________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ત્રીજું અર્થાતર અસત્ય, એટલે જે વસ્તુ જેવી છે, તેવી ન કહેતાં જુદું જ કહેવું. જેમકે ગાયને ઘોડો કહેવો.
૬૨
ચોથું ગર્હ અસત્ય, એટલે નિંદાથી અસત્ય કહેવું. આ ગર્હ અસત્ય ત્રણ પ્રકારનું છે. પ્રથમ સાવદ્ય વ્યાપારમાં પ્રવર્તાવવું. જેમકે ‘ખેતર ખેડને ! કચરો બાળી નાંખ.' વગેરે કહેવું. બીજું અપ્રિય કારણ, જેમકે કાણાને કાણો કહેવો. ત્રીજું આક્રોશ કારણ, જેમ કોઈને તિરસ્કારથી કહેવું ‘અરે મૂઢ ! નિર્મુખ, અક્કલહીન' ઇત્યાદિ. આવી રીતના અસત્યવાદથી જીવને નરકાદિ ગતિનાં દુ:ખો મળે છે.
યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે - જે પ્રાણી મૃષાવાદ બોલે છે, તે નિગોદમાં ઉત્પન્ન થાય છે. પરસ્ત્રી ભોગવનાર કે ચોરી કરનારને પાપથી છૂટવાનો ઉપાય છે, પણ ખોટું બોલનારને બચવાનો કોઈ રસ્તો નથી. માટે આ અનર્થથી બચવા અસત્યના ત્યાગરૂપ બીજું અણુવ્રત સ્વીકારવું જોઈએ. જેથી સુખ, સંપત્તિ પ્રાપ્ત થાય છે. તે સંબંધમાં શ્રીકાંતશેઠની વાત આ પ્રમાણે છે.
શ્રીકાંતશેઠની વાર્તા
રાજગૃહી નગરીમાં શ્રીકાંત નામે શેઠ હતો. તે દિવસે વેપાર અને રાત્રે ઉઠાંતરી (ચોરી) કરે. એકવાર બારવ્રતધારી જિનદાસ નામે શ્રાવક વેપાર નિમિત્તે તેની દુકાને આવ્યો. શ્રીકાંતે જમવા માટે સાગ્રહ નિમંત્રણ કર્યું. જિનદાસે કહ્યું - ‘જેની આજીવિકા-કમાણીની રીત ન જાણું ત્યાં હું કેવી રીતે જમું ? મારા વ્રતને વાંધો આવે.' શ્રીકાંત બોલ્યો - ‘હું શુદ્ધ વ્યાપારથી નિર્વાહ કરું છું.’ જિનદાસે કહ્યું - ‘તમારો વેપાર જોતાં લાગે છે કે તમારી જીવિકા આ રીતે ચાલી શકે નહીં. તમારી જીવનપદ્ધતિથી મને સંદેહ થાય છે. માટે સાચી વાત કહો.' શ્રીકાંતે જિનદાસ ધર્મિષ્ઠ, ગંભીર લાગવાથી સાચી બાબત કહી દીધી. જિનદાસે કહ્યું - ‘તો હું તમારા ઘરનું કાંઈ પણ ખાઈશ પીશ નહીં. મારી ક્યાંય બુદ્ધિ બગડે ને અનર્થ થઈ જાય.’ શ્રીકાંતે કહ્યું - ‘ચોરી વિના મારૂં ઘર ચાલે તેમ નથી. તેના ત્યાગ સિવાય તમે જે કહો તે કરૂં.' તે સાંભળી જિનદાસે કહ્યું - ‘સહુથી પહેલા અસત્ય બોલવાનો ત્યાગ કરો.' ગુરુમહારાજના મુખથી સાંભળ્યું છે - ‘તમે એક તરફ અસત્યનું પાપ રાખો અને બીજી બાજુ બીજા બધાં પાપ રાખો, તો અસત્યનું પાપ વધી જશે, તે પલ્લું નમી જશે.’
લૌકિક ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે કે - ‘શિખાધારી, માથું મુંડાવનાર, જટાધારી, દિગંબર કે વલ્કલ-વૃક્ષની છાલ ધારણ કરનાર આદિ ઘોર તપસ્યા દીર્ઘકાલ પર્યંત કરે ને જો તે પણ મિથ્યાભાષણ કરે તો ચાંડાળથીયે હીન થાય. અસત્ય અવિશ્વાસનું ને સત્ય શ્રદ્ધાનું મૂળ કારણ છે. સત્યનો મહિમા અચિંત્ય છે. લૌકિક ગ્રંથોમાં પ્રસિદ્ધ છે કે સત્ય બોલવાથી દ્રૌપદીએ આંબાના વૃક્ષને નવપલ્લવિત કર્યું. તે કથા આ પ્રમાણે છે.