________________
४८
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ વિરાધિતવ્રતવાળો હું અહીં અનાયદેશનો રાજકુમાર થયો. મારા ધર્મગુરુ અભયકુમારને ધન્ય છે. તેમણે એટલે દૂરથી પણ મને ધર્મનો બોધ આપ્યો.
આદ્રકુમારને અભયકુમારને મળવાની તાલાવેલી લાગી. એકવાર તેણે રાજાને કહ્યું - “પિતાજી! રાજગૃહી નગરી જોવાની ઇચ્છા ઘણી થાય છે. મને ત્યાં મોકલો ને?' આશ્ચર્ય પામેલા રાજાએ સાફ ના પાડી, એમાં પણ અભયના નામે તો ફાળ પડી. કેમકે કુમાર પોતાના સાથીઓને પરમાત્માના દઢ અનુરાગી બનાવી દે ને આ તો વિલાસભોગની ભૂમિ! અનાર્યની ધરણી ! અહીં વળી ધર્મની વાત કેવી ?
ક્યાંક કહ્યા વિના તે રાજગૃહી જતો જ રહે તે માટે રાજાએ પાંચસો રાજપુરુષોને જાતા માટે ગોઠવી દીધા ને પાકો બંદોબસ્ત કર્યો. અંતરની લગની સાવ જુદી વસ્તુ છે. આર્દ્રકુમારનો ઉત્સાહ આથી જરાય મંદ ન પડ્યો. તેણે એક ઉપાય શોધી કાઢ્યો. થોડા દિવસ પછી તેણે ઘોડા દોડાવવાની કળા શિખવા માંડી, રોજ દોડવાનું અંતર વધારતો ગયો. કોઈવાર એક એક પ્રહરે એકલો પાછો આવે, એટલે સહુને વિશ્વાસ થઈ ગયો. એમ કરતાં, અનુકૂળ પવન વાતા તેણે સારા વહાણની ગોઠવણ કરી ઘોડો દોડાવી, સમુદ્રકાંઠે આવ્યો ને વહાણમાં બેસી ભાગી છૂટ્યો. ભારતભૂમિ પર આવી દૈવી નિષેધ છતાં ઉત્કટ વૈરાગ્યથી જાતે દીક્ષા લીધી.
વિહાર કરતાં આર્ટમુનિ વસંતપુરનગરના ઉદ્યાનમાં કોઈ દેવમંદિરમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. પૂર્વભવની પત્ની બંધુમતીનો જીવ દેવાયુ પૂર્ણ કરી તે નગરના શ્રીમંત શેઠને ત્યાં પુત્રી તરીકે ઉપજયો. અતિસ્વરૂપવતી તેનું નામ શ્રીમતી રાખવામાં આવ્યું. ક્રમે કરી તે મનમોહક યૌવન પામી. યોગાનુયોગ સખીઓ સાથે તે ઉદ્યાનમાં આવી ને રમતે ચડી. એમાં વળી વર વરવાની રમતમાં મંદિરમાં ઉભેલા સ્વરૂપવાન નવયુવાન મુનિને જોઈ તે બોલી – “મારો વર આ અને તરત દેવવાણી થઈ “મુગ્ધા ! તું યોગ્ય વરને વરી છે. ત્યાં તો દુંદુભિ ગગડવા લાગી ને દેવોએ પુષ્પરત્નોનો વરસાદ કર્યો. ગભરાઈ ગયેલી શ્રીમતી મુનિના પગે વળગી ગઈ. અનુકૂળ ઉપસર્ગ જાણતાં આદ્રમુનિ ત્યાંથી ચાલતા થયા. એવામાં રાજપુરુષો વર્ષેલું ધન લેવા આવતાં દેવે અટકાવ્યા ને કહ્યું – “આ ધન તમારું નથી પણ શ્રીમતીના લગ્ન માટેનું છે.” આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. શ્રીમતીના પિતાએ ત્યાં આવી ધન ઘર ભેગું કર્યું. શ્રીમતીએ એ જ મુનિને પરણવાનો આગ્રહ રાખ્યો. પિતાએ ઘણી શિખામણ આપી જણાવ્યું - “બેટા ! ભ્રમરની જેમ ભમતા મુનિ કેવી રીતે શોધવા? તું ઓળખીશ કેવી રીતે? માટે બીજા કોઈ મનગમતા વરને વરવું ડહાપણભર્યું છે.”
શ્રીમતીએ કહ્યું - “બાપુ ! આપ કેમ ભૂલી જાવ છો કે ઉત્તમરાજાઓ અને સજ્જનો એકવાર બોલેલું અવશ્ય પાળે છે અને કન્યા તો એક જ વાર કોઈને વરે છે. તમે પૂછો છો કે તેને કેવી રીતે ઓળખીશ? હું તેમના પગ જોઈ તરત ઓળખી લઈશ. કેવા ઘાટીલાં ભરાવદાર ને સુડોળ પગ હતા. તેવાં પગ તો કોઈના હજી દીઠા નથી.”