________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૫૭
ગ્રહણ કરવું. અહીં કદાચ શંકા થાય કે જો ઉપલક્ષણથી દ્વિપદ, ચતુષ્પદ અને સ્થાવર વસ્તુની ગણત્રી કરી મુખ્યતાએ જ આ ત્રણના અસત્ય ગણાવ્યાથી બધાનો સમાવેશ થઈ શકે. તેનો ઉત્તર એ છે કે – “કન્યા આદિનું જુઠાણું લોકમાં પણ અધિક નિંદાનું કારણ છે. તેમ કન્યાદિના અસત્યથી ભોગાંતરાય, ક્લેશ, દ્વેષની વૃદ્ધિ વગેરે દોષો ચોખ્ખા દેખાય છે.
કોઈએ સોનું-દાગીના કે રૂપિયા આદિ ધન થાપણ (અનામત) તરીકે મૂકી હોય તે ઓળવવા (પચાવી પાડવા)થી મહાપાપ લાગે છે. અલબત્ત આનો સમાવેશ ત્રીજા વ્રતમાં થાય છે, કિંતુ “તું તારી વસ્તુ લઈ ગયો છે. અથવા મૂકી જ નથી.” એમ જુઠું બોલવું પડતું હોઈ તેમાં વચનનું પ્રાધાન્ય હોય છે માટે મૃષાવાદમાં ગણત્રી કરી છે.
પાંચમો ભેદ ખોટી સાક્ષી :- લેવડ-દેવડ આદિમાં સાક્ષી તરીકે રહેલો માણસ દાક્ષિણ્યતા, લાલચ, લાંચ કે દ્વેષાદિના કારણે ફરી જાય, ખોટી સાક્ષી આપે. તો તે મહાપાપનો ભાગી થાય છે.
પૃથ્વીપર જેવી બોલવાની સગવડ માણસ પાસે છે તેવી બીજા પાસે નથી. માણસના બોલની ઘણી મોટી કિંમત છે. અસત્ય બોલવાથી માણસ વિશ્વાસ ગુમાવે છે. જે વિશ્વાસ ખોઈ નાંખે તેની પાસે શું બચે? કોઈની શેહમાં, દાક્ષિણ્યતામાં, લોભ-લાલચમાં કે દ્વેષ-વૃણામાં આવી જઈને અસત્ય બોલવું નહીં કે ખોટો પક્ષ લેવો નહીં. અસત્યભાષણ કરવાથી આ ભવમાં અપયશ આદિ મળે ને પરભવમાં દુર્ગતિ મળે. આમ મહાઅનર્થ થયા જ કરે. વસુરાજાની જેમ બંને ભવમાં વિપત્તિનું ભાજન થાય, વસુરાજાએ માત્ર “અજ' શબ્દના અર્થ માટે ખોટી સાક્ષી આપી તેનું પરિણામ ઘણું દુરંત આવ્યું તેની કથા આ પ્રમાણે છે.
વસુરાજાનું ચરિત્ર શુક્તિમતી નગરમાં ક્ષીરકદંબક નામના વિદ્વાન પંડિત વિદ્યાલય ચલાવતા હતા. તેમની પાસે રાજપુત્રો, શ્રેષ્ઠિપુત્રો, બ્રાહ્મણપુત્રો, ક્ષત્રિયકુમારો આદિ વિદ્યાર્જન કરવા રહેતા હતા. તેમાં પંડિતપુત્ર પર્વત, રાજકુમાર વસુ અને બ્રાહ્મણકુમાર નારદ આ ત્રણે કુમારો ભણવામાં સમકક્ષ હોઈ સાથે ભણતા હતા. એકવાર અધ્યયનથી પરિશ્રાંત થઈ તેઓ અગાશીમાં આડા પડ્યા હતા, ત્યારે ગગનમાર્ગે જતાં બે ચારણમુનિમાંથી એક બીજાને કહ્યું – “આ ત્રણ વિદ્યાર્થીમાંથી એક સ્વર્ગે ને બે નરકે જશે.” આ વચનો ક્ષીરકદંબક પંડિતે સાંભળી વિચાર્યું “કોણ નરકગામી હશે?” અને તેણે લોટના ત્રણ કુકડા બનાવી ત્રણેને આપતાં કહ્યું – “લો, કોઈ ન જોતું હોય ત્યાં જઈ આને મારી લાવો.” ત્રણે જણ ચાલ્યા. વસુ અને પર્વતે કોઈ શૂન્ય જગ્યામાં કુકડા મારી પાછા સોંપ્યા. બ્રાહ્મણકુમાર નારદ એકાંતમાં જઈ ગુરુવચનના મર્મને પીછાણે છે. તેને લાગ્યું કે “જ્ઞાની અને અંતર્યામી ભગવાનથી શું છાનું છે? અરે ! કોઈ પણ ન જોતાં હોય તોય આ કુકડો તો મને જોવે જ છે ને હું તેને જોઉં છું. લાગે છે કે ગુરુએ અમારી પરીક્ષા માટે જ આ બધું ઉપજાવ્યું છે.'