં. આવી સાદી સમજની આ વાત છે. તે છતાં આ જાત-જાતના પ્યાલાઓ શા માટે ?'
રોહિણીએ કહ્યું- “જી મહારાજ, સ્વાદ તો એક જ છે અને વાત પણ સાવ સાદી સમજની છે. પરંતુ વિવેક વગર એ સમજાય નહીં અને સમજાયા પછી એક જ વાસણનું પેય પૂરતું થઈ રહે છે, બીજા પાત્ર તરફ નજર પણ જતી નથી. જેમ પાત્ર અને વર્ણની ભિન્નતા છતાં રસમાં (સ્વાદમાં) ભિન્નતા નથી જણાતી. તેવી જ રીતે સ્ત્રીના નારીત્વમાં રૂપ કે વેશ આદિની ભિન્નતાથી કશો ફર્ક પડતો નથી. જેમ કોઈને ભ્રમણાથી એક ચંદ્રના અનેક ચંદ્ર દેખાય, પણ ખરેખર તો ચંદ્રમાં એક જ હોય છે. તેમ કામુક્તાના ભ્રમમાં અટવાયેલા માણસને એક જ નારી જાતિમાં અનેક નારીત્વ જણાય છે.'
રાજા તો આ જાજરમાન નારીનું ધૈર્ય, ગાંભીર્ય ને જ્ઞાન જોઈ ચકિત થઈ ગયો. રોહિણીએ રાજાની સ્થિરતા જોઈ કહ્યું – “રાજાજી ! તમને લિંગપુરાણની પેલી પ્રસિદ્ધ વાત ખ્યાલમાં હશે. પેલો તાપસ મહિના સુધી આહાર વિના ઉપવાસ કરતો અને માત્ર કંદમૂળ ખાઈ પારણું કરતો. એ તાપસ તાપસી ભોગવવાની ઇચ્છા થતાં બારણામાં મોટું નાંખી મર્યો હતો.” રાજાએ કહ્યું - તે તાપસની કથા હું નથી જાણતો. રોહિણીએ માંડીને કથા કહેવા માંડી.