________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૫૧
અભયકુમારની ઘણી પ્રશંસા કરી તેમને ધન્યવાદ અને ધર્મલાભ આપ્યો. આદ્રમુનિએ સર્વ પાપની આલોચના કરી, તેની નિંદા, ગહ, પ્રતિક્રમણ આદિ કર્યું અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પ્રાંતે મોક્ષ પધાર્યા.
આ પ્રમાણે આદ્રકુમાર મુનિના વચનથી જેમ હાથી ખાનાર તાપસોએ હિંસા છોડી, તેમ આ ચરિત્ર જાણી ચતુર માણસોએ સદા દયાધર્મનો આદર કરવો અને હિંસક જીવોને પણ મારવા નહીં.
૦૩ હિંસાથી બચવા ઉપયોગી થવું જોઈએ મોઢું ઢાંક્યા વિના ભણવું ન જોઈએ, કદી કોઈને ભવિષ્યના ફળાદેશ-નિમિત્તાદિ કહેવા ન જોઈએ, સમજુ જીવોએ પાછલી રાત્રિમાં ઊંચા સ્વરે બોલવું-ભણવું ન જોઈએ. આવા હિંસાના ઘણાં સ્થાનો છે તે પ્રાજ્ઞ પુરુષોએ જાણવા અને ત્યાગવા જોઈએ.
વિશેષાર્થ :- મુખછિદ્ર વસ્ત્રાદિથી ઢાંકીને જ બોલવું જોઈએ. જો તેમ ન કરે તો વાયુકાયજીવોની હિંસા થાય. મુખવત્રિકા (મુહપત્તિ)નો ઉપયોગ જીવરક્ષાને ઉદેશીને છે. અન્ય શાસ્ત્રોમાં પણ જણાવ્યું છે કે – “હે બ્રહ્મન્! નાનામાં નાનો અક્ષર બોલતા નાક મુખમાંથી નિકળતા એક શ્વાસથી સેંકડો સૂક્ષ્મ જંતુઓનો નાશ થાય છે. પૂર્વાચાર્યો કહે છે કે – “ચારસ્પર્શવાળા ભાષાવર્ગણાના પુદ્ગલો શ્વાસોચ્છવાસના આઠસ્પર્શવાળા પુદ્ગલોમાં ભળી જવાથી આઠસ્પર્શવાળા વાયુના જીવોને હણે છે.
કોઈના ભવિષ્ય કથન કરવા, રેખા, નિમિત્ત આદિથી કોઈના આવતા કાળનું ફળકથન કરવું આદિ મુનિએ કરાય નહીં. જે સાધુ-મુનિરાજો જ્યોતિષ નિમિત્તાદિથી ભવિષ્ય ભાખે, કૌતુકઈન્દ્રજાળ આદિના ચમત્કાર બતાવે, તથા ભૂતિકર્મ આદિ કરે, કરવા પ્રેરે કે અનુમોદનાદિ કરે તો તે મુનિના તપનો ક્ષય થાય તે બાબત ઉપર એક ક્ષત્રિયનો પ્રબંધ છે.
ક્ષત્રિયનો પ્રબંધ ક્ષિતિપ્રતિક્તિનગરમાં, એક ક્ષત્રિયાણી રહેતી હતી. તેનો પતિ વર્ષોથી પરદેશ ગયો હતો ને તેના કોઈ સમાચાર પણ આવ્યા ન હતા. કોઈ સાધુમહારાજ તેને ત્યાં ગૌચરી અવાર-નવાર આવતા. એકવાર તે બાઈએ મુનિને પૂછ્યું – “મહારાજજી ! પરદેશથી મારા પતિ પાછાં ક્યારે આવશે? ઘણો વખત થઈ ગયો, કાંઈ વાવડ-પત્તો નથી. મુનિએ કાંઈ ઉત્તર ન આપ્યો. તે સ્ત્રીએ વારેવારે સાગ્રહ પૂછવાથી-માત્ર પ્રશ્નના અંત માટે, અનાભોગે તેમણે કહ્યું કે - “પાંચમે દિવસે આવશે. અને ભાગ્યયોગે પાંચમે દિવસે જ તે ક્ષત્રિય દેશાંતરથી ઘરે આવ્યો. મુનિનું વચન સાચું