________________
૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ મૈથુન (અબ્રહ્મચર્ય) સૂક્ષ્મ અને સ્કૂલ એમ બે પ્રકારનું હોય છે. કામના ઉદયથી ઇંદ્રિયોનો સામાન્ય વિકાર તે સૂક્ષ્મ મૈથુન અને મન-વચન તેમજ કાયાથી ઔદારિક (પાર્થિવ) દેહધારી, નારી સાથે સંભોગ કરવો તે સ્થૂલ મૈથુન. એટલે કે મૈથુનના ત્યાગ સ્વરૂપ બ્રહ્મચર્ય બે પ્રકારનું છે. સર્વથી અને દેશથી. જેઓ આંતરિક નિર્બળતાથી ઘેરાયેલા હોઈ સર્વથી અબ્રહ્મનો ત્યાગ ન કરી શકે એવા શ્રાવકો દેશથી ત્યાગ કરે છે. આ ઉત્તમ વ્રતથી નાગિલને સર્વ સિદ્ધિ પ્રાપ્ત થઈ. તેનું કથાનક નીચે પ્રમાણે છે.
નાગિલની કથા ભોજપુર નગરમાં પરમાત્મા જિનેન્દ્રદેવનો ઉપાસક લક્ષણ નામક વણિક રહેતો. તેને પરમશ્રદ્ધાળુ, ધર્મનિષ્ઠ અને જીવાદિ તત્ત્વોની જાણ નંદા નામની દીકરી હતી. તે યુવાવસ્થા પામતા, તેના માટે યોગ્ય વરની તપાસમાં પડેલા લક્ષણને નંદાએ કહ્યું – “બાપુ! જે મનુષ્ય એવો સ્થિર દીપક ધારે છે તેમાંથી કાજલ થાય નહીં, વાટ હોય નહીં ને તેલ વપરાય નહીં તેને હું પરણીશ” આવી દુષ્કર પ્રતિજ્ઞા સાંભળી મુંઝાયેલા લક્ષણે અંતે નગરમાં ઘોષણા કરાવી જેથી યોગ્ય વર મળે. આખા નગરમાં આ સુંદર કન્યાની ચર્ચા થવા લાગી. પણ આવો દીવો લાવવો ક્યાંથી? એવામાં એક નાગિલ નામના સ્વસ્થ-સુંદર-યુવાન જુગારીએ કોઈ યક્ષની આરાધના કરી તેવો દીપક મેળવ્યો. શેઠ તે જોઈ પ્રસન્ન થયો અને નાગિલને પોતાની દીકરી નંદા પરણાવી. જ્યારે નિંદાએ જાણ્યું કે તેનો પતિ વ્યસની-જુગારી છે ત્યારે તેને ઘણું દુઃખ થયું. તેણે ઘણાં પ્રયત્નો કર્યા પણ નાગિલે જુગાર ન છોડ્યો. તે જયારે ત્યારે ધન ઉડાડી કે હારી નાખવા લાગ્યો, માત્ર પુત્રીના પ્રેમથી શેઠ જોઈએ તેટલું ધન નાગિલને આપતા. નંદા આંતરિક લાગણી નહિ છતાં પતિ સાથે બધો વ્યવહાર સાચવતી અને મનનું દુઃખ જરાય જણાવા દેતી નહીં. આ વાત નાગિલ જાણતો હતો. તેને એકવાર વિચાર આવ્યો કે – “આ સ્ત્રી કેટલી બધી ગંભીર છે, મારા અપલક્ષણ-વ્યસન કે અપરાધને જાણવા છતાં કદી ગુસ્સો કર્યો નથી ને ઔચિત્ય છોડ્યું નથી. છતાં પત્નીને પોતા પર અનુરાગ નથી તે પણ તે જાણતો ને આ વાત તેને ખટકતી હતી પણ શું થાય?
એકવાર કોઈ જ્ઞાનમુનિનો સમાગમ થઈ જતાં નાગિલે ભક્તિપૂર્વક પૂછયું - “ભગવંત! મારી પત્ની શુદ્ધ અંતઃકરણવાળી, સરલ અને ભાવનાશીલ હોવા છતાં મારી સાથે સાવ ઠંડો વ્યવહાર રાખે છે. જાણે બધું આપે છે પણ મન નથી દેતી. આવું કેમ હશે?' મુનિએ નાગિલને યોગ્ય જાણી કહ્યું – ‘તે નંદાનો કલ્પેલો દીવો સાવ જૂદો હતો, એટલે કે જે પુરુષના હૃદયમાં માયાપ્રપંચરૂપી કાજળ ન હોય, જીવાદિ નવતત્ત્વની બાબતમાં અસ્થિરતારૂપ વાટ ન હોય, જેમાં સ્નેહના નાશરૂપ વ્યય ન હોય અને સમ્યકત્વખંડન સ્વરૂપ કંપન ન હોય તેવા વિવેકરૂપી દીપકના ધારકને તે પરણવા માંગતી હતી, આ મર્મને કોઈ જાણી શક્યું નહીં, ને તું મૂળથી ધૂર્ત માણસ એટલે યક્ષને પ્રસન્ન કરી પ્રપંચી દીવો બનાવ્યો. તેથી શેઠે પોતાની ઘોષણા પ્રમાણે તેને પોતાની પુત્રી પરણાવી, હવે તે ધર્મિષ્ઠ, સરલ તત્ત્વની જાણ તારા જેવા વ્યસની અને પ્રપંચી ઉપર અનુરાગ શી રીતે ધરે ? જો તું વ્રતાદિ ધારણ કરીશ ને ધર્મની આરાધના કરીશ તો જ તારી ઇચ્છા ફળશે.'