________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ છે. તેનાથી યત્નપૂર્વક બચ્યા વિના આધ્યાત્મિક વિકાસની યોગ્ય ભૂમિકા તૈયાર થઈ શકતી નથી. મનને બહુ ગમતી કેટલીક વસ્તુમાં કામભોગ મોખરે છે. આ કાંઈ સંસારમાં દુર્લભ વસ્તુ નથી. પશુઓને પણ આ તો સાવ સુલભ અને કોઈ પણ જાતની અગવડ વિના મળે છે. માણસ આખો ખવાઈ જાય, શરીર સમૂળગું બેવડ વળી જાય, લાખ લાખ સૌન્દર્યવતી યુવતીઓનો કરોડ કરોડ વર્ષ સુધી નિરંતર સહવાસ મળ્યા જ કરે તો પણ મન ધરાવાનું નથી. જીવને ધરપત આવવાની નથી. આટલું કરવા છતાં જોઈતું મળવાનું નથી. એમાંથી રઘવાટ, તલસાટ, બળતરા, ઈર્ષા, નિરાશા અને ચિરઅતૃમિનો આતશ જ ઉપજવાનો છે.
સ્ત્રી સાથે પુરુષ અને પુરુષ સાથે સ્ત્રીના સમાગમને મૈથુન કહેવામાં આવે છે. અબ્રહ્મ આનું જ નામ છે. ક્ષણવારના કલ્પિત સુખ માટે માણસ મહા અનર્થ કરી નાંખે છે. જ્ઞાનીઓ કહે છે કે – બ્રહ્મચર્ય જીવન છે અને અબ્રહ્મ જ મૃત્યુ છે. જેમ સંસારની કોઈ આંધી-વંટોળ પર્વતને હલાવી શકતો નથી તેમ સંસારની કોઈપણ રૂપશ્રી – કોઈપણ સૌષ્ઠવ કે સૌન્દર્ય વીતરાગને હલાવી નથી શકતા. બ્રહ્મની શક્તિને સમજનારા કોઈ ભાગ્યવંત તેની ઉપાસના કરતાં કરતાં વીતરાગ થઈ જાય છે ને અનેક વીતરાગ ઉપજાવે છે.
પરંતુ આ સંસારમાં પશુઓ છે તેમ પશુતુલ્ય માણસો પણ છે. તેમને ખબર નથી કે વાસનાનો દાસ ત્રણે લોકનો ગુલામ હોય છે. તેઓ બિચારા જરાય શાંતિ માણી શક્તા નથી. બધેય ભટક્યા કરે, બધે માથું માર્યા કરે. ઘસાઈ ગયેલા શરીરને પાછું નવું કરવા બાલીશ ચેષ્ટા કર્યા કરે. હણાઈ ગયેલી શક્તિને મેળવવા કોઈના કાળજા પણ ખાઈ જાય, છતાં કોઈ રીતે તેમને સફળતા મળે નહીં. હવાતીયા મારવામાં મોંઘા માણસના અવતારને ઓગાળી નાખે. ઇચ્છાઓ કોઈ રીતે પૂરી ન થાય ને જીવન પૂરું થઈ જાય. આ કેવી કરુણતા ! જીવ જીવનના રહસ્યો સમજે તે માટે થોડી પણ સ્થિરતા લાવે તે ઉદેશથી તે પરમકૃપાળુ દયાના સાગર વિતરાગ ભગવંતોએ હરાયા ઢોરની જેમ જીવ આમતેમ રખડે નહીં ને સ્વસ્થતા પ્રાપ્ત કરે માટે ગૃહસ્થોને સ્વદારાસંતોષ નામનું વ્રત સમજાવ્યું છે. એક ખીલે બંધાયેલ ઢોર પણ સ્વસ્થતા પામે છે. તેમ પોતાની વિવાહિત પત્નીમાં સંપૂર્ણ સંતોષ રાખી ગૃહસ્થ પરસ્ત્રીનો ત્યાગ કરે તેને સ્વદારા સંતોષ વ્રત કે ચોથું અણુવ્રત કહેવાય, ગૃહસ્થોએ પોતાની વિવાહિત પત્નીમાં સંતોષ રાખવો અને અન્ય એટલે મનુષ્ય, દેવ અને તિર્યંચ (પશુ)ની સ્ત્રીઓનો તેમજ અન્ય પરિણીત, સંગ્રહિત કે વિધવા સ્ત્રીનો પણ ત્યાગ કરવો.
અપરિગ્રહિત એટલ કોઈ પણ દેવે પત્ની તરીકે નહિ સ્વીકારેલી એવી દેવીઓ. તિર્યંચ સ્ત્રીઓને કોઈએ સ્વીકારી નથી, તેમજ તે કોઈને પરણી નથી છતાં તેમનું જીવન વેશ્યાતુલ્ય હોઈ, મનુષ્યથી જુદી જાતિ હોઈ તે પણ પરસ્ત્રી કહેવાય છે. પરસ્ત્રી - ત્યાગમાં તેનો પણ ત્યાગ સમજવો. સ્વદારાસંતોષી માટે પોતાની પત્ની સિવાય સંસારની સમસ્ત નારી પરસ્ત્રી છે. (સ્ત્રી માટે પોતાના પતિ સિવાય સંસારના સમસ્ત પુરુષ પરપુરુષ છે. તેમને પરપુરુષનો ત્યાગ હોય છે.)