________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨
સતી સ્ત્રી પતિના વચનમાં, સેવક રાજાના આદેશમાં, શિષ્ય ગુરુના વાક્યમાં અને પુત્ર પિતાના બોલમાં જો સંશય કરે તો તેઓ વ્રતનું ખંડન કરે છે. આમ ચિંતવીને રાણી નદીએ ગઈ અને નમ્રતાપૂર્વક પતિએ કહ્યા પ્રમાણે અંજલી જોડી બોલી. તત્કાળ નદીએ વહેણ બદલ્યું ને માર્ગ થયો. રાણી સામે કાંઠે ઉતરી દેવચંદ્રમુનિ પાસે આવી. વંદનાદિ કરી ઉપદેશ સાંભળ્યો. રાણી અતિ આશ્ચર્યપૂર્વક નદીની વાત મુનિને કહી પૂછવા લાગી કે - આ શું કહેવાય ? તમારા ભાઈ બ્રહ્મચારી કેવી રીતે ?' ઉત્તર આપતાં મુનિએ કહ્યું – “મારા ભાઈ મારી સાથે દીક્ષા લેવા ઉત્સુક હતા, પણ જનતાના અનુગ્રહે રાજય લેવું પડ્યું. વ્યવહારથી રાજય અને સંસારનો ભોગવટો પણ આંતરવૃત્તિએ તેઓ સહુથી સાવ ન્યારા છે. તમારો સહચાર છતાં તે બ્રહ્મચારી છે. કેમકે કાદવમાં રહેલા કમળની જેમ રાજાનું મન ઘર-સંસારથી નિર્લેપ છે. ઇત્યાદિ સાંભળી રાણીને સંતોષ અને આનંદ થયો.
પછી પોતાની સાથે લાવેલ ભોજન-સામગ્રીમાંથી મહારાજજીને વહોરાવી પોતે પણ એક તરફ જઈ જમી લીધું. પાછા ફરતા પાછી તેને વિમાસણ થઈ. ગુરુમહારાજે કહ્યું નદીને પ્રાર્થના કરજો કે - “દેવચંદ્રમુનિ દીક્ષા પછી સદા ઉપવાસી રહ્યા હોય તો માર્ગ આપો.” શ્રદ્ધાળુ રાણીને ન થયો વિસ્મય કે ન થઈ શંકા. તે ગઈ ને નદીએ માર્ગ પણ આપ્યો, તે મહેલમાં આવી. તેના આશ્ચર્યની અવધિ ન હતી. રાજાને બધી વાત જણાવી પૂછ્યું - “આજે જ અમારા હાથે અમે તમારા બંધુ મહારાજને આહાર વહોરાવ્યો. છતાં તેઓ ઉપવાસી કેવી રીતે ?' રાજાએ કહ્યું – “રાણી ! સાધુ મુનિરાજો નિર્દોષ આહાર સ્વાદ વિના લેતા હોઈ તેઓ સદા ઉપવાસી જ કહેવાય છે. કેવલ ઉત્તરગુણના વિકાસ-વૃદ્ધિ માટે આહાર લે છે. તેમ છતાં તેઓ ઉપવાસી છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે - નહિ કરેલો, નહિ કરાવેલો શુદ્ધ આહાર ધર્મના માટે વાપરતાં છતાં મુનિને નિત્ય ઉપવાસનું ફળ મળે છે.
આમ પતિ અને દેવરની આંતરવૃત્તિ અને મહિમાને જાણી રાણીએ મન-વચન-કાયાથી શીલાદિ ધર્મની આદરણા કરી.
જેમ શીલવતના મહિમાથી નદીએ માર્ગ આપ્યો તેમ આ વ્રતને ધારણ કરનારને સંસાર સમુદ્ર પણ મોક્ષનો માર્ગ આપે છે.
૮૭
ચોથા વ્રતના અતિચારો. થોડા સમય માટે રાખેલી વેશ્યાનો સમાગમ, કોઈએ પોતાની કરીને નહિ રાખેલ વેશ્યાનો સમાગમ, પારકા વિવાહ કરાવવા, કામભોગમાં અત્યંત આસક્તિ-અનુરાગ તથા અનંગક્રીડા. આ પાંચ અતિચાર બ્રહ્મચર્યવ્રતના છે. તે જાણીને ત્યજવા.