________________
૪૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨
થોડા દિવસ પછી ઉપવનમાં એ હતાં, ત્યાં ગોઠવણ કર્યા પ્રમાણે કુમારે આવી હાથિણી સાથે પાડાનો સંબંધ કરાવ્યો ને તરત પાડાનું ગળું કાપતાં બોલ્યો - “કેમ તને લાજ ન આવી? તને શું પણ જે કોઈ આવું કરશે તે અવશ્ય મારા હાથે મરશે.”
હવે દીર્ઘરાજાને વિશ્વાસ થઈ ગયો કે આ અમારા સંબંધને જાણી ગયો છે ને અન્યોક્તિથી મને શિખામણ આપે છે. એણે તરત રાણીને કીધું કે – “મને ભય છે તે સકારણ છે.” રાણીએ ચિંતિત થઈ કહ્યું – “તમારી વાત સાચી લાગે છે, પણ પ્રિયતમ ! તમારે ચિંતા કરવાની આવશ્યકતા નથી. હું તેને ઠેકાણે કરું છું. તમે ને હું આનંદમાં હોઈશું તો આપણને ઘણા પુત્રો થશે.” રાજા સહમત થયો ને યોજના ઘડી. થોડા દિવસમાં એમણે ગુપ્ત રીતે લાક્ષાગૃહ (લાખનો મહેલ) બનાવરાવ્યું, જે બહારથી પત્થરનું સુંદર મકાન લાગે અને એક સામંતની સુંદર કન્યા સાથે બ્રહ્મદત્તના લગ્ન કરાવ્યા. સુહાગરાત માટે નવદંપતીને તે લાક્ષાગૃહમાં રહેવાની મનગમતી સગવડ કરી આપી. ચાલાક મંત્રીને આ કાવતરાની પહેલેથી જ ગંધ આવી જતા રક્ષણની ગુપ્ત વ્યવસ્થા પણ કરી રાખેલી. લગ્નની રાતે નવદંપતી અને વરધેનુ નવા મહેલમાં આવ્યા. મધ્યરાત્રી થતાં મહેલને આગ ચાંપવામાં આવી. મંત્રીપુત્ર તો સાવધાન હતો જ, તરત કુમારને લઈ સુરંગ માર્ગે ભાગ્યો. આખો મહેલ ગારાના ઢગલાની જેમ બેસી ગયો. સુરંગના દ્વારે ઊભા રાખેલા ઘોડા ઉપર બંને બેસી દેશાંતર નિકળી પડ્યા.
ભાગ્યશાળી બ્રહ્મદને પૃથ્વી પર ભ્રમણ કરતાં બધે જ વિજય મેળવ્યો ને સાર્વભૌમ થયો. તેને ચક્રરત્ન મળ્યું ને તે ચક્રવર્તી બન્યો. વરધેનુને સેનાધિપતિ પદે સ્થાપન કર્યો. પછી તે કાંપિલ્યપુરમાં આવ્યો અને ચક્રથી દીર્ઘરાજાનું મસ્તક છેદી નાંખ્યું. પિતાના સિંહાસન ઉપર મોટા સમારોહપૂર્વક તે બેઠો ને અનુક્રમે ભરતક્ષેત્રના છએ ખંડને સાધ્યા.
પૂર્વે બ્રહ્મદત્ત જયારે વિપત્તિમાં ભમતો હતો ત્યારે એક બ્રાહ્મણે તેને પાણી પીવડાવ્યું હતું. તેને ખબર પડી કે બ્રહ્મદત્ત મોટો ચક્રવર્તી થયો છે, એટલે તે એને મળવા આવ્યો. પણ તે રાજા સુધી પહોંચી શક્યો નહીં. છેવટે કંટાળી તેણે એક મોટા વાંસડાને ખાસડાના હાર પહેરાવ્યાં. ચીથરાં વીંટી ઉપર સૂપડું મૂક્યું ને તે લઈ રાજાની સવારી આવતી હતી તે રાજમાર્ગ પર ઊભો રહ્યો. આવું વિચિત્ર દૃશ્ય જોઈ ચક્રવર્તીએ ચાકર મોકલી તેને બોલાવ્યો અને ઓળખીને પ્રસન્ન થઈ જે જોઈએ તે માંગવા કહ્યું. તે મંદબુદ્ધિના બ્રાહ્મણે સ્ત્રીના કહ્યા પ્રમાણે પ્રતિદિવસ નવા ઘરે જમણ અને દક્ષિણામાં બે સોનામહોર મળે તેવી વ્યવસ્થા કરી આપવા કહ્યું. રાજાએ બીજું કાંઈ સારું માગવા કહ્યું પણ તેણે માન્યું નહીં એટલે રાજાએ તે પ્રમાણે પ્રબંધ કરી આપ્યો અને બ્રાહ્મણના કહેવાથી તેની શરૂઆત ચક્રવર્તીના રસોડાથી કરી. જો કે ચક્રવર્તીએ તેને સમજાવ્યો હતો કે મારું ભોજન તારા કામનું નહિ, પણ તે ન માન્યો. ચક્રીએ બ્રાહ્મણને સપરિવાર જમાડ્યો અને સારી દક્ષિણા આપી. પણ ચક્રવર્તીનું અતિગરિષ્ઠ ભોજન જીરવવું કઠિન હતું. ઘરે આવ્યા પછી સહુને તેનો મદ ચડ્યો. રાત્રિને સમયે તેણે બહેન, માતા સાથે પશુવત્ નિષિદ્ધાચરણ કર્યું. સવારે જ્યારે