________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ રાત્રીના પ્રથમ પ્રહરે જ બ્રાહ્મણ આવ્યો. તેની સાથે વાતચીત ટોળ ટપ્પામાં જ તેણે પહેલો પહોર પૂરો કર્યો, ત્યાં સેનાપતિએ કાર પર ટકોરા લગાવ્યા. શીલવતી બોલી – “સેનાપતિ આવ્યા' આ સાંભળી બ્રાહ્મણ થરથરી ઉઠ્યો. હાથ જોડી કહેવા લાગ્યો - “હવે મને બચાવ. નહીં તો મારો સત્યાનાશ નિકળી જશે. તેણે તરત જ લાકડાની પેટીમાં તેને પૂરી પેટી બંધ કરી. સેનાપતિને આવકાર આપી આદરપૂર્વક તેનું સન્માન કર્યું ને ગપ્પામાં પ્રહર પૂરો કર્યો. સેનાપતિને લાગ્યું કે આખી રાત આપણી જ છે. પણ ત્યાં તો મંત્રીનો અવાજ આવ્યો. સેનાપતિનું તો લોહી જ ઉડી ગયું. તેને પણ બીજી પેટીમાં નાંખી મંત્રીને આવકાર્યા. તેની સાથે વાતોમાં પ્રહર પૂરો કર્યો ત્યાં રાજા આવ્યા. મંત્રીને પેટીમાં નાંખી રાજાને આવકારી બોલાવી ને બેસાડ્યા ત્યાં સાસુનો સાદ પડ્યો. “સાસુ આવે છે માટે તમે થોડીવાર સંતાઈ જાવ.” એમ કહી એક પેટીમાં રાજાને પૂર્યા ને મળસ્કે મોટેથી ઘાંટો પાડી રડવા બેઠી. લોકો અને સગાં સંબંધી ભેગા થઈ કારણ પૂછતાં તેણે કહ્યું - “મારા પતિના દુઃખમય સમાચારથી હવે રડું નહિ તો શું કરું? એટલે લોકો સમજ્યા કે શેઠ પરલોક પહોંચ્યા લાગે છે.”
શેઠને સંતાન નહોતું તેથી કોઈ ડાહ્યો રાજાને વહાલો થવા ગયો કે શેઠનું ધન લઈ લો. પણ રાજાનો પત્તો જ નહીં. મંત્રી પણ ક્યાંય ન જડ્યા. અરે સેનાપતિની ભાળ પણ ન મળી. કોઈ ન મળતાં યુવાન રાજકુમારને કહ્યું તે તો તરત અધિકારીઓ સાથે આવી સમુદ્રદત્ત શેઠના ઘરે ઊભો રહ્યો. ઘરમાં ધન-સંઘરવાનું બીજું તો કાંઈ સાધન ભાળ્યું નહીં પણ લાકડાની વજનદાર ચાર પેટી હતી તે ઉપડાવી મહેલમાં લઈ જઈ ઉઘાડી તો તેમાંથી રાજા, મંત્રી આદિ ચારે જણા શ્યામ મોઢે બહાર નિકળ્યા. પ્રજાને ખબર પડતાં ઉશ્કેરાટ ફેલાયો. પરિણામે રાજા પદભ્રષ્ટ થયા ને યુવરાજને ગાદીએ બેસાડવામાં આવ્યા અને મંત્રી, સેનાપતિ અને બ્રાહ્મણને દેશનિકાલ કરવામાં આવ્યા. શીલવતીની ઘણી પ્રશંસા કરી સત્કારવામાં આવી.
આ પ્રમાણે ગુરુમહારાજના શ્રીમુખે ઉપદેશ સાંભળી કુમારચંદ્ર સ્વદારાસંતોષવ્રત આદર્યું અને દેવચંદ્ર દીક્ષા લીધી. દેવચંદ્રમુનિ તપસ્યામાં સાવધાન અને આરાધનામાં ઉપયોગી થયા.
એકવાર દેવચંદ્રમુનિ વિહાર કરતાં શ્રીપુરનગરની સીમાના કોઈ ઉદ્યાનમાં આવી રહ્યા. રાજા બનેલા કુમારચંદ્રને ખબર પડતાં જ તેમને વાંદવા દોડી ગયો. પાછા ફરી તેણે પોતાની રાણીને ભાઈ મહારાજ આવ્યાના અને પોતે વાંદ્યાના સમાચાર આપ્યા. રાણીએ નિયમ કર્યો કે કાલ દેવરમુનિને વાંચીને જ જમીશ.” સવારે તે મુનિને વાંદવા રસાલા સાથે ઉપડી પણ માર્ગ વચ્ચે આવતી નદીમાં પૂર આવેલું હોઈ નદી પાણીથી ઉભરાતી હતી. ઝરમર વરસાદ પણ વરસતો હતો. આ જોઈ રાણીએ પાછી આવીને વાત રાજાને જણાવી. રાજાએ કહ્યું – “રાણી ! તમે નદીને કહેજો કે “હે નદી ! જે દિવસથી અમારા દેવર મહારાજે દીક્ષા લીધી છે, ત્યારથી અમારા પતિ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો.' આ સાંભળી રાણી વિચારમાં પડી. પોતાના પતિ બ્રહ્મચારી છે કે નહીં તે વાત રાણી જાણતી હોઈ તેને આશ્ચર્ય થયું. છતાં પતિનું વાક્ય હોઈ તે શંકા વિના નદી તરફ ચાલી. કહ્યું છે કે -