________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
નાગિલ તો જાણે કોઈ મહામારી સામે ઊભો હોય તેમ પોતાની જાતને સંકોરી ઊભો રહ્યો. પેલીએ જાણ્યું કે આને કાંઈ મારી અસર થઈ નહીં એટલે ખીજાઈને તેણે વિદ્યાથી અગ્નિમય લાલ તપાવેલો લોઢાનો ગોળો બનાવી કહ્યું – ‘ઓ અધમ, મારા કહ્યા પ્રમાણે મારી સેવા કર, નહિ તો હમણા રાખ થઈ જઈશ.' નાગિલ આ જોઈ જરાય ગભરાયા વગર વિચારવા લાગ્યો કે દસ માથાવાળા રાવણની જેમ કામની પણ દસ અવસ્થા હોઈ તે એવો રાક્ષસ છે જે દેવ કે અસુરથી પણ જીતાતો નથી. તે માત્ર શીલરૂપ રામબાણ શસ્ત્રથી જ જીતાય છે. તે આમ વિચારતો હતો તેવામાં તે સ્ત્રીએ લોહ ગોળો નાગિલ પર મૂક્યો. મોટી આફત આવી જાણી નાગિલ નવકારના ધ્યાનમાં બેસી ગયો. ક્ષણવારમાં ગોળો ને વિદ્યાધરી બધું અદશ્ય થઈ ગયું.
૯૬
નાગિલે આંખ ઉઘાડી ત્યાં નીચેથી નંદા મલકાતી મલકાતી અગાશીમાં આવી બોલી - ‘વહાલા, તમારા વિના મને બાપને ત્યાં જરાય ગમ્યું નહીં. એટલે અહીં ચાલી આવી.' એમ કહી તે તેની પાસે બેસી ગઈ. નાગિલે વિચાર્યું ‘નંદા આજે કેમ આમ કરે છે ? તે કદી વિષયવાસનાને ઉત્તેજિત કરે નહીં તે સ્વપતિમાં પણ એટલા સંતોષવાળી છે કે આવી ઉશ્કેરણી જેવી ચેષ્ટા પણ એ કરે નહીં. છે તો નંદા જ. બોલે ચાલે રૂપે રંગે ક્યાંય જરાય ફર્ક નહીં પણ આ પરિણામો નંદાના નથી. નંદાની ગંભીરતા અજાણી નથી. માટે આનો વિશ્વાસ કરતાં પહેલા પરીક્ષા કરવી જોઈએ. તેણે કહ્યું - ‘નંદા ! આજની રીતભાતથી મને તારા પર શંકા થાય છે. જો તું ખરે જ નંદા હોય તો આ તરફ સીધી ચાલી આવ.
આ સાંભળી ચાલતા જતાં જ તે સ્ખલના પામી. વિદ્યાધરીની કપટલીલા ઉઘાડી પડી ગઈ, વિસ્મયથી નાગિલે વિચાર્યું. શીલનું સર્વથા પાલન કરવાનો નિયમ ન હોય તો આમ પ્રપંચ પણ થઈ શકે છે. સર્વવિરતિ-સાધુજીવન જ સર્વ ભયથી મુક્ત છે. તરત તેમણે માથાના કેશનો લોચ કર્યો. ત્યાં દીપકવાળા યક્ષે આવી કહ્યું કે - ‘હું તમારી સેવામાં રહીશ. મારા તેજથી તમારા ઉપર ઉજેહી નહિ પડે.’ ઇત્યાદિ, સવાર પડતા નંદાને બધી ખબર પડી તે દોડતી ત્યાં આવી અને પતિ સાથે તેણે પણ દીક્ષા સ્વીકારી. યક્ષની સેવાથી જ્યાં જતા ત્યાં તેમનો અદ્ભૂત મહિમા વિસ્તાર પામતો. લાંબાકાળ સુધી પૃથ્વી પર વિચરી ઘણો શાસનનો મહિમા વધાર્યો. નિરતિચાર સંયમ પાળ્યું, પ્રાંતે તેઓ હરિવર્ષક્ષેત્રમાં યુગલિક થયા. ત્યાંથી દેવ-મનુષ્ય થઈ મુક્તિ મેળવશે.
આમ નાગિલે દ્રવ્યદીપકમાંથી ભાવદીપક પ્રગટાવ્યો. સ્વદારાસંતોષી થયો તો વિદ્યાધરી પણ કાંઈ કરી ન શકી. માટે ગૃહસ્થોએ સ્વદારાસંતોષવ્રત લેવું ને દઢતાપૂર્વક પાળવું.
s
શીલ જ છે જીવન શણગાર
જે મહાનુભાવ વિવાહિત સ્વસ્ત્રીમાં સંતોષી થઈ પરસ્ત્રીથી પરાજ્ઞમુખ રહે છે તે ઘરસંસારી છતાં બ્રહ્મચર્યના ગુણથી સાધુસમાન કલ્પવામાં આવે છે.