________________
૭૭
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ કરી કિલ્લાની દિવાલ ઓળંગતો હતો ત્યાં રાજપુરુષોએ તેને ઘેરી લીધો. ચાલાકીથી તેણે ચોરીનો માલ નાંખી દીધો. છેવટે તે પકડાયો પણ તેની પાસેથી કાંઈ નિકળ્યું નહીં. રાજા પાસે ઊભો રાખવામાં આવ્યો. તેના રંગઢંગ પરથી રાજાને શંકા પડી, પણ મુદામાલ કે સાક્ષી વિના શું થાય? રાજાએ પૂછપરછ કરતાં તેણે કહ્યું – “હું કણબી છું. શાલીગામમાં રહું છું. શાંતિથી જે મળે તેમાં ચલાવું છું. મેં કોઈ દિવસ કોઈની પાઈ પણ લીધી નથી. મારી ચાલચલગત માટે તપાસ કરવી હોય તો આપ કરાવી શકો છો.” રાજાએ તપાસ કરાવી તો તે ગામમાં તેના કહ્યા પ્રમાણે તેનું ઘર ને એક સજ્જન માણસ તરીકેની વાયકા મળી આવી. ના છૂટકે રાજા તેને છોડી મૂકવા તૈયાર થયા, પણ તેમણે અભયકુમારને તપાસવા આ કિસ્સો આપ્યો. નીતિ કહે છે કે – “અપરાધી છૂટી જાય તેના કરતાં નિરપરાધી દંડાય તે વધુ ખરાબ છે.”
તરત અભયકુમારે પોતાની ગોઠવણ શરુ કરાવી. આબેહૂબ અસલ દેવલોક જેવી રચના મહેલમાં કરાવી. મોટા ઓરડામાં દર્પણ-દશ્યો, છત-બિછાત, શય્યા, શીતલતા, સુગંધી, અતિસ્વરૂપવાન સ્ત્રી-પુરુષો, તેમની વેશ-ભૂષા, સાજ-સજ્જા આદિ એવા તૈયાર કરવામાં આવ્યાં કે ત્યાં જતાં માણસ ત્યાંનો જ થઈ જાય. બધું ભૂલીને તેમાં રમી જાય.
આ તરફ રોહિણેયને જમવાની સાથે ચંદ્રહાસ (કેફી પેય) પાવામાં આવી. તે અચેત થતાં તેને સારા દેવ જેવા કપડા પહેરાવી સજાવવામાં આવ્યો. અને જ્યાં દેવલોકની રચના કરી હતી
ત્યાં પુષ્પશામાં સૂવાડી દીધો. તે સચેત થયો ત્યારે તેણે પોતાની જાતને દિવ્યસૃષ્ટિ તેમજ દિવ્યસમૃદ્ધિમાં મહાલતી જોઈ. આસપાસ રૂપનો વૈભવ પણ કામણગારો હતો. મહેક પણ મોહક હતી. ક્યાંય ન દેખેલી રમણીઓનું સૌંદર્ય તેના આરપાર વસ્ત્રોને ભેદી ઉભરાતું હતું. જાણે એકલો આનંદ, આનંદ ને આનંદ. કલરવ ને કલ્લોલ !
અભયકુમારે ગોઠવેલા બનાવટી દેવા માંગલ્ય વચન “જય પામો, આનંદ પામો.” ઈત્યાદિ બોલવા લાગ્યા. તમે આ વિમાનના સ્વામી તરીકે ઉત્પન્ન થયા છો. અમે સહુ તમારી ઈચ્છા પ્રમાણે વર્તનારા છીએ. આ બધી રમણીઓ તમને આનંદ આપવા તલસે છે. તમારા પુયે આ બધું તમને મળ્યું છે. તમે નિઃશંક થઈ ભોગો ભોગવો, ક્રીડાઓ કરો. આ વૈભવ અને આ અનૂઠું રૂપ ! બધા ગાવા-બજાવા લાગ્યા. એવામાં સુવર્ણવાન વાળો કોઈ છડીદાર સોનાની છડી લઈ આવ્યો ને નમસ્કાર કરી બોલ્યો - “હે દેવ ! અહીંના આચાર પ્રમાણે પ્રથમ તમારે અમને જણાવવું જોઈએ કે – “તમે પૂર્વભવમાં કોણ હતા? શું કામ કરતા હતા? આ ક્યા ભવની કમાણી તમે ભોગવવા આવ્યા છો? તમને ગયો ભવ યાદ હશે. તેથી પૂર્વના ભવ યાદ ન પણ હોય, નવા ઉપજે તે દેવને અમારે પૂછવું જોઈએ.
રોહિણેય થોડા પણ ઘેનમાં હતો. આજુબાજુનું વાતાવરણ ભાન ભૂલાવે તેવું હતું. બધે જાણે માદકતા ને મધુરતા જ હતી. રોહિણેય કહેવાની તૈયારીમાં જ હતો કે હું લોહખુરનો દીકરો રોહિણેય હતો. ઈત્યાદિ. ત્યાં એને પાછું યાદ આવ્યું - “મારાથી આ મહાવીરની વાણી સંભળાઈ