________________
૫૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ તેના પિતા ગુજરી ગયા પછી કુટુંબીઓએ તેને જાળ પકડાવી-જીવિકાનો ભય બતાવી પરાણે માછલા મારવા મોકલ્યો. અને હાથમાં ધારદાર છરી મોટા માછલા કાપવા માટે આપી.
દુઃખાતા હ્રદયે તે જળાશયે ગયો ને કેટલાક માછલા કાપવા બેઠો. ટેવ ન હોવાને લીધે છરીથી તેની આંગળી કપાઈ ગઈ ને લોહી વહેવા લાગ્યું. અસહ્ય વેદના થતાં તે વિચારવા લાગ્યો કે - ‘નિર્દય માણસોને ધિક્કાર છે. તું મરી જા. એમ કહેવા માત્રથી જીવને દુઃખ થાય છે તો વધાદિથી તો કયું દુઃખ ન લાગે ?' લોહીથી ખરડાયેલા હાથ અને પાછી મોટી છરી પાસે. તે વખતે ત્યાંથી કોઈ ગુરુ-શિષ્યો જંગલ જતા હતા, શિષ્ય આ જોઈ ગુરુમહારાજને પૂછ્યું - ‘ગુરુજી ! આવા પાપી જીવોનો નિસ્તા૨ કોઈ રીતે જણાતો નથી.’ ગુરુશ્રીએ કહ્યું - ‘ભદ્ર ! તીર્થંક૨ ૫રમાત્માઓએ જીવોની વાસ્તવિકતા જોઈ છે. તેથી જ તેમણે એકાંતે નહીં પણ સર્વાંગીણ અપેક્ષાએ જગતને સાપેક્ષવાદ સમજાવ્યો છે, તેમણે ફરમાવ્યું છે કે અનેક ભવોમાં ઉપાર્જિત કરેલા દુષ્કર્મોને આ જીવ અધ્યાત્મના બોધે-સદ્ભાવના ને શુભપરિણામથી અલ્પકાળમાં નાશ કરી શકે છે.
જીવ જે સમયે જેવા ભાવમાં વર્તતો હોય, તે સમયે તેવાં શુભાશુભ કર્મને ઉપાર્જે છે, આ પ્રમાણે શિષ્યને આત્માની પરિસ્થિતિ સમજાવી. પછી બોલ્યા ‘જીવવહો મહાપાવો
(જીવવધ=મહાપાપ)' આ બધું ધીવરે સાંભળ્યું. ગુરુશિષ્યાદિ ચાલ્યા ગયા. ધીવરે નક્કી કર્યું કે આજથી મારે જીવવધ કરવો નહીં અને દયાની ચિંતવનમાં તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. ગયેલો ભવ સ્મૃતિપટ પર ઉપસી આવ્યો. તેને જાણવા મળ્યું કે પૂર્વે કરેલી ચારિત્રની વિરાધનાથી નીચકુળમાં અવતાર આદિ મળ્યું. તેણે ત્યાં ને ત્યાં દીક્ષા લેવાની દૃઢભાવના કરી અને પરભવઆભવની વિરાધના-પાપપ્રવૃત્તિની નિંદા-ગર્હ કરવા લાગ્યો. પરિણામે થોડી જ વારમાં ભાવચારિત્રની રમણતાએ શુક્લધ્યાન પ્રગટતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સમીપમાં રહેલા દેવોએ મહિમા કર્યો. આકાશમાં દુંદુભિ ગડગડી ઊઠી. તે સાંભળી શિષ્યે ગુરુજીને પૂછ્યું - ‘ભગવાન ! આ શું ?’ ગુરુએ કહ્યું - ‘મહાનુભાવ ! પેલા ધીવરને કેવળજ્ઞાન થયું. દેવો મહિમા કરવા આવ્યા છે. તે નિમિત્તે દુંદુભિ વાગી રહી છે.' તે સાંભળી શિષ્ય હર્ષ અને વિસ્મય પામ્યો.
ગુરુ બોલ્યા – ‘તું તે કેવળી મહારાજને મારા ભવો કેટલા છે ? તે પૂછી આવ.' ગુરુઆજ્ઞાથી શિષ્ય ગયો પણ તેમના અચરજનો પાર નહોતો. જ્ઞાનીએ તેમને બોલાવતાં કહ્યું - ‘મુનિ ! એમાં શું આશ્ચર્ય થાય છે ? હું । જ ધીવર છું. દ્રવ્ય-ભાવ બંને પ્રકારની હિંસામાંથી મારો આત્મા છૂટી જવાથી, તે સંસારના સર્વ બંધનોથી છૂટી ગયો છે. તમારા ગુરુજીને કહેજો કે તેઓ જે વૃક્ષ નીચે ઊભા છે તે વૃક્ષના જેટલાં પાંદડા છે તેટલા તેમને ભવ કરવાના છે. તમે આ ભવમાં જ મુક્ત થશો.’ તે સાંભળી હર્ષ અને અચંબો પામતા શિષ્ય, ગુરુ પાસે આવ્યા ને કેવળીએ કહેલી વાત જણાવી. આ સાંભળી ગુરુ અતિહર્ષિત થઈ નાચી ઉઠ્યા ને બોલ્યા - ‘અતિઆનંદની વાત છે કે હવે મારે ગણત્રીનાં જ ભવો કરવાના છે. ખરે જ હું ધન્ય છું. જ્ઞાનીના વાક્યો સત્ય છે.’ અને ગુરુ શિષ્યો સંયમમાં સાવધાન થઈ આગળ વધ્યા ને શ્રેયઃ સાધ્યું.