________________
૬૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ દુઃખ નથી. સામાને સારું મળ્યું છે તેનું પણ દુઃખ છે,” આ દુઃખમાંથી કોણ ઉગારે ? મુનિની પ્રશંસા-પ્રતિષ્ઠા સાંભળી વેગવતી બિચારી બળવા લાગી ને છેવટે ન રહેવાયું એટલે લોકોને કહ્યું - “આ મહારાજ તો ઢોંગી છે. બ્રાહ્મણ જેવા પાત્રને મૂકી ભમતા સાધુને પૂજવા દોડી જાવ છો પણ તેના ચરિત્રની તમને જાણ નથી.”
લોકોને જીભ કરતાં કાનનો સ્વાદ ભારે. સારા કરતા કાનને હલકું-ગંદું વધારે ભાવે. સમજવા કરતાં સાંભળવાની ટેવ લોકોને વધારે, વેગવતી બોલવા જ બેઠી હતી, શા માટે ઓછાશ રાખે? તેણે કહ્યું – “કોઈ બાઈ સાથે રમતા મેં તેને જોયો છે.” સાધુપુરુષની હલકી વાત વાયુવેગે પ્રસરી ગઈ ને કેટલાકે તે સાચી પણ માની લીધી. ઘણા લોકોએ મહારાજ પાસે જવાનું છોડી દીધું. આ જાણી મુનિને ઘણું દુઃખ થયું. “મારા લીધે શાસનની શાનને ધક્કો પડ્યો ! શાસનની શોભા કદાચ ન વધારી શકીએ પણ તેને ઘટાડવાનું નિમિત્ત હું?' તેમણે નિયમ કર્યો કે - “જ્યાં સુધી આ કલંક ઉતરે નહિ ત્યાં સુધી મારે આહાર-પાણીનો ત્યાગ.” અને તેઓ ધ્યાનમાં બેસી ગયા. થોડા સમયમાં શાસનદેવતાએ સચેત થઈ સાંનિધ્ય કર્યું. વેગવતી પીડાથી આક્રાંત થઇ શય્યામાં તરફડવા લાગી. બધા ઉપાય નિષ્ફળ જતા તેને વિચાર આવ્યો - “મુનિને કલંક આપ્યું તેનું આ પરિણામ છે.” તેને ઘણો પશ્ચાત્તાપ થયો. સર્વજન સમક્ષ તેણે મુનિમહારાજને ખમાવ્યા ને કબૂલ કરતા કહ્યું - “આપ અગ્નિની જેમ પાવન છો, મેં જ ઈર્ષાને લીધે આપને કલંક આપ્યું. આપ તો દયાના સાગર છો, મને ક્ષમા આપો.” આમ આંતરિક શુદ્ધિપૂર્વક પશ્ચાત્તાપ કરતાં તેને દેવીએ પીડામુક્ત કરી. સાજી થઈ ઉપદેશ સાંભળ્યો. અને દીક્ષા લઈ સ્વર્ગે ગઈ. મુનિનો જયજયકાર થયો.
ત્યાંનું આયુષ્ય પૂરું કરી જનકરાજાને ત્યાં પુત્રી સીતા તરીકે અવતરી, પૂર્વભવમાં મુનિને ખોટું આળ દેવાના અપરાધથી તે કલંકિત થઈ.
આ વેગવતીની વીતક સાંભળી સદા અવર્ણવાદથી બચવું, ને કોઈ અવર્ણવાદ બોલે તો સાંભળવા નહીં. આમ કરવાથી આપણામાં પાત્રતા પ્રગટે છે, સદ્ધર્મની પ્રાપ્તિ સુલભ થાય છે.
મૃષાવાદ (બીજા) વ્રતના શેષ અતિચાર માણસ વિશ્વાસુને અતિરહસ્યમય કે ગુપ્તવાત પણ જણાવી દેતો હોય છે – એમ સમજીને કે આ વાત ક્યાંય જશે નહીં. સદાકાળ સહુના સંબંધ સરખા જળવાતા નથી. ને છીછરા માણસો સંબંધની જરાક વિષમતા જણતા સામાની ગુપ્તવાત પ્રગટ કરી નાંખે છે. વર્ષો સુધી જેને સારો કહેતા તેને થોડી જ ક્ષણોમાં ખરાબ કહેવા તૈયાર !