________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૪૭
પ્રીતિ વધે છે. એમ જાણી મગધસમ્રાટ્ શ્રેણિકે કેટલીક સારી વસ્તુઓની ભેટ સાથે મંત્રીશ્વરને આર્દ્રદેશ મોકલ્યા. ત્યાંનાં રાજા આર્દ્રક પાસે ઉપસ્થિત થઈ મંત્રીએ કુશળ-ક્ષેમ પૂછ્યા ને રાજાના સમાચાર આપ્યા. જે કાંઈ વસ્તુઓ લાવ્યા હતા તે ભેટ ધરી. તે વખતે રાજાની પાસે રાજકુમાર આર્દ્રકુમાર બેઠો હતો. અવસર પામી રાજકુમારે મંત્રીને પૂછ્યું - ‘શું તમારા રાજાને રાજકુમાર છે ?’ મંત્રીએ કહ્યું - ‘અમારે ઘણાં રાજકુમારો છે પણ અતિચતુર બુદ્ધિવાળા તેમજ મહાધર્મિષ્ઠ તો અભયકુમાર છે. તેઓ પાંચસો મંત્રીના પણ મહામાત્ય છે.’ આ સાંભળી કુમાર વિસ્મિત થયો ને અભયકુમારની મિત્રતાની તેને ચાહના જાગી. તેના માટે તેણે પોતાને ત્યાં થતાં સારા મોતી આદિ મંત્રી મારફત મોકલાવ્યાં. રાજગૃહીમાં પાછા ફરેલા મંત્રીએ રાજાને ભેટો તેમજ કુશલ સમાચાર આપ્યા પછી અભયકુમારને આર્દ્રકુમારે આપેલ વસ્તુ તથા સમાચાર આપતાં કહ્યું કે - ‘કુમારે મિત્રતાની ઇચ્છાથી હાથ લંબાવ્યો છે.'
આ સાંભળી અભય વિચારવા લાગ્યા. ‘મારી મિત્રતા ! એ અનાર્યદેશનો રાજકુમાર ઇચ્છે છે ? આશ્ચર્ય કહેવાય. અભવ્ય કે દુર્ભાવ્ય મારી મિત્રતા ઇચ્છી પણ ન શકે. લાગે છે કે વ્રતની વિરાધનાથી એ અનાર્યભૂમિમાં ઉપજ્યો હશે. હવે તે કોઈ રીતે ધર્મ પામે તો સારું, એમ વિચારી અભયકુમારે નાનકડાં જિનપ્રતિમા સુંદર પેટીમાં મૂકી મોકલી આપ્યાં. સુંદર પેટી જોઈ કુમારે એકાંતમાં ઉઘાડી તો અંદરથી નિકળેલ પ્રતિમા જોઈ અચરજ પામ્યો. તેણે આવા રત્નમય ઘરેણાંને ક્યાં કેવી રીતે પહેરવું ? તેનો ઘણો વિચાર કર્યો. માથે, ખભે, કંઠે, બાવડે મૂકી જોયા પણ ક્યાંય બંધબેસતા ન આવ્યા. તેથી પેટી ઉપર મૂકી પોતે સામે બેસી વિચારવા લાગ્યો કે ‘આવી સુંદર વસ્તુ શા કામની હશે ?' મોંઘી પણ ઘણી ?' વિચારતા ખ્યાલ આવ્યો કે ‘આ તો મેં પહેલા પણ ક્યાંક જોયું છે.’ અને એ ઊંડા વિચારમાં ઉતરી ગયો ને વિસ્મૃતિમાં દબાઈ ગયેલી સ્મૃતિને જાણે સચેત કરવા લાગ્યો. એમ કરતાં સ્મૃતિ સચેત થઈ. તરત જાતિસ્મરણજ્ઞાન થયું. ચિત્રની જેમ ગતભવોના બનાવો આંખની સામે જાણે આવી ઊભા....અહીંથી ત્રીજે ભવે પોતે સામાનિક નામે કૌટુંબિક હતો. બંધુમતી નામની સુંદર પત્ની હતી. પ્રબળ વૈરાગ્ય થતાં બંને જણે દીક્ષા લીધી. ભિન્ન-ભિન્ન ક્ષેત્રમાં વિચરવા અને આત્મસાધનામાં રત રહેવા લાગ્યા.
કેટલાક કાળે બંને સમુદાય એક જ ગામે આવ્યા ને ત્યાં સ્થિરતા કરી. પોતાની (પૂર્વ) પત્ની સાધ્વી જે ધર્મ અને બ્રહ્મચર્યના પ્રતાપે અતિ પ્રતિભાશાળી લાગતી હતી, તેને જોઈ પોતાને સાધુ હોવા છતાં તેનો અનુરાગ ઉત્પન્ન થયો. એકવાર અવસર મળતાં તેણે બંધુમતી સાધ્વીને અભિલાષા જણાવી. શાણી સાધ્વી સમજી ગઈ કે આમાં તો મારા તેમજ તેમના-બંનેના વ્રતનો નાશ રહેલો છે. કદાચ તેઓ સાહસ કરી વ્રતનો ભંગ પણ કરી નાખે ? એ વિચારથી જ સાધ્વીને કમકમાં આવી ગયાં. તે હતચેતન જેવી થઈ ગઈ. છેવટે તેના બળવાન આત્માએ મોટો પુરુષાર્થ કર્યો ને તેણે અણસણ લઈ લીધું. તેની સ્થિરતા ને ધીરતા !! અને તેનું અવસાન થયું-તે સ્વર્ગે ગઈ. તેથી ગ્લાની ઉપજી ને પોતે પણ અનશન લીધું. અંતે દેવ થયો. ત્યાંના ભોગોમાં જીવન પૂરું કરી