________________
૫૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ યત્ન પણ અવશ્ય થશે અને જે નથી થવાનું તે લાખ યત્ન પણ નહિ જ થાય. શુભાશુભનું કારણ દૈવ-નિયતિ છે. તેને બધાં માને છે કે
उपक्रमशतैः प्राणी यन्न साधयितुं क्षमः ।
दृश्यते जायमानं तल्लीलया नियतेर्बलात् ॥१॥ અર્થ:- “સેંકડો પ્રયત્નથી પણ જે સાધવા સમર્થ થઈ શકતો નથી તે નિયતિ-દેવ બળથી રમતમાં સિદ્ધ થઈ જાય છે.'
આર્તમુનિએ કહ્યું – ‘તમારું કહેવું ઉચિત નથી. કારણ કે પ્રારબ્ધ (નસીબ, દૈવ, કુદરત, નિયતિ, ભાગ્ય) અને પુરુષાર્થ (ઉદ્યમ) બંનેના યોગે કાર્યસિદ્ધિ થઈ શકે છે, જેમ કદાચ પ્રારબ્ધબળથી ભરેલું ભાણું મળી જાય, પણ જ્યાં સુધી હાથથી કોળીયો મોઢામાં મૂકીએ નહીં, ચાવીએ નહીં, ચાવીને ગળે ઉતારીએ નહીં ત્યાં સુધી તૃપ્તિ થઈ શકે નહીં અને મળ્યું ભાણું વ્યર્થ જાય. ઇત્યાદિ અનેક હેતુ, ઉદાહરણો, યુક્તિ આદિથી ગોશાળાને સમજાવ્યું. ગોશાળો મોઢું બગાડી ચાલ્યો ગયો. આદ્રકુમાર મુનિ આગળ ચાલ્યા. માર્ગમાં હસ્તિતાપસનો આશ્રમ આવ્યો. તે તાપસોની એવી વિચિત્ર માન્યતા હતી કે - અન્ન ફળાદિ ખાવામાં તેમજ તે રાંધવા આદિમાં ઘણાં જીવોની હિંસા થાય. તેથી ઘણું પાપ લાગે, તેના કરતાં એક મોટો જીવ મારીએ તેમાં ઘણું ઓછું પાપ લાગે ને ઘણા સમય સુધી નિર્વાહ થાય. એમ સમજી તેઓ સદા હાથી જ મારીને ખાતા હતા. એક હાથી તેમણે પકડી બાંધી રાખ્યો હતો. પ્રાણીઓને કેટલીકવાર પોતાની હિંસાની જાણ થઈ જાય છે. મુનિને જોઈ તેણે બળ કરી બાંધેલો ખીલો ઉખેડી નાંખ્યો, અને મુનિના ચરણોમાં નમસ્કાર કરવા લાગ્યો.
મુનિનો આવો અતિશય ને પ્રભાવ જોઈ તાપસો તેમની પાસે આવ્યા. આદ્રકુમારે તેમને ધર્મોપદેશ દીધો. તેમાં એકેન્દ્રિયથી બે ઇંદ્રિય યાવત્ પંચેન્દ્રિયના ઘાતમાં ન કલ્પી શકાય એટલું બધું પાપ રહ્યું છે. પંચેન્દ્રિયનો વધ કરનાર નરકે જાય, તેમજ એક પંચેન્દ્રિયના શરીરમાં બીજા પણ ઘણાં ત્રસ જીવો હોય ઈત્યાદિ બોધથી તેઓ સમજણ પામ્યા. તીર્થંકર પ્રભુએ બતાવેલા માર્ગની તેમને પ્રતીતિ થઈ ને તેમણે પણ દીક્ષા સ્વીકારી. ત્યાંથી મોટા પરિવાર સાથે આર્ટમુનિ શ્રી મહાવીરપ્રભુ પાસે આવ્યા. પ્રભુજીને સહુએ વંદનાદિ કર્યા. શાતાદિ પૂછી ઊભા, ત્યાં શ્રેણિક રાજા અભયકુમાર આદિ સમવસરણમાં આવ્યા. રાજાએ મુનિને હસ્તિ કેવી રીતે છોડાવ્યો? આદિ પૂછતાં તેમણે કહ્યું – “હાથીને દઢ બંધનમાંથી પણ છોડાવવો તે દુષ્કર નથી પણ કાચા સુતરના બંધનમાંથી છૂટવું ઘણું દુષ્કર છે.” આ સાંભળી વિસ્મિત થયેલ શ્રેણિકે પૂછ્યું - “આપે કહ્યું તે સમજાયું નહીં. એટલે તેમણે પોતાની આખી વાત કહી સંભળાવી ઉમેર્યું – “એ તાંતણાએ મને બાર વરસ વધારે પકડી રાખ્યો.” આ સાંભળી બધા બહુ રાજી થયા. પછી આદ્રકુમારમુનિએ