________________
૩૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ ગરુડ જેવા ને કુમારપાળ ટીટોડી જેવો છે. તેની ધર્મસેના જીતતાં વાર કેટલી? મોહનો મોટો પુત્ર રાગ બોલ્યો - “હું એકલો જ વિશ્વવિજેતા છું, ઈન્દ્ર અહલ્યાનો જાર બન્યો, બ્રહ્મા પોતાની પુત્રીની પાછળ પડ્યા, ચંદ્ર ગુરુ પત્નીને ભોગવી. આમ મેં કોને નથી જીત્યા? મારું એક બાણ જગતમાં ઉન્માદ જગાડી શકે છે. એવામાં આંખમાંથી અંગારા વરસાવતો ક્રોધ બોલ્યો - ‘હજી એને મારી શક્તિનો ખ્યાલ નહિ હોય. આખા સંસારને હું આંધળો ને બહેરો કરી મૂકે. ધીરને-સચેતનને હું જડ જેવો કરી મૂકું. મારા પ્રભાવથી બુદ્ધિમાન પણ કૃત્યાકૃત્ય જોઈ ન શકે. પોતાના હિતની વાત પણ ન સાંભળે. ક્ષણવારમાં ભણેલું પણ વિસરી જાય.” એમ લોભ અને દંભે પણ ભુજદંડ આસ્ફાલન કરતાં પોતાની વીરતાનાં ઉદાહરણો આપ્યાં. પછી બધા ભેગા થઈ પોતાના શત્રુ ધર્મરાજા તેમજ તેના પક્ષે રહેનાર કુમારપાળ સામે હુમલો લઈ ગયા. કુમારપાળે ધર્મરાજાના મહામાત્ય સદાગમ (સશાસ્ત્ર)ની સલાહ પ્રમાણે મોરચાવ્યુહ ગોઠવ્યા ને થોડી જ વારમાં શત્રુપક્ષ પરાભવ લઈ માર ખાઈ પીછેહઠ કરી ભાગી આવ્યા.
કુમારપાળનું આવું અદ્ભુત સૌભાગ્ય અને સાહસ જોઈ પ્રસન્ન થયેલા ધર્મરાજાએ પોતાની અતિવહાલી સ્વરૂપશાલી કન્યા કૃપાસુંદરીનું તેની સાથે વેવિશાળ કર્યું અને હેમચંદ્રસૂરિજીએ લોકોત્તર વિવાહવિધિ અરિહંતદેવની સાક્ષીએ ધર્મધ્યાનના ચાર પાયા રૂપ ચોરીમાં, નવતત્ત્વમય વેદીમાં, પ્રબોધરૂપી અગ્નિ પ્રગટાવી તેમાં ભાવનારૂપી વૃતહોમપૂર્વક કુમારપાળને કૃપાસુંદરીનું પાણિગ્રહણ કરાવ્યું, ચત્તારિમંગલ આદિ મંગળ કર્યા. સંતુષ્ટ થયેલા ધર્મરાજાએ કરમોચન અવસરે જમાઈ કુમારપાળને સુખ-સૌભાગ્ય, આરોગ્ય, બળ આદિ આપ્યાં. રાજાએ કૃપાસુંદરીને પટરાણી બનાવી. (આ બધું આંતરિક ગુણોનું રૂપક સમજવું.)
એકવાર રાજાને ધર્મ ને રાજય પામ્યા પૂર્વે કરેલું પાપ સાંભર્યું. વર્ષો પૂર્વે કુમારપાળ જ્યારે ઘણી વિપત્તિમાં હતા ને દધિસ્થળીને માર્ગે જતા હતા ત્યારે એક ઝાડ નીચે વિસામો લેવા બેઠા. ત્યાં પાસેના દરમાંથી એક ઉંદર ચાંદીનો રૂપિયો મોઢામાં લઈ બહાર આવ્યો. એક પછી એક એમ તેણે એકવીસ મુદ્રા કાઢી. રૂપિયાની ઢગલી આસપાસ નાચ્યો ને તે ઉપર આળોટ્યો. અણકચ્યું આશ્ચર્ય વિસ્ફારિત આંખે કુમારપાળ નિહાળતા રહ્યા. તેમણે વિચાર્યું કે “આ પ્રાણીને આ રૂપિયા કશા જ કામના નથી છતાં આ તેમાં કેટલો લુબ્ધ છે? લાગે છે કે સંસારમાં ધનથી વધી બીજું કશું જ મોહક નહિ હોય.” આ બધી રમત કરી પોતાના રૂપિયા બિલમાં મૂકી દેવા પ્રથમ એક રૂપિયો મોંમાં દબાવી દરમાં પેઠો. બાકીના રૂપિયા ઉપાડી કુમારપાળ સામે ઊભા રહ્યા, ઉંદરે રૂપિયા ન જોયા ને તેને ફાળ પડી તરત તેનું હૃદય બંધ થઈ ગયું ને ઉંદર મરણ પામ્યો, આ જાણી કુમારપાળને ઘણો ખેદ થયો.
આ સંસારમાં ધન, જીવન અને સ્ત્રીમાં તથા તેવા જ બીજા પદાર્થોમાં કદી પણ તૃપ્તિ નહીં પામતા જીવો એમ ને એમ ગયા, જાય છે ને ચાલ્યા જશે.