________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨
૩૫ તેમને અનુસર્યા. બંને વચ્ચે જોરદાર યુદ્ધ મંડાયું. અંતે અતુલ પરાક્રમી કુમારપાળે વીજળી જેવી ચપળતાથી આનાક રાજાના હાથી પર કુદકો માર્યો. અંબાડી પરની ધ્વજા છેદી આનાકની છાતી પર ચડી બેઠા ને બોલ્યા - અરે વાચાળ ! મારી બેનના વચન યાદ આવે છે. હું તેની પ્રતિજ્ઞા પૂરી કરવા આવ્યો છું. બોલ તારી જીભનું શું કરું? જેથી એ કદી પણ હિંસક શબ્દ પણ બોલી ન શકે.” યમરાજ જેવા ભીષણ ને સૂર્ય જેવા પ્રતાપી કુમારપાળને જોઈ આનાક થરથરવા લાગ્યો ને કાંઈ બોલી ન શક્યો.
એટલામાં કુમારપાળની બેન આવી ને પતિની ભિક્ષા માગી. કુમારપાળે કહ્યું – “રે જાંગડા ! બેનનો પતિ સમજીને નહિ પણ દયાધર્મની મહાનતાથી તને જીવતો મૂકું છું. પણ મારી આજ્ઞા છે કે – “હવેથી તારા દેશમાં જમણે-ડાબે ભાગે જીભના આકારની પાઘડી રાખવી પડશે. તારા બાદ પણ પરંપરાએ આ ચિહ્ન જળવાવું જોઈએ. જેથી મારી બેનની પ્રતિજ્ઞા પૂરી થઈ કહેવાય ને શિખામણ મળે.” આનાકે હાથ જોડી બધું મંજૂર કર્યું. આનાકરાજાને પકડી કાષ્ઠના પિંજરામાં ત્રણ દિવસ રાખવામાં આવ્યો. દ્રવ્યની લાલચમાં આવી ગયેલા સામંતો લજ્જા પામ્યા પણ રાજાએ ગાંભીર્યને લઈ કદી કોઈને કાંઈ કહ્યું નહીં. પછી આનાકરાજાને તેનું રાજ્ય આપી, પોતાની આજ્ઞા મનાવી તેઓ પાટણ આવ્યા. ત્યારથી કોઈ “મારો-મારી અને મારીશ' એવો શબ્દ પણ બોલતું નહોતું.
એકવાર કોઈ ઇર્ષાળુ બ્રાહ્મણ શ્રી હેમચંદ્રસૂરિજીને પાટણ આવતા સાંભળી બોલવા લાગ્યો. “આ હેમડ સેવડ પાછો આવે છે. એની કંબલીમાં જૂઓ પડી ગઈ છે, મોટું ગંધાય છે ને નાક બૂરાઈ જવાથી બોલતાં ગણગણાટ કરે છે. ભરવાડની જેમ દડદડાટ કરતો ચાલ્યો આવે છે.” પાછળ જ આવતાં શ્રી હેમાચાર્યે કહ્યું – “પંડિતજી ! સૂત્ર કહે છે “વિશેષણ પૂર્વ તે તમે ભૂલી ગયા? હેમડ સેવડ પ્રયોગ દુષિત છે, તમારે સેવડ હેડ એમ બોલવું જોઈતું હતું. કુમારપાળે આ જાણ્યું એટલે તે બ્રાહ્મણની આજીવિકાનો નાશ કર્યો.
એકવાર કોઈ કવિ દેવ જેવું બનાવટી રૂપ કરી હાથમાં પાના લઈ કુમારપાળની સભામાં આવ્યો. કોઈએ ઓળખ્યો નહીં. રાજાએ પરિચય માગતા તેણે કહ્યું - “ઈન્ડે આ લેખ આપવા મને મોકલ્યો છે.” રાજાએ લેખ હાથમાં લઈ વાંચવા માંડ્યો
સ્વસ્તિશ્રી પાટણનગરમાં બિરાજમાન રાજગુરુ શ્રી હેમચંદ્રસૂરિને સહર્ષ નમસ્કાર કરી ઇંદ્ર વિનતિ કરે છે કે – “હે ભગવન્! ચંદ્રમાનું ચિહ્ન મૃગ, યમરાજાનું વાહન પાડો, વરૂણનું વાહન જળચર જંતુ, વિષ્ણુના અવતાર મત્સ્ય-કચ્છપ અને વરાહ (ભૂંડ) આદિના કુળમાં તમે અભયદાન અપાવી ઘણું ઉત્તમ કાર્ય કર્યું છે પૂર્વે શ્રી મહાવીર પ્રભુ જેવા ધર્મોપદેશક અને બુદ્ધિનધાન અભયકુમાર જેવા મંત્રીશ્વર છતાં શ્રેણિકરાજા ન કરી શક્યા તેવી જીવરક્ષા જેના અમૃતમય વચનો સાંભળી કુમારપાળ રાજાએ કરી છે, તે શ્રી હેમચંદ્ર ગુરુરાજને ધન્ય છે.' લેખ વાંચી, લાવનાર કવિને ઓળખી ધર્મનું મહામ્ય સાંભળી સંતુષ્ટ થયેલા રાજાએ તે કવિની આજીવિકા બમણી કરી દીધી.