________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ આ પ્રમાણે વિપત્તિમાં જિનવચન પર વિશ્વાસ કરી તે પાછા વળવાને બદલે આગળ ચાલ્યા. પણ તેના સાથવાળા બધા પોતપોતાના ઘરની સારસંભાળ લેવા રાજાને મૂકી પાછા ફર્યા. રાજાની સાથે માત્ર તેનો છત્રધર રહ્યો. રાજાએ પોતાના ઘરેણાં સંતાડી દીધા ને છત્રધરના સાદા કપડા પહેરી ચાલવા માંડ્યું. આગળ ચાલતાં જ એક મૃગલું શીઘ્ર દોડતું વેલડીના ઝુંડમાં સંતાઈ ગયું. ત્યાં એક ધનુર્ધારી ભીલ્લે આવી રાજાને પૂછ્યું - ‘અહીંથી નાસીને હરિણ કઈ બાજુ ગયો?' સાંભળી રાજા વિચારે છે કે ‘પ્રાણીનું અહિત કરનાર સત્યભાષા પણ અસત્ય છે. માટે કહેવાય નહીં. આવી સ્થિતિમાં બુદ્ધિથી કામ લેવું જોઈએ,' એમ વિચારી રાજાએ કહ્યું - ‘ભાઈ હું માર્ગ ભૂલેલો પથિક છું.’ ભીલ્લે કહ્યું - ‘હું તારું નહીં, મૃગનું પૂછું છું.’ રાજા બોલ્યો – ‘એ હું તો હંસ છું હંસ.' આમ વારે વારે પૂછીને કંટાળી ગયેલ ભીલે કહ્યું - ‘ઓ ઓછી ઇંદ્રિયવાળા ભળતો ઉત્તર શા માટે આપે છે ?’ રાજાએ કહ્યું - ‘તમે મને જે રસ્તો બતાવશો તે રસ્તે ચાલ્યો જઈશ.’
૭૪
આમ અસંબદ્ધ વચનો સાંભળી તેને ગાંડો જાણી ભીલ્લે ચાલતી પકડી. હરિણ બચી ગયું. રાજા આગળ ચાલ્યા. માર્ગમાં સાધુ મહારાજ મળતાં તેમને વંદન કરી આગળ ચાલ્યો. ત્યાં શસ્ત્રસજ્જ બે ભીલ મળ્યા. તેમણે રાજાને પૂછ્યું - ‘વટેમાર્ગુ ! અમારા સરદાર ચોરી કરવા જતા હતા ત્યાં એક સાધુ સામે મળતા અપશુકન જાણી તેઓ પાછા વળ્યા ને અમને તેને મારવા મોકલ્યા છે. આટલામાં ક્યાંક ગયા લાગે છે. તને જોવામાં આવ્યા ?' રાજાએ વિચાર્યું - ‘આમને સાવ ઉંધો રસ્તો બતાવવામાં આવે તો જ સાધુ બચે. આવા ટાણે તો અસત્ય પણ સત્ય જ છે. ચોરોને કહ્યું - ‘હા, તે સાધુ ડાબા હાથ તરફના રસ્તે જાય છે. પણ તમને કેવી રીતે મળી શકે ? તેઓ તો વાયુની જેમ ગમે ત્યાં વિચરનારા પ્રતિબંધ વિનાના હોય છે.' ઇત્યાદિ વાતોમાં રોકાયા ને અંતે તે પાછા જ વળી ગયા. રાજા મહાકરે આગળ ચાલ્યા. પાંદડા આદિ ખાઈને નિર્વાહ કર્યો. તે રાત્રે સૂવાની તૈયારી કરતો હતો. ત્યાં સમીપમાં થતી વાતો સંભળાવા લાગી. એકે કહ્યું - ‘બરાબર ત્રીજા દિવસે સંઘ અહીં આવશે ને આપણે તેને લૂંટીશું.' રાજા ચિંતિત થયો. ત્યાં આવ્યા રાજપુરુષો. તેમણે રાજાને જોઈ પૂછ્યું - ‘અરે તેં ક્યાંય ચોરોને જોયા ? અમે ગોધીપુરના રાજપુરુષ છીએ. સંઘની સુરક્ષા કાજે અમને મોકલ્યા છે.
આ સાંભળી રાજા વિચારે છે કે ‘ચોરો આટલામાં જ છે, પણ હું બતાવીશ તો તે માર્યા જશે ને નહિ બતાવું તો સંઘ લૂંટાવાનો ભય છે. ઇત્યાદિ વિચારીને રાજાએ કહ્યું - ‘તમે ચોરને શોધી શકશો. પણ તે કરતા વધારે સારૂં તો એ છે કે તમે સંઘની સાથે રહી તેનું સંરક્ષણ કરો.’ આ સાંભળી રાજપુરુષો સંઘની સામે ગયા. સાવ પાસે સંતાયેલા ચોરોને વિશ્વાસ થયો કે આ માણસે આપણને જાણ્યા છતાં બચાવ્યા છે. તેમણે પ્રકટ થઈ કહ્યું - ‘તમારો ઉપકાર’ રાજાએ કહ્યું – તમે મરતા બચ્યા છો, માટે મરવું શું છે તેનો થોડો પણ ખ્યાલ તમને આવ્યો હોય તો તમે હિંસા અને ચોરી છોડી દો.’ ઇત્યાદિ સાંભળી ચોરોના હૃદયનું પરિવર્તન થયું. તેમણે ચોરી-હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી ને ચાલ્યા ગયા.