________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨
તેમજ ખોટી સાક્ષી આપનાર, અસત્યભાષી કે વિખવાદમાં ખોટો પક્ષપાત કરનારો કોઈ આ માર્ગે નીકળ્યો હોય તો તેની શુદ્ધિ માટે પાણી છાંટું છું.”
અર્થાતુ જાતિચાંડાળ કરતાં કર્મચાંડાળ ઘણો જ હીન કહેવાય. કેમકે ક્યાં જન્મવું એ આપણા હાથની વાત નથી, પણ કેમ જીવવું એ આપણા હાથની વાત છે. અગ્નિના ભઠ્ઠામાં હાથ નાખવો, મુખમાં કાળોતરાનું મુખ લેવું, કે હલાહલવિષનું પાન કરવું સારું પણ પરાયું ધન લેવું સારૂં નહીં.' મુનિરાજોની આવી દેશના સાંભળી ગુણધરને ચોરીથી બચવાની ભાવના જાગી. ભવાંતરે પણ તે તરફ લક્ષ્ય ન જાય તે માટે તેણે તૈયારીરૂપે અદત્તાદાન વિરમણ નામનું ત્રીજું વ્રત લીધું. ઘણો જ આનંદિત થઈ તે ઘરે આવ્યો ને વ્રતારાધનમાં સાવધાન થયો.
એકવાર તે ગુણધર મોટો સાથે લઈ દેશાંતર કમાવા નીકળ્યો. માર્ગમાં અતિ વેગીલા ઘોડા પર બેસી તે ઘણો આગળ નિકળી ગયો. ઘોર જંગલમાં એ પોતાના સાર્થથી સાવ જૂદો પડી ગયો. તે ઘોડા પર બેસી ધીરે ધીરે ચાલ્યો જતો હતો ત્યાં તેણે પૃથ્વી પર પડેલો મૂલ્યવાન સુવર્ણહાર જોયો. કિંતુ ત્રીજા વ્રતના કારણે તેણે તે ઉપાડ્યો નહીં ને આગળ ચાલ્યો. અચાનક ઘોડાનો પગ નમી જતાં તેણે નીચે ઉતરી જોયું કે ઘોડાની ખરીથી ઉખડી ગયેલી જમીન નીચે સોના-ઝવેરાતથી ભરેલો એક તાંબાનો ચરૂ હતો. ત્યાંથી તરત નજર ખસેડી તે આગળ ચાલ્યો. ત્યાં અચાનક ઘોડો બેભાન થઈ ધરણી પર ઢળી પડ્યો. સૂર્ય જાણે અગન વરસાવતો હતો. પવન પણ વાળા લઈને ફરતો હતો. તેને તરસ પણ અસહ્ય લાગી હતી. ઘોડા વગર આ અરણ્ય ઓળંગવું શક્ય લાગતું નહોતું. માટે એને એવો વિચાર આવ્યો કે - “કોઈ મારો ઘોડો સાજો કરે તેને મારું બધું ધન આપી દઉં. ને એ પાણીની ખોજમાં આગળ ચાલ્યો. ત્યાં તેણે એક વૃક્ષ પર પાંજરે પૂરાયેલો પોપટ ને તેની સમીપમાં પાણીનો ચંબુ લટકતો જોયો. સાશ્ચર્ય શેઠ ઊભો જોતો રહ્યો ત્યાં પોપટ બોલ્યો - વનમાં પાણી ઘણું દુર્લભ છે, પણ તમારા માટે અગત્યનું હોઈ તમે પીવો, તરસ તો પ્રાણ પણ લઈ લે. માટે જોઈએ તેટલું લો, હું એના સ્વામીને કહીશ નહીં.' સાર્થવાહ બોલ્યો - “અતિતૃષાથી મૃત્યુ થાય પણ ખરૂં, છતાં ધણીએ દીધા વિના પાણી પીવાય નહીં. કારણ કે હાસ્ય, રોષ કે પ્રપંચથી અદત્ત લેનારને અવશ્ય અનિષ્ટ ફળ મળે છે.
શ્રીકૃષ્ણ મહારાજાની પત્ની રુક્મિણીરાણીએ પૂર્વભવે ઉપવનમાં મયૂરના સુંદર ઇંડા જોયા ને માત્ર હાસ્યથી જ હાથમાં ઉપાડ્યા ને થોડીવારમાં તો પાછા સાચવીને મૂકી દીધા. પણ હાથમાં લાગેલો અળતાનો લાલરંગ ઈંડાને લાગી જતાં મયૂરી પોતાના ઇંડાને ઓળખી ન શકી ને રાડારાડ કરતી વનમાં આમથી તેમ દોડવા લાગી. આમ સોળ ઘડી સુધી ઢેલે ઇંડા માટે દોડાદોડ ને કલ્પાંત કર્યા પછી વરસાદ વરસતા તે ઇંડા ધોવાયા ને મોરલીએ ઓળખ્યા અને પછી સેવ્યા. આવા હાસ્ય માત્રથી પારકી વસ્તુ ઉપાડવાના પાપે રુક્મિણી રાણીને સોળ વર્ષ સુધી પુત્રવિયોગ સહેવો પડ્યો. રોષથી અદત્તાદાન લેવાના લીધે દેવાનંદા અને ત્રિશલાનો સંબંધ સંસારમાં પ્રસિદ્ધ છે. માટે તે પોપટ ! સમજુ માણસો કદી અદત્તાદાન ગ્રહણ કરતા નથી.” આમ વાત ચાલતી હતી