________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૬૪
- ‘અલ્યા કોણ છો ?’ તેણે કહ્યું - ‘એ તો હું છું અભય-‘તું ક્યાં જાય છે ?’ શેઠ - ‘ચોરી કરવા.’ અભય - ‘ક્યાં જઈશ ?’ શેઠ - ‘રાજાના ભંડારમાં.’ અભય - ‘તારૂં નામ શું ?’ તેણે કહ્યું - ‘હું શ્રીકાંત છું.’ અભય – ‘રહે છે ક્યાં ?’ તેણે કહ્યું ‘અમુક પાડામાં.’ આ સાંભળી રાજા – પ્રધાન આશ્ચર્ય પામી તેને જોતા રહ્યા. ચોર આમ બોલે નહીં. માટે ચોર નથી લાગતો.
એમ સમજી તેઓ આગળ ચાલ્યા. તેઓ પાછા ફરતા હતા. ત્યાં શ્રીકાંત પેટી લઈ પાછો સામે મળ્યો. પૂછ્યું – ‘એલા ? આ શું લઈ ચાલ્યો ?’ શ્રીકાંતે કહ્યું - ‘આ તો રત્નોની પેટી છે.’ ‘ક્યાંથી લાવ્યો ?’ ‘રાજભંડારની છે.’ ‘હવે ક્યાં જાય છે ?’ તેણે કહ્યું - ‘ઘરે !’ તે તેના ઘરે ને રાજા મહેલે આવ્યા. સવારના પહોરમાં ભંડારીએ ચોરી થયેલી જોઈ. તરત બીજી પણ કેટલીક વસ્તુઓ આડીઅવળી કરી નાખી. કોટવાળને ઠપકો આપી ચોરીની વાત જણાવી. આ વાત રાજાને જણાવી. રાજાએ શું ચોરાયું છે ? એમ પૂછ્યું. ભંડારીએ દસ પેટી રત્ન ચોરાયાનું કહ્યું. રાજાએ અભય સામું જોયું. અભયે શ્રીકાંતને બોલાવી પૂછ્યું - ‘શું ચોર્યું રાત્રે ?' શ્રીકાંત સમજી ગયો કે રાત્રે મળ્યા હતા તે જ આ બંને છે. એટલે કહ્યું - ‘નાથ ! આપના દેખતા જ જીવિકાના નિર્વાહ માટે એક પેટી લઈ ગયો હતો. તે આપ જાણો પણ છો.’
આ સાંભળી અચરજ પામેલા શ્રેણિક બોલ્યા - ‘અરે ચોર ! મારી સમક્ષ પણ આટલું સાફ સત્ય બોલે છે, તો શું તને મારો પણ ભય લાગતો નથી ?' શ્રીકાંતે કહ્યું - ‘મહારાજા, ખોટું કેમ બોલાય ? આંધીથી જેમ વૃક્ષ ઉખડી જાય છે તેમ અસત્યભાષણથી સર્વસુકૃત મૂળમાંથી ઉખડી જાય છે. આપથી વધારે ભય નથી. આપ હવે બચેલા થોડા વરસના જ સુખ નષ્ટ કરી શકો. પણ સત્યવ્રતનો નાશ થાય તો મારા દુઃખનો ક્યાંય અંત ન આવે.’ આ સાંભળી આશ્ચર્ય અને આનંદ પામેલા રાજા બોલ્યા – ‘તને શિક્ષા તો અવશ્ય કરવી જોઈશે. તારા જેવા સાહસી ચોર જે રાજના ભંડારમાંથી રત્નો ઉપાડી જાય ને પાછો કહેતો પણ ફરે કે રાજમાંથી રત્નો ચોરી લાવ્યો છું ! તેને છોડાય કેમ ? બોલ તને શી શિક્ષા કરવી ?' શ્રીકાંત હાથ જોડી મૌન ઊભો રહ્યો ને રાજાએ કહ્યું - ‘ચોર માટે પ્રાણાંત દંડ હોય છે, પણ તું સાચો માણસ છે તેથી તને શેષ અગિયાર વ્રત સ્વીકારવા કહેવામાં આવે છે.’ આ સાંભળી શ્રીકાંતે હર્ષભેર રાજાના પગ પકડી કહ્યું - ‘આપે તો મારો ઉદ્ધાર કરી નાંખ્યો.’
રાજા બોલ્યા - ‘બધાયને પહોંચાય પણ ખોટા માણસને કોઈ પહોંચે નહીં. બધાય સુધરે ને તેનું કલ્યાણ થાય પણ અસત્યવાદીનું કામ કઠણ છે.’ પછી ભંડારીને બોલાવી રાજાએ કહ્યું - ‘રત્નોની બીજી નવ પેટી તમે જ્યાં મૂકી હોય ત્યાંથી લાવી પાછી ભંડારમાં મૂકી દેજો.' બિચારા ભંડારીએ તેમ કર્યું. રાજાએ તેને રજા આપી તે જગ્યાએ શ્રીકાંતશેઠને નિમ્યા. આગળ જતાં શ્રીકાંત પરમાત્મા મહાવીરદેવનો પરમ શ્રાવક થયો.