________________
૭૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
એ અપશુકને જ મને પકડાવ્યો. હવે આ રાજા ક્યારે છોડશે ? ત્યાં તેને મહાવીરની વાણીનો વિચાર કરતાં સમજાયું કે મહાવીર કહેતા હતા તેવા આ દેવ-દેવીઓ નથી. આમની તો આંખો પટપટે છે. પૃથ્વીને અડીને ઊભા છે. વધારે ધારીને જોતાં તેને લાગ્યું કે – ‘આ બધી સ્હેજે ન કળાય એવી બનાવટ છે. આ લોકો તો મારા જેવા જ છે. એમને પરસેવો પણ થાય છે.’ તેને વિશ્વાસ થતાં તે બોલ્યો.
-
પૂર્વભવમાં હું ગામડાનો કણબી હતો. કદી કોઈનું બૂરું તો ઇછ્યુંય નથી. બને તેટલી ભલાઈ કરી છે. સત્કાર્ય કર્યાં ને દાનાદિ દીધા છે. ધર્મ કદી વેગળો કર્યો નથી. તેથી જ લાગે છે મને સ્વર્ગની પ્રાપ્તિ થઈ છે. સંતાયેલા અભયકુમાર આ સાંભળી છક થઈ ગયા. આવી માયાજાળમાં પણ આ જરાય ફસાયો નહીં ને ઠેઠ સુધી દાંભિકતા જાળવી રાખી.' ઇત્યાદિ વિચારી છેવટે તેને છોડી મૂક્યો.
રાજા અને અભયના સબળ સકંજામાંથી રોહિણેય છૂટી તો ગયો, પણ તે ઊંડા વિચારમાં ઉતરી ગયો. આજ તેની આંખો સામે ઉપદેશ આપતા મહાવીરની કરૂણામય મૂર્તિ જાણે જડાઈ ગઈ છે. બીજી તરફ ઘોર દુર્બુદ્ધિ આપનાર બાપની સ્વાર્થીલી શિખામણના પડઘા પણ ક્યારેક સંભળાવા લાગ્યા. તે બોલી ઊઠ્યો - ‘ધિક્કાર છે મારી જડબુદ્ધિને જે પિતાની ઠગારી વાતથી છેતરાઈ ગઈ. ક્યાં કલ્યાણમય વાણી મહાવીરની ! અને ક્યાં સ્વાર્થના કાદવમાં ગંધાતી શિખામણ બાપની ! વિના ઇચ્છાએ સાંભળેલા મહાવીર પ્રભુના શબ્દ મને આજે મૃત્યુના મુખમાંથી ઉગારી લીધો. નહિ તો આ અભયકુમારની ચાલમાંથી કોઈ બચી શકે નહીં. બધાયને છેતરી શકાય પણ અભયકુમારને કોઈ છેતરી ન શકે. ભગવાનની વાણીને હવે તો ઇચ્છાપૂર્વક સાંભળી પૂરો લાભ લેવો જ જોઈએ. તેમાં અગાધ જ્ઞાન ભર્યું છે. મારા બંને ભવ સુધરશે. પ્રભુ સિવાય સંસારમાં કોઈ ઉ૫કા૨ી જણાતું નથી.’
જે જીવોને જિનવચનરૂપી નેત્રો મળ્યા નથી, તેઓ દૃષ્ટિવિકલ હોવાથી દેવ કે કુદેવ સદ્ગુરુ કે કુગુરુ, ધર્મ કે અધર્મ, ગુણવાન કે નિર્ગુણી, કૃત્ય કે અકૃત્ય તેમજ પોતાના હિત કે અહિતને જોઈ શકતા નથી.
રોહિણેય પણ સીધો ભગવાનની ધર્મપર્ષદામાં આવી બેઠો. પ્રભુએ કહ્યું - ‘ચોરી કરનારને આ લોકમાં પીડા ને પરલોકમાં દુર્ગતિ, ત્યાંથી નિકળ્યા પછી દુઃખ, દુર્ભાગ્ય દરિદ્રતા ને અનેક પ્રકારની અછત ભોગવવી પડે છે.’ ઇત્યાદિ સાંભળી તેણે શ્રાવક ધર્મ સ્વીકારી રાજાને સાચી વાત જણાવી. એકઠું કરેલું ચોરીનું ધન રાજાને પાછું સોંપી દીક્ષાની તૈયારી કરી. રાજા શ્રેણિકે તેનો વરઘોડો કાઢ્યો ને ઠાઠમાઠથી દીક્ષા અપાવી. દીક્ષા પાળી રોહિણેય મુનિ સ્વર્ગ પામ્યા.
આમ રોહિણેયે દાંભિક દેવતાની ઋદ્ધિ જતી કરી પ્રભુ પાસે ચોરી ન કરવાની પ્રતિજ્ઞા કરી. પરિણામે તેને સાચી દેવતાઈ સમૃદ્ધિ મળી.