________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૮૭
ગુમિમાં મનોસુમિ પાળવી કઠણ છે. રાજા લાજને લીધે વધારે જમવાનું માંગી શકતા નહીં ને વધારે લેવા છતાં થાળી ચટ દઈને સાફ થઈ જતી.
કેટલાય દિવસ સુધી આમ ચાલવાથી રાજાને નબળાઈ જણાવા લાગી. શાણા મંત્રીએ રાજાને પૂછયું - “શું આપને અન્ન અરુચિ કે અગ્નિમાંદ્ય થયું છે? શરીર નિસ્તેજ કેમ જણાય છે? કેમ કે નેત્ર વિના મુખ, ન્યાય વગર શાસન, લૂણ વિનાની રસોઈ, ધર્મ વિના જીવન અને ચંદ્રમા વિના જેમ રાત્રિ શોભતી નથી તેમ અન્ન ન લેવાય તો શરીરની શોભા તરત ઝાંખી પડી જાય છે. અથવા ચિંતા તો નથી ને? કે ચિંતા ખાધું પીધું અને લોહી માં પણ બાળી નાખે છે.” રાજાએ કહ્યું - “બંને કારણ છે. ભોજન પણ ઓછું લેવાય છે. અને ચિંતા એ છે કે હું રોજ બમણું, તમણું ભોજન લઉં છું, પણ થોડીવારમાં બધું જમી જવાય છે. ને ભૂખ ભાંગતી નથી, મને લાગે છે કે કોઈ વિદ્યાના બળથી આવી જમી જતું હશે.
બુદ્ધિશાળી મંત્રીએ આંકડાના સૂકાં ફૂલ જમવાની ફરસ પર નાંખ્યાં. સમય થતાં ચોર આવ્યો અને તેના પગ તળે ચંપાતા ખખડાટ થયો. તરત જ મંત્રીએ દરવાજા બંધ કરાવી માણસો ગોઠવી દીધા અને યોજના પ્રમાણે તે ઓરડામાં ગુંગળામણ થાય તેવો ધૂમાડો કરાવ્યો. ધૂમાડાના ગોટેગોટા ઓરડામાં ફેલાઈ ગયા. આંખમાં ધૂમાડો જવાથી તેને બળતરા અને આંસુ પડવાં લાગ્યાં. તે તરત દશ્ય થયો ને સહુએ પ્રત્યક્ષ જોયો. તેને પકડી લેવામાં આવ્યો અને રાજાની સામે ઉપસ્થિત કર્યો. ચોરે વિચાર્યું – “આ તો ભોજન પણ ગયું ને ઘર પણ ગયું. ખરેખર સર્પનું વિષ તો મણિ મંત્ર ઔષધિના પ્રયોગે નાશ પામે, પણ દષ્ટિવિષ (પક્ષે વિષ જેવી દૃષ્ટિવાળા રાજા) સર્પ કરડે તો માણસ બચે ક્યાંથી? રાજાજ્ઞા થતાં રાજપુરુષોએ ચોરને નગરમાં ફેરવી, ફજેત કરી શૂલીએ ઉભો કર્યો. ને સંતાઈ પ્રતીક્ષા કરવા લાગ્યા કે ચોરનું કોઈ અંગત આવે તો તેની પાસેથી તેના સ્થાનધનનું નિદાન મળે.
એટલામાં જિનદત્ત નામના શેઠ ત્યાંથી નિકળ્યા. રડતા ચોરને દયાથી તેઓ શિખામણ આપતા કહેવા લાગ્યા - “અરે ચોર ! વિચાર કર કે તારા જીવનમાં તને કેટલી શાંતિ મળી ? ચોરીના ફળ તરીકે આ લોકમાં તને વધ-તાડન-બંધન મળ્યા ને પરલોકમાં દુર્ગતિની મહાવેદના મળશે. કારણ કે કરેલા કર્મ તો સહુને ભોગવવા પડે છે. કિંતુ અંત સમયે પણ ચોરીનો ત્યાગ કરે તો તને મોટો લાભ મળે. ભાવિ માટે સારી સંભાવના થઈ શકે માટે ચોરીના ત્યાગરૂપ અદત્તાદાનનો ત્યાગ કર.' લોહખુર બોલ્યો :- “આખા જીવનપર્યત માણેલા સુખ કરતા આ દુઃખ અનેકગણું છે. શેઠ! મારા પગમાં શિયાળે બચકા ભર્યા છે. માથામાં કાગડાઓએ ચાંચો મારી છે. આ આપત્તિમાંથી હવે મને કોઈ બચાવે તેમ નથી. કેમકે મેં ઘણાં પાપો કર્યા છે ને એ બધાં મારી સામે મોટું ફાડી ફાટે ડોળે ઊભા છે. મને તરસ પણ ઘણી લાગી છે. થોડું પાણી પાવને. રાજાજ્ઞા વિરુદ્ધ હોઈ શેઠે ઉત્તર ન આપ્યો. ચોરે આર્તસ્વરે દીનમુખે ફરી ફરી પાણી માંગ્યું. શેઠે સાહસ કરી કહ્યું – હું પાણી લાવી આપું, પણ પહેલા તું જીવનભર કરેલા પાપોની આલોચના કર.” એટલે ચોરે પોતે સમજણ
ઉ.ભા.-૨-o