________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ આ હરિબળનું ચરિત્ર સાંભળીને હે ભવ્યો! “પરિપૂર્ણ ફળને આપનાર અહિંસા-જીવદયા માટે શ્રેષ્ઠ પુરુષાર્થ કરો. (આ ચરિત્ર પ્રતિક્રમણ સૂત્રની બૃહતુ ટીકામાં સવિસ્તર છે.)
નિર્દયતાનું ફળ. વિરતિ વિનાના નિર્દયો, નિરપરાધી જીવોનો વધ કર્યા કરે છે તે નિરંતર ભવકંદરામાં ભૂંડી રીતે ભમ્યા કરે છે.
પુષ્પમાલાની ટીકામાં જણાવ્યું છે કે - “જે આત્માઓ પ્રાણીને મારવા-વધ-બંધન કરવામાં સદા તત્પર હોય છે. અતિદુ:ખ આપનાર હોય છે, તેઓ મૃગાવતીના પુત્રની જેમ સકલ દુઃખના ભાજન થાય છે. વધ એટલે લાકડી આદિનો પ્રહાર, બંધન એટલે દોરડા આદિથી બાંધવું અને મારણ એટલે પ્રાણનો વિયોગ કરાવવો. એ વધ, બંધન ને મારણમાં રક્ત તેમજ જુઠું આળ દેવા પ્રમુખથી આ જીવ ઘોર પાપ બાંધે છે અને મૃગાપુત્રની જેમ સઘળા દુઃખોનું સ્થાન બને છે. વિપાકસૂત્રમાં તેનું ચરિત્ર આ પ્રમાણે આપવામાં આવ્યું છે.
મૃગાપુત્રની કથા વિશ્વવંદ્ય પરમાત્મા શ્રી મહાવીરદેવ પૃથ્વીતલ પાવન કરતા એકદા મૃગ ગામના ઉદ્યાનમાં પધાર્યા. અવસરે પ્રભુની આજ્ઞા લઈ શ્રી ગૌતમસ્વામી ગૌચરીએ ગયા. વળતાં તેમણે માર્ગમાં એક અંધ જોયો જે અતિવૃદ્ધ હતો ને કોઢના રોગથી રીબાતો હતો. એનું દુઃખ, નિરાશા, અનિશ્ચિતતા અને સહન ન થઈ શકે તેવી ઘોર બળતરાની એ પીડા જોઈ શ્રી ગૌતમસ્વામીનું હૃદય દયાથી છલકાઈ ગયું. એ રાંકની વ્યથા તેમની નજરોમાં કરુણા બની અંજાઈ ગઈ. તેઓ ભગવંત પાસે આવ્યા ને પ્રભુને પૂછી બેઠા – “ભંતે ! સમસ્ત દુઃખોના સ્થાનરૂપ એ અંધ કોઢીયાને કેટલી પીડા! વૃદ્ધાવસ્થા ને નિરાધાર દશા !! માખીઓ પણ એને ખાઈ જવા તૈયાર થઈ છે. શું પ્રભુ! સંસારમાં આટલો દુઃખી બીજો કોઈ માણસ હશે ?'
કરુણાસિંધુ ભગવાને કહ્યું – “ગૌતમ! દુઃખની શી વાત કરવી? સંસારમાં દુઃખોનો પાર નથી. જ્ઞાન વિના તે પૂરું દેખાતું પણ નથી. સંસાર તો ઠીક પણ આ જ ગામમાં અને તેય અહીંના રાજાને ઘેર મૃગાવતી રાણીના પ્રથમ રાજકુમારને તું જો, તો ખબર પડે કે માણસનું દુઃખ કેવું હોઈ શકે છે? તેને આંખ, કાન, નાક, મુખ આદિ શરીરની ઇંદ્રિયો કે આકૃતિ નથી. લોઢી (તવો) ના આકારના પિંડ જેવો તેનો સતત દુર્ગધી દેહ છે. તેમાંથી ગંદો-ગંધાતો પ્રવાહી-લોહી-પરુ કર્યા કરે છે. રાજમહેલમાં જન્મીને એ અંધારા ભોંયરામાં આવે છે. તેના દુઃખની સામે આ કોઢીયા અંધનું દુ:ખ તો કાંઈ નથી. કોઢીયો કહી તો શકે છે. દુઃખ રડી તો શકે છે ! પ્રભુની વાત સાંભળી ગૌતમ