________________
૭૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ તેમને એક પુત્ર થયો. સમય વીતવા લાગ્યો. દીકરો મોટો થયો. એકવાર શેઠ જમતા હતા. એવામાં આંધી ઉઠી. ભાણામાં આંધી (વંટોળીયા)ની રજ ન પડે તે આશયથી શેઠાણીએ સાડલાનો પાલવ આડો રાખ્યો. તે જોઈ પુણ્યસારને પૂર્વની અને અત્યારની પત્નીની લાગણીનો વિચાર આવતાં હસવું આવ્યું, આ જોઈ ગયેલા પુત્રે પિતાને જીદ કરી હસવાનું કારણ પૂછ્યું. પુત્ર ન જ માન્યો, ઘણું કહ્યું પણ તેને સંતોષ ન થયો એટલે પુણ્યસારે દીકરાને મૂળ વાત કહી દીધી કે અત્યારે મારા માટે અડધી થઈ જતી તારી માએ એકવાર મને કૂવામાં નાખી દીધો હતો.'
સમય વિતતા પુત્ર પરણ્યો ને મજાની પુત્રવધૂએ ઘરે આવી ને સ્ત્રીની મહત્તા બતાવવા માંડી, સ્ત્રીના ગુણગૌરવ ગાવા માંડ્યા. પુત્રે (નવોઢાના પતિએ) પોતાની માતાનું ચરિત્ર જણાવતાં કહ્યું “રહેવા દેને હવે, મારી માએ જ આમ કર્યું ત્યાં સામાન્ય નારીની દશા કેવી કુટિલ હોય? સ્ત્રીમાત્ર વિશ્વાસ યોગ્ય નથી. નીતિમાં પણ કહ્યું છે કે “વિપરીત થયેલી રમણી ક્ષણવારમાં પિતા, પતિ, ભાઈ કે પુત્રને જ્યાં પ્રાણનો પણ સંશય હોય એવા અકાર્યમાં ઉતારે છે. આ સ્ત્રીઓથી તો ભાઈ! ચેતવા જેવું જ છે. કહ્યું છે કે છેતરપિંડી, નિર્દયતા, ચંચળતા અને કુશીલત્વ આટલા દોષો તો સ્ત્રીમાં સ્વભાવિક જ હોય છે. તેમની સાથે કોણ રમે?” અંતે આ બોલચાલનો અંત આવ્યો. સહુ સહુના કામે લાગ્યા.
એકવાર સાસુ-વહુને બોલચાલ થઈ. “તું આવી ને તમે આવા' એમ થવા લાગ્યું ત્યાં વહુએ પોતાના પતિ પાસે સાંભળેલી વાત સાસુને સંભળાવતા મહેણું માર્યું. સાંભળતા જ સૂનમૂન થઈ ગયેલી શેઠાણીએ વિચાર્યું “આશ્ચર્ય છે ! મારા પતિએ આટલા વર્ષ સુધી આ વાત કોઈને ન કહી. ને કહી તો નવી વહુને. હવે મારે જીવવા જેવું શું રહ્યું?” પરિણામ એ આવ્યું કે શેઠાણી ફાંસો ખાઈ મરી ગઈ. આ આઘાતને શેઠ પણ ઝીરવી ન શક્યા ને મૃત્યુ પામ્યા. પુત્રે વિરક્ત થઈ દીક્ષા લીધી ને થોડી જ વારમાં શું નું શું થઈ ગયું. માટે કદી પણ કોઈની ગુપ્તવાત પ્રગટ કરવી જ નહીં, જેઓ બીજાના છિદ્રને ઢાંકે છે. ગુહ્યને ઉઘાડતા નથી તેને ધન્ય છે.
કપાસ જેવા પુત્રને કોઈક જ માતા જન્મ આપે છે. કપાસના છોડ પોતાનું અંગ (કપાસ) આપી ગુણ (સુતર)થી બીજાના ગુહ્ય ઢાંકે છે. અર્થાત્ સુતરથી મનુષ્યોને વસ્ત્રો પૂરા પાડી સર્વના શરીર ઢાંકે છે.
લોકમાં કહેવાય છે કે જે હીન પુરુષો પરસ્પરના મર્મ ઉઘાડે છે તેઓ ઉંદર અને રાફડાના સાપની જેમ સર્વનાશ પામે છે.
બે સર્પની કથા પૃથ્વીપુર નામના સમૃદ્ધ નગરમાં સુંદર નામનો રાજા રાજ્ય કરે, એકદા વિપરીત શિક્ષા પામેલા ઘોડા પર બેસી તે ઘોર જંગલમાં જઈ ચડ્યો. પંથશ્રાંત થઈ તે વૃક્ષ નીચે સૂઈ ગયો. તેના ખુલ્લા મોઢામાં સાપોલીયું પેસી ગયું. રાજાને સમજાયું નહિ કે શું થયું? પાછો રાજધાની આવ્યો.