________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
સમૃદ્ધિનું મોટું મહત્વ છે. માન, મોભો ને પ્રતિષ્ઠા વૈભવ સાથે સંકળાયેલી વસ્તુ છે.” પુત્રવધૂ નમ્રતાપૂર્વક બોલી - “આપ તો ઘણાં અનુભવી અને જાણ છો. નાના મોઢે મારે મોટી વાત કરાય નહીં, પણ છતાં એ માટે કહું છું કે આપણે બધાનું હિત પણ સંકળાયેલું છે. કોઈકવાર સંતાનોના ઐહિક સુખ માટે માતા-પિતા આત્મનિરપેક્ષ થતાં હોય છે. ત્યારે એજ સંતાનો જરાક સમજુ હોય છે તો સહુ સાત્વિકતાથી થોડી આવકમાં જીવી શકે છે, જીવન જીવવાની કળા પૈસા સાથે બંધાયેલી નથી. ન્યાયથી મેળવેલા થોડાક ધનમાં વધારે બરક્ત હોય છે, તે વ્યવહારશુદ્ધિ હોઈ ઘરમાં ટકે છે ને બીજું પણ ધન તેથી આવી મળે છે.
જેમ સારી માટીમાં વાવેલું બીજ ઘણી વિપુલતાને પામે છે ને નિઃશંક ભોગનું કારણ બને છે. તેમ ન્યાયોપાર્જિત ધન વૈપુલ્ય અને નિઃશંક ઉપભોગનું કારણ બને છે. કહ્યું છે કે - “અન્યાયથી મેળવેલું ધન, તપાવેલા તવા પર પડતા પાણીના ટીપાની જેમ નાશ પામતું દેખાય નહીં છતાં નાશ પામે છે. અન્યાયથી મેળવેલું ધન અશુદ્ધ, તેથી મેળવેલું અન્નાદિ અશુદ્ધ, તેનું ભોજન અશુદ્ધ, તે ભોજનથી શરીર અશુદ્ધ, તે શરીરથી કરેલું સુકૃત પણ વ્યર્થ, આમ પાયો સારો નહીં માટે કાંઈ સારું નહીં. બીજું વધારે હું કંઈ કહેતી નથી. તમે મારા પૂજય ને મા-બાપ છો. પરંતુ માત્ર મારા કહેવાથી છ મહિના ન્યાયપૂર્વક શુદ્ધ વ્યાપાર કરીને જુઓ. તેના લાભ આંખે દેખાશે. બધાના મન અને શરીર સારા રહેશે. સ્નેહ અને વાત્સલ્ય જણાશે.”
શેઠ તો નાનકડી વહુની મોટી વાત સાંભળી આભા જ બની ગયા. તેમને વહુ પર માન ઉપજયું ને છેવટે છ માસ સુધી અણિશુદ્ધ ન્યાયવ્યાપારની તેને ખાત્રી આપી. તે પ્રમાણે વ્યાપાર કરતાં શેઠ પાંચ શેર સોનું કમાયા. ઘરમાં બધાના મન ભર્યા ભર્યાં. તન ભર્યા ભર્યા. આનંદ અને કલ્લોલ.
શુદ્ધ વ્યવહાર અને વ્યવસાયથી લક્ષ્મી કીર્તિ અને સારા માણસોની અવર જવર વધતી જ ગઈ. શેઠે વહુને સોનું આપતાં કહ્યું – “વહુ બેટા ! તમારી સલાહથી યશવાદ અને આ પાંચ શેર સોનું મળ્યું છે. તમે જ રાખો.” વહુએ કહ્યું – “એમ નહીં. આપણે પરીક્ષા કરીએ. કહે છે કે ન્યાયનું ધન ક્યાંય જતું નથી.” એમ કહી તે સોનાની પાંચશેરી શેઠના નામ ઠેકાણા સાથે ઢળાવી ચામડું મઢ્યું અને જ્યાં ચાર રસ્તા ભેગા થતાં હતા ત્યાં નાખી આવી. ત્રણચાર દિવસે તે ઠેબે ચડી પણ કોઈએ ઉપાડી નહીં એટલે વહુએ તેને ઊંડા જળાશયમાં નાંખી દીધી. તેને મોટો મત્સ્ય ગળી ગયો. તેના ભારથી તે શીધ્ર ગતિ ન કરી શક્યો ને માછીમારની જાળમાં સપડાઈ ગયો. તેને ચીરતા તેમાંથી પાંચશેરી નિકળી. યોગાનુયોગ તે ધીવર હેલાસા શેઠની દુકાને બતાવવા ને વેચવા આવ્યો તે જોતા શેઠે કહ્યું - “ભાઈ! આ પાંચશેરી મારી છે.” એમ કહી તેનું આવરણ કાઢી નાખતાં તેમાંથી શેઠના નામવાળી પાંચશેરી નીકળી. માછીમાર સમજયો કે તોલ કરવાનું કાટલું છે.” શેઠે તેને થોડું ધન આપી રાજી કર્યો. શેઠને નીતિમાર્ગ અને વહુના વચન પર શ્રદ્ધા થઈ. પછી તો સત્ય વચન, ન્યાયમાર્ગ અને સાચા વ્યવસાયવાળા શેઠે અઢળક સમ્પત્તિ ભેગી કરી, સત્કાર્યમાં સાતે ક્ષેત્રમાં