________________
૯૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨
નાગિલે કહ્યું – “ભગવંત! આપણા વ્રતોમાં શ્રેષ્ઠવ્રત કર્યું છે?” મુનિજીએ કહ્યું – “નાગિલ ! ધર્મના બધા પ્રકારો-ભેદો અનુષ્ઠાનો તેમજ વ્રતો ઉપકારી છે. પોતપોતાની જગ્યાએ સહુનું આગવું સ્થાન છે. છતાં શ્રી તીર્થંકરદેવોએ સમ્યકત્વયુક્ત બ્રહ્મવ્રત શીલધર્મને સર્વથી શ્રેષ્ઠ અને પોતાની સુગંધથી ત્રણે લોકને મહેકાવનારો કહ્યો છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે “જે મહાભાગે સ્વયંના શીલરૂપી કપૂરની સુગંધથી સમસ્ત ત્રિભુવનને સુવાસિત કર્યું છે, તેને વારંવાર નમસ્કાર થાવ. સમયે સમયે ભાવના ભાવવી. અમુક અવસરે દાન દેવું. અમુક દિવસે તપશ્ચર્યા કે અમુક જ તપ કરવું. આ બધું અલ્પકાલીન હોઈ સુખે આરાધી શકાય, પરંતુ જીવનપર્યત શિયળ પાળવું તે અતિ દુષ્કર છે. જુઓ ! નારદ કલિપ્રિય-ઝઘડો કરાવનાર, અશાંતિ ઉપજાવનાર અને સાવદ્ય યોગમાં જોડાયેલ હોવા છતાં શીલના મહિમાથી જ મુક્તિને પામે છે.”
ઇત્યાદિ ગુરુ ઉપદેશથી નાગિલ ધર્માભિમુખ બન્યો. તેણે સમ્યકત્વ સહિત શીલવ્રત સ્વીકારી વિવેકરૂપી દીવો ધારણ કર્યો ને સાચા અંતઃકરણથી શ્રાવકનો ધર્મ આચરવા લાગ્યો.
આ જાણી નંદાએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું – “આર્ય! તમે વિવેક પામીને બધું પામ્યા છો. ઘણું સારું કર્યું તમે. ભગવાનનો ધર્મ ન મળ્યો તો શું મળ્યું? જિનેન્દ્રપ્રભુની પૂજા, ગુરુમહારાજની ભક્તિ, સહધર્મીનું વાત્સલ્ય અને પરોપકારની બુદ્ધિ, આ બધાં વિવેકરૂપ વૃક્ષના પલ્લવો છે.” નાગિલે કહ્યું – “પ્રિયા ! વિવેક વિના ધર્મ અને ધર્મ વિના આત્માનું કલ્યાણ નથી. વિવેકહીન માણસ સદા દુઃખી હોય છે. બકરાં-ઘેટાના ટોળાનો મૂર્ણ માલિક સદા હસતો હોય તો પણ તેનું હસવું વાસ્તવિક રીતે નિરર્થક છે.” ઈત્યાદિ તેની વાત સાંભળી નંદાને ઘણો આનંદ થંયો. પરિણામે તેને નાગિલ ઉપર સાચી લાગણી જન્મી.
એકવાર નંદા તેના બાપાને ઘેર ગઈ હતી. ઉનાળો હોઈ નાગિલ હવેલીની અગાશીમાં સૂતો હતો. ચાંદ આખી પૃથ્વી પર ચાંદીની જેવી ચાંદની રેલાવી રહ્યો હતો. એ વખતે કોઈ વિદ્યાધરયુવતી ત્યાંથી કશેક જતી હતી. સુંદર-સોહામણા યુવાન નાગિલને જોઈ કામાધીન થયેલી તે તરત તેની પાસે આવી, વાસનાથી ધ્રુજતી તેણે નાગિલના પગ પકડી કહ્યું – “સોભાગી ! હું વિદ્યાધરકન્યા છું. જો મને શયાભાગી બનાવશો તો તમને વિદ્યાઓ આપીશ. જેથી તમે મનુષ્યોમાં મહાનતા ભોગવશો. મેં કદી કશે પ્રાર્થના કરી નથી. તો મારું વચન તોડશો નહીં' નાગિલે તરત પોતાના પગ સંકોરી લીધા. રમણી એવી સુંદર અને મુગ્ધ હતી કે એ જગ્યાએ મોટા યોગી પણ યોગને છોડી દે.
પોતે યુવાન સામે સુંદરતાની ખાણ ને તેમાં હેલે ચડેલી યુવાની. એકાંત, ચાંદની રાત, વિદ્યાનું અસામાન્ય પ્રલોભન !! આમાં માણસ ક્યાંથી ટકે? પણ બલિહારી છે વીતરાગના ધર્મની ! એણે અનેકમાં સાચી સમજણ ને સંયમ જગાવ્યાં છે.