________________
૪૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ યજ્ઞનો સર્વથા નિષેધ કર્યો. અશ્વે પ્રભુ પાસે અણસણ અંગીકાર કર્યું. એક તરફ શુદ્ધ જગ્યાએ પ્રભુનું સ્મરણ ને શરણાદિ લઈ આહાર-પાણીનો ત્યાગ કરી ઘોડો શાંતિથી બેઠો. ધર્મિષ્ઠ લોકો તેને ભાવવધેક સ્તવનાદિ સંભળાવતા. સમયે પ્રભુજીની દેશના સાંભળવા મળતી. આમ આયુ પૂર્ણ કરી તે આઠમા સ્વર્ગે દેદીપ્યમાન, સૌભાગી ને સમૃદ્ધિશાલી દેવ થયો. પ્રભુ અન્યત્ર વિહાર કરી ગયા. અવધિજ્ઞાનથી જાણી પોતાના પૂર્વભવના કલેવર પાસે દેવે આવી જોયું તો લોકો ઉત્સવપૂર્વક ઘોડાના કલેવરને અંતિમવિધિ માટે લઈ જતા હતા. દેવે ઘણા દેવો ને મનુષ્યને પોતાનું ગતભવનું (ઘોડાનું) કલેવર બતાવતા ધર્મનો મહિમા સમજાવ્યો. જ્યાં પ્રભુજીનું સમવસરણ હતું. ત્યાં દેવે શ્રી મુનિસુવ્રત ભગવંતનો મહાપ્રાસાદ રચી તેમાં ભવ્ય પ્રતિમાજી સ્થાપના કરી. તેમની સામે ઘોડાની મૂર્તિ ઉભી કરી. એ જિનાલય મહિમાવંતુ તીર્થ બન્યું ને અશ્વાવબોધતીર્થ તરીકે પંકાયું.
કાળ વીતતો જાય છે. જન્મ-મરણ ચાલ્યા કરે છે. સર્જન-વિસર્જન થયા જ કરે છે. કેટલોક વખત વીત્યા પછી ભરૂચના સીમાડાના વનમાં નર્મદા નદીના પહોળા કાંઠે એક વડવૃક્ષ ઉપર એક સગર્ભા સમળીએ માળો બાંધ્યો. સમયે તે માતા બની. ખોરાકની તપાસમાં તે ઉડીને જતી હતી. તેને સ્વેચ્છે બાણ મારી ધરતી પર પાડી. તે અશ્વાવબોધ તીર્થની સમીપે પડી પડી તનમનની વ્યથા સહતી હતી ને આકંદન કરતી હતી. તેના પુણ્યયોગે ત્યાંથી જતા મુનિએ તેને નવકાર મહામંત્ર સંભળાવ્યો. ક્રોધ અને મમતા છોડી અરિહંતાદિના શરણા લેવાની ભલામણ કરી. ચારે આહારનો ત્યાગ કરાવ્યો. થોડી જ વારમાં તે સમળી “નમો અરિહંતાણં' આદિ સાંભળતા મૃત્યુ પામી અને સિંહલદ્વીપના મહારાણીના ગર્ભમાં પુત્રી તરીકે ઉપજી. પૂર્ણ સમયે રૂપરૂપના અંબાર જેવી કન્યાનો જન્મ થયો. સાત પુત્રો ઉપર પુત્રી મળતા રાજા-રાણીને રાજપરિવારમાં આનંદ આનંદ વર્તી રહ્યો. તે દેખાવે સુંદર હતી તેથી તેનું નામ સુદર્શના પાડવામાં આવ્યું. તે મોટી થતાં સર્વકળામાં ચતુર અને વ્યવહારમાં દક્ષ થઈ.
એકવાર ભરૂચબંદરના વ્યવહારી શેઠ ઋષભદત્ત સિંહલદ્વીપ આવ્યા. તેઓ રાજસભામાં બેઠા હતા. યુવાન રાજકન્યા સુદર્શના પણ ત્યાં આવેલી હતી. શેઠને છીંક આવી. તેમને છીંક આદિ વખતે “નમો અરિહંતાણ” બોલવાની આદત હોઈ, હાં... છી... “નમો અરિહંતાણં' એમ છીંક સાથે બોલ્યા. તે સાંભળી રાજકન્યા વિચારમાં પડી કે આ “નમો અરિહંતાણં” શું છે? આ કોઈ દેવવિશેષને નમસ્કાર છે. મેં આ ક્યાંક સાંભળ્યું છે, ક્યાં સાંભળ્યું હશે? એમ કરતાં સ્મૃતિ સતેજ થતાં ને વિસ્કૃતિના પડલો ભેદાતા અતીતનો આખો ભવ તેને યાદ થઈ આવ્યો. વડલો, માળો, બચ્ચા, સમળી, ને... ને તેની છાતીમાં તીર...ઓ ઓ...પછડાટ....કારમી ચીસ..ને ભયંકર વેદના... બધું જ તાજું થઈ આવ્યું ને કુંવરી ધરતી પર બેભાન થઈ ઢળી પડી. શીતોપચારથી તે સચેત થઈ. પણ તેની બોલચાલ રંગ-ઢંગ બધું જ બદલાઈ ગયું હતું. એણે તે સભામાં પોતાની ગતભવની આખી કહાણી કહી સંભળાવી. સહુ આશ્ચર્ય પામ્યા. માનવામાં ન આવે એવી વાત આખરે બધાએ માની. માતા-પિતા આદિની અનુમતિપૂર્વક તે રાજબાળા ભરૂચ આવી.