________________
૮૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ સહુને મૃત્યુ લાગેલું જ છે. ઇંદ્રથી લઈ કીડી મકોડી સુધીના સર્વ જીવોની આ દશા છે. સહુનું મરણ અવશ્ય છે જ. સગા-સંબંધિઓનો સમાગમ વૃક્ષ પર રાત્રે ભેગા થયેલા પક્ષીઓના મેળા જેવો છે. કોઈ પણ ઉપાયે મરેલા પાછા આવતા નથી. અજ્ઞાની જીવો જ શોક-સંતાપે આત્માને ક્લેશ આપે છે.” ઈત્યાદિ રાજાની વાત સાંભળી સહુ શાંત થયા. પછી રાજાએ પૂછ્યું - “તમારા પુત્રના મૃત્યુના સમાચાર કોણ લાવ્યું? ગુણશ્રીએ કહ્યું – “વામદેવ. તે મારા પુત્રનો મિત્ર છે તેને બોલાવી પૂછતાં કહ્યું – “રાજેન્દ્ર ! અહીંથી કુબેરદત્ત ભરૂચ ગયા ને ત્યાંથી પાંચસો-પાંચસો માણસોથી ભરેલા પાંચસો વહાણ લઈ દ્વીપાંતરોમાં વ્યાપાર અર્થે ગયા. ત્યાં તેમને ચઉદ કરોડ સુવર્ણદ્રવ્યની પ્રાપ્તિ થઈ. પાછા ફરતાં વિષમગિરિના વમળમાં પાંચસો વહાણ ફસાઈ પડ્યા. પહેલા પણ કોઈના પાંચસો વહાણ તેમાં ભમરી ખાતા તરતા હતા. ઘણા પ્રયત્નો છતાં તે પણ નિકળી શક્યા નહોતા. આ જોઈ શેઠ ઘણા ખિન્ન થયા.
એવામાં કોઈ માણસ વહાણ લઈને આવ્યો ને દૂરથી જ કહેવા લાગ્યો - “રે વહાણવટીઆઓ ! મારી વાત સાંભળો. અહીંથી યોજન ઉપર પંચશૃંગનામે દ્વીપ છે. ત્યાં સત્યસાગર રાજા રાજય કરે છે. એકવાર તે મૃગયા રમવા ગયો, ત્યાં તેણે સગર્ભા મૃગલીને બાણ માર્યું. તરફડતી મૃગલી તો મરી ગઈ પણ તેનો પતિરૂપ મૃગ પણ ત્યાં ને ત્યાં માથું પછાડી મર્યો. આ કરૂણ દયે રાજા ઉપર ઊંડી અસર ઉત્પન્ન કરી. તેને પોતાની જાત ઉપર ધૃણા અને જીવો પર દયા ઉપજી. ત્યારથી તેણે હિંસા છોડી અને રાજ્યમાં અહિંસાની ઘોષણા કરાવી. તેમણે એક પોપટ દ્વારા મને તમારા સંકટના સમાચાર મોકલ્યા છે. તેથી હું તમને બચાવનો માર્ગ જણાવવા આવ્યો છું. આ પર્વતની નીચેની ધારમાં એક ગુફા છે તેમાં થઈ પર્વતની પેલે પાર ઘોર અરણ્યમાં થઈ શૂન્યનગરમાં જવાય છે. ત્યાં એક જિનમંદિર છે. તેમાં મોટો પડહ છે. તે જોશથી વગાડતા તે અરણ્યના વિશાલકાય ભાખંડ પક્ષીઓ ઉડશે. તેમની પાંખના પ્રચંડ પવનથી આ વહાણો આ વમળમાંથી ખસી જશે ને ખોરંભામાંથી નિકળી સરળતાથી ચાલશે માટે ત્યાં કોઈ માણસને મોકલો. માત્ર તે ગયેલો માણસ પાછો આવી શકશે નહીં.”
આ સાંભળી ઉપાય તો હાથમાં આવ્યો પણ ત્યાં જવા કોઈ તૈયાર થયું નહીં. તેથી પૈર્ય અને દયાવાળા શેઠ કુબેરદત્ત પોતે ગયા ને થોડા સમય પછી ભાખંડ પક્ષીઓ ઉડતા પૂર્વના ને એ બધા વાહણ ખોરંભામાંથી નિકળી માર્ગે આવ્યા. ક્રમે કરી ભૃગુકચ્છ (ભરુચ)ના કિનારે લાંગર્યા. પરંતુ શેઠ કુબેરદત્તનું શું થયું? તે જણાયું નથી. કોઈએ કહ્યું, - હવે શેઠની કોઈ આશા રાખવી વ્યર્થ છે.' બીજાએ કહ્યું – “શેઠનો આ વૈભવ-વીસકરોડ સુવર્ણમુદ્રા, આઠ કરોડ રૌમ્યમુદ્રા, હજાર તોલા આ દુર્લભ રત્નો આદિ તમે લઈ જાવ એટલે અમે તેની અંતિમ વિધિ કરીએ.”
ગુર્જરાધિપતિએ તે ધનને તૃણવત્ ગણતાં કહ્યું – “હે માતા ! તમારો દીકરો જીવતો છે, થોડા સમયમાં પાછો આવશે. માટે આ ધનવૈભવ ધર્મકાર્યમાં વાપરવું હોય તેટલો વાપરજો.”