________________
૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨
ઘણી તપાસ કરવા છતાં ક્યાંય તે મુનિનો પત્તો ન લાગ્યો. એટલે શ્રીમતીએ ભાવપૂર્વક મુનિઓને નિત્ય વહોરાવવાનું શરુ કર્યું. આમ કરતાં બારવર્ષના વાણા વાઈ ગયા. તે મુનિના તો વાવડ પણ ન મળ્યા. છતાં અડગ વિશ્વાસ, અને ઊંડી ધીરતા લઈ તે વાટ જોતી રહી. અને એક દિવસે આકસ્મિક રીતે તે જ મુનિ શ્રીમતીને ત્યાં આવી ઊભા. તેમના ચરણચિહ્નો શ્રીમતી ઓળખી ગઈ ને તરત તેમનો પાલવ પકડી બોલી - “નિર્દયનાથ ! તે વખતે તો મને ઝૂરતી મૂકી તમે ચાલ્યા ગયા પણ હવે તો નહીં જ જવા દઉં.” પૂર્વભવના અનુરાગે ભોગકર્મના ઉદયે આ સુંદરીની નિખાલસ વાત સાંભળી તેની બાર બાર વરસની અતૂટ પ્રીત જોઈ આદ્રકુમારના સંયમબંધન શિથિલ થઈ ગયા. માતા-પિતા ને રાજ્યવૈભવને છોડનારો તે સ્ત્રીથી પાલવ ન છોડાવી શક્યો ને છેવટે તે શ્રીમતીને પરણી ગયો. પત્ની સાથે નિરંતરાય સુખ માણતા તેમને એક પુત્ર થયો. આ પરિસ્થિતિમાં પણ તેને સંયમ સાંભર્યા કરતો. સાધના સળવળ્યા કરતી. તે બાળક થોડું મોટું ને સમજણું થયું એટલે આદ્રકુમારે કહ્યું – “શ્રીમતી ! મારૂં મન સંયમમાં રમ્યા કરે છે. તમારું બાળક પણ હવે મોટું થઈ ગયું છે. મને જાણે મારો ધર્મ સાદ પાડે છે.” આ સાંભળી શ્રીમતીનું હૈયું ભરાઈ આવ્યું. તે શૂન્યમનસ્ક થઈ ગઈ.
થોડીવારે તેણે રેંટીયો મંગાવી રૂ કાંતવા માંડ્યું. સામે પલંગ પર પગ ટૂંકાવીને આદ્રકુમાર પડ્યા હતા. ત્યાં પુત્રે આવી માને પૂછ્યું – “મા, આ તું શું કરે છે?' તેણે કહ્યું - “દીકરા રૂ કાંડું છું. તારા બાપુ તપસ્યા કરવા જવાના છે, પછી મારે આખો દિવસ શું કરવાનું ? એટલે અત્યારથી કાંતવાની ટેવ પાડું છું.” આ સાંભળી બાળકે ત્રાક ઉપાડીને દોરાથી બાપાના પગ વીંટી દીધા ને બોલ્યો - “હવે ક્યાં જશો ? બા, બા, જો. મેં બાપાને કેવા બાંધ્યા. કેવી રીતે જશે હવે ?” ફીકુ હાસ્ય લાવી શ્રીમતી જોઈ રહી અને આદ્રકુમારે પગમાં વીંટેલા દોરા ગણ્યાં તો તેના બાર આંટા હતા. ત્યાં તેમણે કહ્યું – “રાગના બંધનો ઘણાં શક્તિશાળી છે. હું બાર વરસ રહીશ ને પછી ચોક્કસ સંયમ લઈ આત્મસાધના કરીશ.” તેઓ બાર વરસે પાછા સાબદા થયા અને સહુની વિદાય લઈ પાછા દીક્ષિત થયા અને પવનની જેમ વિહાર કરી ગયા, ને ક્યાંય મમતા, ન ક્યાંય માયા.
આ તરફ આદ્રદેશના રાજાએ કુંવરની તપાસમાં આક્રોશપૂર્વક મોકલેલા રક્ષકોએ ઘણી તપાસ કરી પણ ક્યાંય કુંવરની ભાળ મળી નહીં. પરદેશી હોઈ તેમને કામ મળ્યું નહીં. કોઈને વિશ્વાસ થયો નહીં ને રાજાના ભયથી તે પાછા પણ ફરી શક્યા નહીં, પરિણામે ચોરોની જમાતમાં ભળ્યા અને ચોરી કરી ગુજરાન ચલાવવા લાગ્યા. તેઓ જ્યાં વસતા હતા, દૈવયોગે આદ્રમુનિ ત્યાંથી નિકળ્યા ને તેમણે આટલા વર્ષે પણ તેમને ઓળખી લીધા. સહુને ઉપદેશ આપી પ્રતિબોધ્યા, સર્વએ તેમની પાસે દીક્ષા લીધી. સહુને સાથે લઈ આદ્રમુનિ ભગવાન મહાવીરદેવને વાંદવા ચાલ્યા. ત્યાં ગોશાલક રસ્તામાં મળી ગયો. તેણે કહ્યું - “હે મુનિ ! તમે કષ્ટસાધ્ય ક્રિયા તેમજ તપસ્યાદિ ફોગટ કરો છો. કારણ કે જે થવાનું છે તે વિના