________________
૨૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ ચાંદનીને રાજા અને રંક બંનેના આવાસ ઉપર સરખી રીતે પહોંચાડે છે તેમ જિનધર્મનો જાણ આત્મા અપરાધી કે નિરપરાધી બંને પર સરખી જ દયા રાખે છે. આમ ઉપદેશ આપતાં ગુરુમહારાજ અકસ્માત્ હસી ઉઠ્યા તે જોઈ આખી સભા અચરજ પામી. કોઈએ પૂછયું – “ભગવન્! આપના જેવા મોહવિજેતા સામાન્ય જનની જેમ હસે નહીં. આપ જ ફરમાવો છો કે “પ્રવચનમાં હસવાથી સાત કે આઠ પ્રકારના કર્મોનો બંધ થાય છે. તો આપ શા કારણે હસ્યા? આપના હાસ્યમાં અવશ્ય કાંઈક મર્મ હશે જ. કૃપા કરી જણાવશો ?'
મુનિ બોલ્યા - “મહાનુભાવો ! સામે લીંબડા ઉપર પેલી સમળી બેઠી છે ને ? તે મને પૂર્વના વૈરને કારણે, મને પોતાના પગથી ફાડી નાંખવા ઇચ્છે છે.” આ સાંભળી સહુને જબરુ કૌતુક થયું. સહુ પૂર્વભવની વાત જાણવા ઉત્કંઠિત થયા. સમળીને બોધ થાય તે ઉદેશથી જ્ઞાની ગુરુએ અતીતની વાત ઉપાડી.
ભરતખંડના શ્રીપુરનગરમાં ધન્ય નામક શેઠ રહે. તેમને સુંદરી નામની સુંદર પણ વ્યભિચારિણી સ્ત્રી હતી. પોતાના યાર સાથે સ્વચ્છંદપણે રમણ કરી શકાય માટે તેણે પતિને મારી નાખવા વિષમિશ્રિત દૂધ તૈયાર કર્યું. પતિને પીવરાવા જતી જ હતી કે તેને સર્પ કરડ્યો. તે રાડ પાડતી નાઠી ને દૂધ ઢોળાઈ ગયું. ધન્ય શેઠ જમતા જમતા ત્યાં દોડી આવ્યા. સુંદરીને શ્વાસ ચડ્યો હતો ને જોત-જોતામાં તેનું શરીર શિથિલ ને શ્યામ પડવા લાગ્યું. કોઈપણ ઉપચાર થાય તે પૂર્વે તો સુંદરી મરી ગઈ. તેના ચરિત્રને ન જાણનારા શેઠે ઘણો વિલાપ કર્યો. સુંદરી મરીને સિંહ થઈ. શેઠે વૈરાગ્ય પામી દીક્ષા લીધી.
કેટલાક વર્ષે ધન્યમુનિ કોઈ વનમાં ધ્યાને સ્થિત હતા ત્યાં દૈવયોગે સિંહ બનેલા સુંદરીના જીવે ધન્યમુનિને ફાડી ખાધા. મુનિ બારમા દેવલોકમાં ઉપન્યા ને સિંહ અંતે ચોથી નરકે ગયો.
ધન્ય મુનિનો જીવ બારમા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી ચંપાનગરીના દત્તશ્રેષ્ઠીનો પુત્ર થયો, નામ પાડ્યું ‘વરદત્તકુમાર.” તે બાલ્યકાળથી જ વિવેકી-દયાળુ અને ઉદાર હતો. સમજણો થતા તે સમ્યકત્વશાલી થયો. સુંદરીનો જીવ નરકાયુ પૂર્ણ કરી, અનેક ભવોમાં રખડી વરદત્તનો ઘરદાસી કામુકાનો પુત્ર થયો. બધા તેને દાસીપુત્ર કહી બોલાવતા. તે વરદત્તને શત્રુતાપૂર્ણ દૃષ્ટિથી જોતો, વરદત્તે આગળ જતા સર્વકાર્યભાર ને વ્યવહાર ઉપાડી લીધો, શેઠની જગ્યાએ પોતે આવ્યો તેના પ્રત્યે ભારોભાર દ્વેષ છતાં સ્વાર્થસિદ્ધિ માટે દાસીપુત્ર દયાનો દેખાવ ને ધર્મના ઢોંગ કરવા લાગ્યો. તેથી વરદત્ત શેઠને તેના ઉપર પ્રીતિ થઈ, તે તેને ધર્મબંધુ ગણવા લાગ્યો. અંતઃકપટી દાસીપુત્રે માયાચારથી એવું ધર્માચરણ અને દાંભિક નિઃસ્પૃહતા બતાવી કે વરદત્ત શેઠે વિચાર્યું કર્મયોગે જીવ ગમે ત્યાં ઉત્પન્ન થાય, કુળની પ્રધાનતા તો છે, પણ આચારની પ્રધાનતા પરમાર્થે કલ્યાણ કરનારી છે. પછી તો શેઠે ધર્મભ્રાતા નહીં પણ સગાભ્રાતા જેવો વહેવાર કર્યો ને એ રીતે લોકોમાં તેને પ્રસિદ્ધિ આપી. દાસીપુત્ર એવો વિનીત થઈ વર્તતો કે શેઠને મન એના જેવો કોઈ યોગ્ય માણસ નહીં ને આંતરિક રીતે તે શેઠને મારી નાખી પોતે સ્વામી થવાના પ્રયત્નો કરતો.