________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૯૭
તેથી માનસિક સ્વસ્થતા પ્રાપ્ત થાય. શારીરિક સ્વાસ્થ્ય પણ સારૂં રહે છે. ક્લેશ, બળતરા, ઇર્ષ્યા, કપટ અને પ્રપંચથી પણ માણસ બચે છે.
શ્રીપુરનગરમાં કુમાર અને દેવચંદ્ર નામના બે રાજકુમારો અવારનવાર ગુરુમહારાજનો ઉપદેશ સાંભળવા જતાં. એકવાર તેમણે સાંભળ્યું કે ‘એક માણસ કરોડ સુવર્ણમુદ્રાનું દાન આપે, અથવા કોઈ સોનાનું દેહરાસર બંધાવે તેને જે લાભ થાય તેનાં કરતાં બ્રહ્મચર્ય પાળનારને વધારે લાભ થાય છે. સંસારની કોઈ પણ વસ્તુ કરતાં માણસે શીલને વધારે મહત્ત્વ આપવું જોઈએ. ગમે તેવી સંકટમય સ્થિતિમાં પણ માણસે શીલવતીની જેમ દૃઢતા કેળવવી જોઈએ. અને સંયોગોને મચક આપવી જોઈએ નહીં. શીલવતીનું ઉદાહરણ સહુએ સદા યાદ રાખવા જેવું છે.
શીલવતીનું ચરિત્ર
લક્ષ્મીપુરનગરમાં સમુદ્રદત્ત નામના શેઠ રહેતા હતા. જેવા તે હતા તેવી જ સુંદર ને ગુણિયલ તેમને શીલવતી નામની પત્ની હતી. તેમાં નામ પ્રમાણે ગુણ હતા. શેઠ પોતાના બ્રાહ્મણ મિત્ર સોમભૂતિ સાથે પરદેશ ગયા. કેટલાક વખત પછી પાછા ફરેલા સોમભૂતિએ શેઠને ઘેર શીલવતીને કહેવરાવ્યું કે શેઠે આપેલ પત્ર ઘરે આવીને લઈ જજો, શીલવતી લેવા ગઈ. નમણી અને સોહામણી ૨મણી જોઈ બ્રાહ્મણની બુદ્ધિ ફરી. તેણે લાજ મૂકી આંખો નચાવતાં અને મોઢું મલકાવતાં કહ્યું - ‘પત્ર તો તમને આપવાનો જ છે. પણ પહેલા આમ મારી પાસે આવો. મારી ઇચ્છા પૂરી કરો એટલે પત્ર આપું. કદી નહીં સાંભળેલું ને એમાંય પતિના અંગત મિત્રના મોઢે આવું ચોખ્ખું ને લાજ વિનાનું સાંભળી શીલવતી છક્ક જ થઈ ગઈ. છતાં તે શાણી બાઈએ કાંઈક વિચારીને ધીરજથી કહ્યું - ‘તમે રાતે પહેલા પહોરે ઘરે આવજો.'
પછી તે પત્ર લીધા વિના પાછી ફરી અને સેનાપતિ પાસે આવી કહ્યું કે - ‘સોમભૂતિ મારા પતિનો પરદેશથી પત્ર લાવ્યા છે પણ તેઓ મને આપતા નથી.' તે સાંભળી તેણે કહ્યું ‘વાહ શું સુંદર તમારૂં રૂપ છે ! તમારી વાત ન માનવી એ પણ માણસની ભૂલ છે. પણ એક વાત તમારે પણ મારી માનવી જોઈએ.' શીલવતી તેને બીજા પ્રહરનું આમંત્રણ આપી મંત્રી પાસે ગઈ ને પતિનો સંદેશપત્ર અપાવવાની અરજ કરી. મંત્રી ભાઈ મોહાઈ ગયા તેના રૂપમાં, તેણે પણ શય્યાભાગી થવાની વાત કરી. શીલવતી તેને ‘ત્રીજા પ્રહરે ઘરે આવજો' કહી રાજા પાસે આવી. ઘરે ઘણી રાણી છતાં રાજા પણ તેના રૂપમાં લપટાયો, રાજાએ તો સંભોગની ઉઘાડી વાત કરી. શીલવતીને સંસારના ભૂખ્યા લોકોનું ઉઘાડું સ્વરૂપ આજે જ દેખાયું. જેને જુઓ તે બધા જ ભીખારી, જે જુઓ તે ભીખ માગે ! બળીયા છતાં દીન. બધુંય છતાં દુઃખીયા તે રાજાને ચોથા પ્રહરે ઘરે આવવાનું આમંત્રણ આપી ઘરે આવી ને શાંતિથી બધી ગોઠવણ કરી પોતાની સાસુને કહ્યું - તમારે મને રાત્રિના ચોથા પ્રહરે સાદ પાડી બોલાવવી.' એમ સંકેત કરી તે પોતાના કક્ષમાં આવી કામે લાગી.