________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૫
નાખી તે સ્ત્રીઓએ તેને જાણે મથી નાંખ્યો. સંતાયેલા હરિબળે આ તમાશો જોયો. વહેલી પરોઢે બંધનમાં રીબાતા રાજાને દાસીએ છોડ્યો ને તે મોટું સંતાડી મહેલમાં ચાલ્યો ગયો.
હરિબળે વિચાર્યું – “કપટ કરીને આ મંત્રી મને મારી નખાવશે. માયાવીની સાથે માયા ન કરી શકનારો મૂઢ પરાભવ પામે છે. તીક્ષ્ણબાણ જેમ કવચ વગરના માણસમાં પેસીને પીડા કરે છે તેમ શઠ લોકો પણ અંદર પેસીને નાશ કરે છે. માટે પ્રથમ આ મંત્રીની ખબર લેવી જરૂરી છે.” આમ વિચારી કોઈ માણસને વિચિત્ર વેશ પહેરાવી હરિબળ રાજસભામાં આવ્યો. રસ્તામાં અને રાજસભામાં તેને જોઈ પ્રજા ને રાજા વગેરે આશ્ચર્ય પામ્યા કે આ શું કહેવાય? રાજાએ માન આપી તેને બેસાડ્યો. રાજાએ યમનું અને તેના દરબારનું સ્વરૂપ પૂછતાં હરિબળે વ્યવસ્થિત ઉત્તરો આપ્યા ને કહ્યું – “મહારાજ ! યમરાજનું વર્ણન કરવું મારા ગજા ને ભેજા બહારની વસ્તુ છે. કારણ કે મહાન યોગીરાજો પણ તેના ભયથી ત્રસ્ત થઈ યોગાભ્યાસ કરે છે. ત્રિભુવનજન તેમની ચાકરી કરે છે. મેં અતિ આદરપૂર્વક આપનું આમંત્રણ તેમને આપ્યું ત્યારે તેમણે કહ્યું- “આ મારા છડીદારને સાથે લઈ જાવ અને તેની સાથે રાજાના મંત્રીને સત્વરે અહીં મોકલી આપો. મારી રીત-ભાત અને આવશ્યકતા તે અહીં આવીને જોઈ લે એટલે પછી મારી સગવડ સારી સાચવી શકે. તેની સાથે સાથે રાજાને ત્યાં હું સરળતાથી આવી શકીશ.' પેલા બનાવટી છડીદારે પણ મંત્રીને કહ્યું – “આપ શીધ્ર ચાલો, હું લેવા જ આવ્યો છું. “મંત્રીને તૈયાર કરી ચિતામાં નાખવામાં આવ્યો ને તેનો નાશ થયો.
હરિબળે રાજાને વાસ્તવિક વાત સમજાવી કહ્યું – “રાજા ! પરસ્ત્રી સંગના પરિણામ સારા નથી. આપને સારા ઘરની રાજકન્યા પત્ની તરીકે મળેલી છે. માટે કુબુદ્ધિ છોડી આપ ચિરકાળ રાજ કરો. મેં માત્ર મંત્રીને મૃત્યુ પમાડ્યો છે ને સ્વામીદ્રોહના પાતકથી બચવા આપનો નાશ કર્યો નથી. મને ઘણો ખેદ થાય છે. પણ ના છૂટકે જ મારે મંત્રીને મારવો પડ્યો છે. કારણ કે એ આપને નિરંતર પાપબુદ્ધિ આપ્યા કરતો હતો.' હરિબળની ચતુરાઈથી રાજા ઘણો પ્રસન્ન થયો. આગળ જતાં આ જ રાજાની પુત્રી હરિબળને પરણી.
આ તરફ કંચનપુરના રાજા જિતારિએ પોતાની પુત્રી વસંતશ્રી અને જમાઈ હરિબળની ભાળ મળતા મોટા આડંબરપૂર્વક તેમને તેડાવ્યાં. અદૂભૂત યોગ્યતાથી રંજિત થયેલા રાજાએ હરિબળને પોતાનું રાજય આપી નિવૃત્તિ લીધી. હરિબળ રાજા થયા. બધો જ પ્રતાપ અહિંસાધર્મનો છે. એમ નમ્રપણે માનવા લાગ્યા. પોતાના દેશમાં અહિંસાની ઘોષણા કરાવી. એક ગુરુમહારાજના ઉપદેશથી તેમણે સાતે વ્યસનોનો આખા દેશમાંથી ત્યાગ કરાવ્યો. ક્રમે કરી ધર્મ આરાધનામાં આગળ વધતાં, પુત્રને રાજય ભળાવી ત્રણે રાણીઓ સાથે દીક્ષા સ્વીકારી. પ્રાંતે હરિબળમુનિ મુક્તિ પામ્યા. કૃતકૃત્ય થયા.