________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
આવ્યો, ફરી એજ માછલું પકડાયું. તેણે અલગ અલગ જગ્યાએ જઈને જાળ નાંખી, પણ કાં તો માછલા પકડાય નહિ ને પકડાય એ એક જ માછલું વારે વારે પકડાય. આમ ને આમ સાંજ પડી ગઈ. ઘરે ખાલી હાથે જાય તો કર્કશા જોડે ઝઘડો જ થાય. છેવટે તે જાળ સંકેલી ઊભો થયો. તે ક્ષેત્રના દેવતાએ આ યુવાન માછીની આવી ધાર્મિક દૃઢતા જોઈ પ્રત્યક્ષ થઈ કહ્યું- ‘માછી ! તારી દૃઢતા જોઈ મને ઘણી પ્રસન્નતા થઈ છે તું કહે તે હું તારું કાર્ય કરી આપું.' હરિબળે આશ્ચર્યચકિત થઈ કહ્યું- ‘મારી ઉપાધિનો કાંઈ પાર નથી. તમને શું શું કહું ? પણ ટુંકમાં એટલી જ પ્રાર્થના કરું છું કે મારા પર કોઈ આપત્તિ આવે તો તરત સહાય થજો.' ભલે, કહી દેવ અદૃશ્ય થઈ ગયો. દેવદર્શનનો આનંદ આખા દિવસમાં કાંઈપણ મેળવ્યા વિના ઘરે જવાનો ત્રાસ આદિ વિચારમાં તે ચાલ્યો જતો હતો. અંધારું ઘેરું બનતું જતું હતું. નિષ્ઠુર પત્નીથી તેને કંટાળો આવ્યો હતો, તેથી ઘેર ન જતાં છેવટે ગામ બહારના શૂન્ય દેવળમાં જઈ સૂઈ ગયો.
આ તરફ તે જ નગરની નવયુવતી રાજકન્યા વસંતશ્રીને તે જ નગરના સુંદર શ્રેષ્ઠીપુત્ર હરિબળ સાથે પ્રણય થતાં તેણે હિરબળ સાથે પરદેશ નાસી જવાનું નક્કી કરી ગામ બહારના દેવળમાં અમુક રાત્રે મળવાનો સંકેત કર્યો. તે રાત્રે રાજકુમારી પોતાની સારભૂત વસ્તુ લઈ પાણીદાર ઘોડા પર બેસી તે દેવળના દરવાજે આવી. આ તરફ શ્રેષ્ઠીપુત્રે વિચાર્યું : આપણે વણિકકુળમાં ઉત્પન્ન થઈ બહારવટીયા જેવું કામ કેમ કરી શકીએ ? વાણિયાને રાજકન્યા પોષાય પણ નહિ ને ગુણીજનોથી નિંદિત કાર્ય થાય પણ નહીં. એની સાથે જવામાં બીજા પણ જોખમો ઘણાં, ઇત્યાદિ વિચારી તે પોતાની શય્યામાંથી ઉઠ્યો જ નહીં. નીતિકારો કહે છે કે – ‘સ્ત્રીજાતિમાં દંભ, વણિકમાં ડર, ક્ષત્રિયમાં રોષ અને બ્રાહ્મણજાતિમાં સ્વાભાવિક રીતે જ લોભ રહેલ છે.
-
રાજકુમારી ઘોડેથી ઉતરી મંદિરદ્વારે આવીને હરિબળ, ઓ હિરબળ ! હું આવી ગઈ છું, ચાલો આપણે જલ્દીથી અહીંની હદ ઓળંગી જઈએ. બધા શુકન સારા થયા છે. આપણા મનોરથ શીઘ્ર સફળ થશે. હરિબળ હુંકારો દઈ ઊભો થયો. તે બંને એકજ ઘોડા પર બેઠાં ને ઘોડો હવાની જેમ પુરપાટ જાય દોડ્યો, રાજકુમારી હરિબળને-પોતે કેવી રીતે સાહસ કરીને નિકળી, તેના માટે થઈ માતા-પિતા-રાજ્ય આદિ છોડ્યું ઇત્યાદિ કહેતી બોલાવતી જાય પણ હરિબળ તો માત્ર હુંકારો જ આપે. કુંવરીએ વિચાર્યું વણિકપુત્ર છે, ઘર-બાર છોડીને જતાં ક્ષોભના લીધે બોલતા નથી, પણ જ્યારે મોં સુજણું થયું ત્યારે કુંવરીને સમજાયું કે આ કોઈ બીજો પુરુષ છે. તે ઘોર વિમાસણમાં પડી કે જેમ ગ્રીષ્મઋતુમાં તૃષાતુર હાથી દોડતો તળાવે પાણી પીવા જાય, ને પાણી પાસેના કાદવમાં ખૂંચી જતાં દુર્ભાગ્યે તીર ને નીર બંનેથી ભ્રષ્ટ થાય, તેમ આ કોઈ નિર્ભાગી, હીનકુળમાં જન્મેલા મૂર્ખ અને અનિષ્ઠ પુરુષની સંગત કરતાં મરણ સારૂં, આ મેં શું કર્યું ? આ ફેરફાર ત્યાં જ કેમ ન જણાયો
રાજકુંવરીને વિરક્ત, ઉદાસ ને શૂન્ય જોઈ હરિબળે વિચાર્યું ‘મને ધિક્કાર છે, મેં છલનાપ્રપંચ કરી આને છેતરી છે. મારે ત્યાં જ કહી દેવું જોઈતું હતું કે હું કોણ છું.' આમ ચિંતામાં પડેલા