________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
આમ વિચારીને કુકડાને માર્યા વિના જ પાછો આવ્યો. કુકડો આખો જોઈ વિદ્યાગુરુએ પૂછ્યું - ‘મારૂં કહ્યું કર્યા વિના કેમ આવ્યો ?' ઉત્તર આપતાં નારદે કહ્યું - ‘આમાં મારો વાંક નથી ભગવાન ! આપના કહ્યા પ્રમાણે મને એવું ક્યાંય સ્થાન જ ન જડ્યું કે જ્યાં કોઈ જોતું ન હોય.' ઇત્યાદિ તેણે પોતાનો આશય કહ્યો. સાંભળી વિદ્યાગુરુએ તેને ધન્યવાદ આપ્યા. તેમને વિશ્વાસ થઈ ગયો કે ‘પર્વતકુમાર અને વસુકુમાર નરકે જશે અને આ દયાળુ બ્રાહ્મણકુમા૨ નારદ અવશ્ય સ્વર્ગગામી થશે.’ તેમને વિચાર આવ્યો કે ‘આવા સારા દેખાતા કુમારો નરકે જવાના હોય તો તેમને ભણાવવાનો શું સાર ?’ ઇત્યાદિ વિચારતા વૈરાગ્ય પ્રબળ થતા સદ્ગુરુસંયોગે તેમણે દીક્ષા લીધી.
૫૮
આગળ જતાં પંડિત ક્ષીરકદંબકના સ્થાને પર્વત આવ્યો ને વિદ્યાલય ચલાવવા લાગ્યો. તથા રાજા અભિચંદ્રની ગાદીએ યુવરાજ વસુ આવ્યો.
કોઈ શિકારીએ એક વનમાં મૃગલાને બાણ માર્યું. પણછ ખેંચી ફેંકેલું બાણ થોડે દૂર જઈ કાંઈ અથડાયું નહીં છતાં અફળાઈને પડ્યું. ચકિત થઈ શિકારી બાણ પાસે ગયો. જોયું તો એક પારદર્શક મોટી શિલા પડી હતી. તેની પછવાડાનું મૃગ દેખાયું પણ બાણ તેને ટકરાઇને નીચે પડી ગયું. આ વાત તેણે રાજા વસુને કહી. તપાસ કરાવતાં જણાયું કે સ્વચ્છ સ્ફટિકની શિલા ! રાજાએ તે ગુપ્ત રીતે મંગાવી પોતાના સિંહાસન નીચે ગોઠવી દીધી. તેથી સિંહાસન સાવ અદ્ધર હોય તેમ લાગતું. આમ થતાં લોકોમાં રાજાની એવી ખ્યાતિ થઈ કે તે સત્યવાદી હોઈ તેનું સિંહાસન નિરાધાર અને પૃથ્વીથી ઊંચું રહે છે અને તેની કીર્તિ દિશાઓમાં ફેલાઈ ગઈ.
એકવાર નારદ પોતાના ગુરુપુત્ર પર્વતને મળવા વિદ્યાલયમાં આવ્યો. પર્વત પોતાના પિતાની જેમ વિદ્યાર્થીઓને ઠસ્સાથી ભણાવતો હતો. ઘણાં વખતે બંને ગુરુભાઈઓ મળ્યા ને કુશળ ક્ષેમ પૂછ્યા. નારદ પાસે બેઠો હતો ને પર્વત ભણાવતો હતો, ત્યાં એવી વાત આવી કે ‘અજથી યજ્ઞ કરવો.’ અર્થ કરતાં પર્વતે કહ્યું - ‘અજ એટલે બકરો, યજ્ઞમાં બકરાને હોમવો.' આ સાંભળી નારદે કહ્યું - ‘પર્વત ! આ તું શું બોલે છે ? અજ એટલે બકરો કે જૂની ડાંગર ?' પંડિતાઇની પકડ ને અક્કડમાં પર્વતે જોરથી કહ્યું - ‘કેમ તને ખબર નથી ? અજ એટલે બકરો. અજા એટલે બકરી?' નારદે કહ્યું - ‘તું ભૂલે છે. આપણા ગુરુજીએ ઘણીવાર અજનો અર્થ જૂની ડાંગર કર્યો છે.’ પર્વતે અભિમાનપૂર્વક કહ્યું - ‘તારા જેવો ભૂલકણો હું નથી, આખી પાઠશાળા ચલાવું છું. મારી સ્મૃતિ સતેજ છે.’ નારદે કહ્યું - ખરેખર મને સારી રીતે યાદ છે કે ‘ન જાય તે ઇતિ અજઃ,’ અર્થાત્ જે ઉત્પન્ન ન થઈ શકે તે ‘અજ’ કહેવાય. અને તે ત્રણ વર્ષ કે તેથી વધુ જૂની ડાંગરના અર્થમાં રૂઢ શબ્દ છે.
ઘણા વિદ્યાર્થીઓ વચ્ચે પાંડિત્યનું તેજ બતાવતા પર્વતે કહ્યું - ‘તારી વાત જૂઠી સિદ્ધ થાય તો ?’ નારદે કહ્યું - ‘તું કહે તે.’ પર્વતે કહ્યું - ‘જે હારે તેની જીભનો છેદ.’ અને બંનેએ પરસ્પર