________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
લક્ષ્મી કાંઈ કુળક્રમથી જ ચાલી આવે છે માટે કે શાસનપત્રમાં લખાયેલી હોય છે માટે મળે છે કે સ્થિર થાય છે એવું નથી. એ તો ખગથી મેળવીને ભોગવાય છે, તેથી કહેવાયું છે કેવિરભોગ્યા વસુંધરા.
કુમારપાલે પચાસ વર્ષની વય સુધી દેશાંતરોમાં પરિભ્રમણ કરવાથી મળેલ અનુભવસિદ્ધ દક્ષતાથી રાજનીતિનું ઘડતર કર્યું હતું. તેમણે દિગ્વિજય દ્વારા અગ્યાર લાખ ઘોડા, અગ્યારસો હાથી, પચાસ હજાર રથો, બોંતેર સામંત અને અઢાર લાખ સૈનિકોનું પાયદળ આદિ મેળવ્યું હતું. તેના દિગ્વિજયનો વિસ્તાર ચરિત્રગ્રંથોમાં આ પ્રમાણે લખ્યો છે :
પૂર્વમાં ગંગાનદી સુધી, દક્ષિણમાં વિંધ્ય પર્વત પર્વત, પશ્ચિમમાં સિંધુ નદી સુધી અને ઉત્તરમાં તુર્ક સુધી તેમનો રાજયવિસ્તાર હતો. ત્યાં સુધી તેમનું શાસન ચાલતું હતું.
રાજ્યસભામાં એકવાર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી પધાર્યા, તેમને જોઈ કુમારપાળે તરત ઊભા થઈ આદર આપ્યો. પૂર્વના ઉપકારો સંભારી તેમને સિંહાસન પર બેસાડ્યા ને વંદના કરી. કેટલીક ઔપચારિક વાતો પછી રાજાએ પૂછ્યું - “મહારાજજી ! ધર્મોમાં કયો ધર્મ શ્રેષ્ઠ?' આચાર્યદેવે કહ્યું “રાજા ! અહિંસાધર્મ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. અહિંસા સર્વશાસ્ત્ર ને સર્વધર્મમાં સર્વપ્રધાન છે.
- જ્યાં દયા નથી ત્યાં કશું જ હિતકર નથી. દયાહીન ધર્મ તરત જ છોડી દેવો, શ્રી કૃષ્ણ પણ યુધિષ્ઠિરને કહ્યું છે કે - “હે યુધિષ્ઠિર ! જયાં પ્રાણિવધ થતો હોય તે યજ્ઞ અહિંસક કે નિર્દોષ નથી. માટે જ્યાં સર્વજીવો પર દયા રહેલી છે તે જ ધર્મયજ્ઞ છે.” મિમાંસામાં જણાવ્યું છે કે – “જો અમે પશુઓથી યજ્ઞ કરીએ છીએ તો ખરેખર ઘોર અંધકારમાં ડૂબી જઈએ છીએ. હિંસાથી ધર્મ થાય એ કદી બન્યું નથી ને બનશે પણ નહીં.”
જૈનદર્શનમાં જણાવ્યું છે કે – “આખો સંસાર ધર્મ ધર્મ કરે છે. માટે કષ, છેદ અને તપ એ ત્રણ પ્રકારે સોનાની થતી પરીક્ષાની જેમ ધર્મની પરીક્ષા કરવી. પરસ્પર વિરોધી ૩૬૩ મતભેદ છે. છતાં તેઓ અહિંસાને દુષિત કરતાં નથી. માટે જ્યાં શ્રેષ્ઠ અહિંસા હોય તે સ્વીકારવી. આ ઉપદેશથી ધર્મની પીછાણ થયા છતાં લોકલજ્જાદિ કારણે મિથ્યાત્વ છોડી શક્યા નહીં. કહ્યું છે કે - “કામરાગ અને સ્નેહરાગ સરળતાથી છોડી શકાય છે પણ દષ્ટિરાગ તો સત્પરુષોને માટે પણ દુઃખે કરી નિવારી શકાય તેવો હોય છે.
રાજાએ કહ્યું -- “કૃપાલ! કુળધર્મ અને દેશાચાર કેમ કરી છોડાય? નીતિમાં તેમ જણાવ્યું હોઈ તે કુળધર્માદિ છોડવું અનુચિત છે?”
શ્રી હેમચંદ્રસૂરિજી બોલ્યા - “રાજા, શુભકાર્ય ન ત્યજવાના સંબંધમાં આ નીતિવાક્ય છે. શું કુળક્રમથી ચાલ્યા આવતા રોગો, નિર્ધનતા, દાસતા આદિનું નિવારણ કોણ ન ઇચ્છે? કહ્યું છે કે જયાં સુધી બીજાની પ્રતીતિમાં મતિ પ્રવર્તતી હોય ત્યાં સુધી તેના બધા વિચારો દુઃખદાયી છે. માટે પોતાના ચિત્તને સાચા સ્વાર્થમાં જોડવું. કેમકે આપ્તવચનો કોઈ આકાશમાંથી પડતા નથી.