________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ આ પ્રમાણે સાંત્વના આપી રાજા જતા હતા. ત્યાં શેઠ કુબેરદત્ત રૂપાળી સ્ત્રી સાથે ત્યાં આવ્યા. સહુને આશ્ચર્ય થયું. શેઠ રાજા તેમજ માતાને પ્રણામ કરી ઊભા રહ્યા. રાજાએ પૂછ્યું - “હે સાહસિકાગ્રણી ! તે શૂન્ય નગરીમાં ગયા પછી શું થયું?” શેઠે કહ્યું – “તે નગરના મહેલમાં એક સુંદર કન્યા જોઈ હું ત્યાં ગયો. તે બોલી – “હું પાતાલકેતુ નામના વિદ્યાધરની કન્યા છું. મારા બાપે એકવાર માંસની લાલસાથી એક બિલાડી મારી ખાધી. તેમને માંસનો એવો ચસકો લાગ્યો કે માંસનું વ્યસન જ થઈ ગયું. પરિણામે તેઓ રાક્ષસ થયા. પછી તો માણસનું ભક્ષણ થતાં લોકો નગર મૂકી ભાગી ગયા. નગર વેરાન અને નિર્જન થઈ ગયું. હાલમાં તે આહાર માટે જ ગયેલ છે. એ વાત ચાલતી હતી. ત્યાં તેના માતા-પિતા આવ્યા. મેં તેમને માંસ ન ખાવા માટે ઉપદેશ આપ્યો, ને તેમને નિયમ પણ કરાવ્યો. તેમણે પોતાની આ કન્યા મને પરણાવી. અને વિદ્યાબળથી મને પત્ની સહિત અહીં પહોંચાડ્યો.” આ સાંભળી વિસ્મિત થયેલા રાજાએ તેમની પ્રશંસા કરતા કહ્યું - “તમને ધન્ય છે કે સંકટમાં પણ ધર્મ સાચવ્યો અને નરપિશાચને પણ અહિંસામાં જોડ્યો.” રાજા શ્રી હેમાચાર્યજી પાસે વંદન કરવા આવ્યા. તેમણે કહ્યું – “રાજા, જે અપુત્રીયાનું ધન લે તે તેઓ બધાનો પુત્ર થાય. તમે સંતોષથી તે છોડ્યું માટે રાજપિતામહ થયા.”
આ પ્રમાણે રાજર્ષિ, પરમહત, નીતિરાઘવ અને ચૌલુક્યસિંહ આદિ બિરૂદધારી અને આગમના અર્થશાતા શ્રી કુમારપાલ ભૂપાલ પરદ્રવ્ય ત્યાગી વિજયવંત થયા.
૮૨
અસ્તેયવતના અતિચારો. ચોરને આજ્ઞા કરવી, ચોરીનો માલ-ધન લેવું, રાજાએ નિષેધ કરેલ વસ્તુનો વ્યાપાર કરવો, વસ્તુમાં હલકી વસ્તુનો ભેળસંભેળ કરવો અને ખોટા તોલ-માપ-ગજ આદિ રાખવાં. આ પાંચે અદત્તાદાન વિરમણવ્રતના અતિચાર છે. આનું વર્જન કરવું.
ચોરને અનુજ્ઞા એટલે ચોરને ચોરીની પ્રેરણા આપવી. જેમકે-કેમ હમણા સાવ નવરા બેઠા છો ? ખાવાનું સંબલ આદિ ન હોય તો હું આપીશ અથવા તમારો માલ હું ખરીદીશ ઈત્યાદિ વચનોથી તેમને ચોરી માટે ઉત્સાહિત કરવા અથવા ચોરી માટેના સાધન કોશ, કોદાળી આદિ આપવા. આમ ચોરને કોઈ પણ રીતે સહાયક થવું તે સ્નેનાનુજ્ઞા નામનો પ્રથમ અતિચાર છે. નીતિમાં કહ્યું છે કે આવી રીતે વર્તનાર (સહાયક) પણ ચોર જ કહેવાય. કહ્યું છે કે –
ચોર, ચોરને સાધન-સહાય આપનાર, ચોર સાથે મંત્રણા કરનાર, ચોરીની બાબતો અને તેનો ભેદ જાણનાર, ચોરીની વસ્તુ ખરીદનાર, ચોરને અન્નાદિ આપનાર, તથા ચોરને સ્થાનઆશરો આપનાર આમ સાત પ્રકારના ચોર કહેવાય છે.