________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
આ ગુપ્તવાત સાચી હોય, ને સાચી વાત કહેવામાં અતિચાર જણાય નહીં, પણ સામાને આઘાત કે લજ્જાવશ મૃત્યુ સુધીનું પરિણામ ભોગવવું પડે છે. માટે પરમાર્થે આ સત્ય છતાં અસત્ય જ લેખાય છે. સત્ય પણ ધર્મને માટે જ બોલવાનું છે, અનર્થને માટે નહીં. માટે આ બીજા વ્રતનો ત્રીજો અતિચાર જાણવો.
ચોથો અતિચાર જણાવતાં કહે છે કે – “આકૃતિ, ઇંગિત, ચેષ્ટા, સંજ્ઞા, ઇશારાદિથી કોઈની ખાનગી બાબત-ગુહ્ય વાત જાણીને અન્યને કહી દેવી તે સત્ય છતાં અસત્ય લેખાય છે. જેમ કે-કેટલાક માણસોને કાંઈક મસલત કરતા, રાજ્યવિરુદ્ધાદિ વિચારણા કરતા અમે જોયા કે જાણ્યા છે. ઇત્યાદિ. આમ કરતાં તેઓ ઉપર મોટી આપત્તિની સંભાવના રહેલી છે. ત્રીજા ને ચોથા અતિચારમાં એટલો ફરક જાણવો કે ત્રીજામાં સામાએ આપણામાં વિશ્વાસ મૂકી તેની ગુપ્તવાત કરી છે, તે ઉઘાડી પાડવી અને ચોથામાં કોઈએ આપણને કહી નથી છતાં આપણે કોઈ રીતે ચેષ્ટાદિથી જાણી ગયા છીએ તે વાત ખુલ્લી પાડવી તે.
માણસે ઠરેલ અને ઠાવકા થવું જોઈએ. શત્રુની ગુપ્ત વાત પણ પચાવતા શિખવું જોઈએ. જાણીને વર્ષો સુધી નહિ કહેલી વાત પણ જયારે પ્રગટ થઈ જાય છે ત્યારે તે મમ કેટલું ઘાતક નિવડે છે તે આ કથાથી સમજાય છે.
પુણ્યસારની કથા વર્ણપુર નામનું એક નગર, તેમાં પુણ્યસાર નામના એક શેઠ વસે. થોડા દિવસ પહેલા જ બાજુના ગામે તેમના લગ્ન થયેલા. પત્નીને પહેલીવાર લેવા-આણુ વાળવા તે સસરાને ત્યાં આવ્યો. તેની વહુ પહેલાથી જ અન્ય સાથે હળેલી, તેથી પુણ્યસાર ત્યાં રોકાયો ને સાથે લઈ જવા આગ્રહ કર્યો. બંને ઉપડ્યા. માર્ગમાં તરસ લાગતા પુણ્યસારને કૂવામાં ધકેલી દીધો ને પોતે દોડી આવી બાપને ઘેર. કારણ પૂછતા કહ્યું – “અમે બંને જતા હતા ત્યાં ચોરોને આવતા જોઈ હું સંતાઈ ગઈ ને તેમને ચોરોએ પકડ્યા ને લૂંટી લીધા. માર્યાય હશે? કોણ જાણે તેમનું શું થયું? ચોરો તે તરફ ગયા ને લાગ જોઈ હું અહીં જીવ લઈને નાઠી.” સહુએ સાચું માન્યું ને તે સ્વછંદ રીતે રહેવા લાગી.
કૂવામાં પડેલો પુણ્યસાર પુણ્યયોગે બચી ગયો ને થોડા સમય પછી વટેમાર્ગુઓએ તેને બહાર કાઢ્યો. તે ઘરે આવી રહેવા લાગ્યો. કેટલોક સમય વીત્યા પછી તેને લાગ્યું કે લાવ સસરાના ઘરે શી વાત થઈ, જોઈ તો આવું અને તે ત્યાં પહોંચ્યો. લોકોએ સામેથી પૂછ્યું - “કેમ ચોરોએ કેવાક લૂંટ્યા? વધારે ધન ગયું નથી ને? વધારે વાગ્યું નહોતું ને?' પુણ્યસાર પામી ગયો વાતને. તેણે કહ્યું – “ભાઈ, ચોરોનું શું? એ તો મારીયે નાખે. એ તો સારું થયું મને જીવતો મૂક્યો ને આ (પત્ની) અહીં નાસી આવી. નહિતર કોણ જાણે શું ય થાત ?' આ સાંભળી તેની સ્ત્રીને તેના પર લાગણી થઈ. તે પતિ સાથે ઘરે આવી. તેઓ સુખે રહેવા લાગ્યા. દાંપત્યના ફળરૂપે