________________
૨૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ હરિબળ પાસે દેવે આવીને કહ્યું- ‘રાજપુત્રી ખિન્ન ન થા. આ હરિબળ પુણ્યવાન હોઈ ધર્મના પ્રતાપે તેનો મહાન ભાગ્યોદય થવાનો છે. તું બીજાની ઇચ્છા ન કર આ તને સુખી ક૨શે.’ કુંવરીએ હરિબળ સામે જોયું તો તે કામદેવ જેવો કમનીય લાગ્યો. પરસ્પર લાગણી થઈ. દેવની સાક્ષીએ બંને ગાંધર્વ વિવાહથી પરણ્યાં. આગળ ચાલી વિશાલા નગરીમાં આવ્યાં. સારૂં ઘર ભાડે રાખી ત્યાં બંને રહ્યાં. હરિબળની ઢબ-છબ ને બોલચાલમાં સંસ્કારિતા આવવા લાગી. કેટલીક સારી ભેટ લઈ રાજસભામાં આવ્યો. રાજમાન્ય થયો ને તેનું આવાગમન વધતું રહ્યું.
મંત્રીએ એકવાર લાગ જોઈ હરિબળની પત્નીની સુંદરતાના રાજા પાસે વખાણ કર્યાં, તેથી રાજાને તેની ઇચ્છા થઈ, વસંતશ્રીને તે લુબ્ધ થઈ ઝંખી રહ્યો. ભરી સભામાં રાજાએ કહ્યું –‘ઘણાં સમયની મારી ઉત્કટ ઇચ્છા છે ને સાહસિક વગર પૂરી થાય એમ નથી. હવે અવસર આવ્યો છે. કેમકે આપણને હરિબળ જેવો સાહસવીર મળ્યો છે.' સહુએ પૂછ્યું-‘શી છે મહારાજાની ઇચ્છા ?’ રાજાએ કહ્યું- ‘મારૂં નિયંત્રણ લંકાધિપતિ વિભિષણને પહોંચાડવાનું છે.’ સહુ બોલ્યાખરેખર, આ કાર્ય તો હરિબળ જ કરી શકે.' રાજાએ કહ્યું- ‘મને વિશ્વાસ છે.’ સહુએ તાળી પાડી રિબળને માન આપ્યું. હરિબળે ઊભા થઈ થોડા દિવસમાં એ કામ પતાવી ઘરે આવીશ એમ જણાવ્યું. ઘરે આવી તેણે વસંતશ્રીને વાત કરી. જતી વખતે પત્નીને કહ્યું- ‘તું ધર્મ પર વિશ્વાસ રાખજે ને મારી વાટ જોજે. મેં કરેલી પ્રતિજ્ઞા મારે પાળવી જ રહી. નીતિકાર કહે છે કે માથું કપાય કે વધ-બંધન થાય પણ ઉત્તમ પુરુષો આદરેલું પાર પાડે છે.’ ને એ સમુદ્રકાંઠે આવી વિચારે છે કે વિદ્યાધર સિવાય કોણ દરિયો પાર કરી શકે ? ત્યાં તો પેલા દેવે તેને ઉપાડી લંકાના ઉપવનમાં ઉતાર્યો. ત્યાં સુંદર હવેલી જોઈ તે વિસ્મય પામતો અંદર ગયો.
એક શય્યાપર એક યૌવના અચેત પડી હતી. પાસે જ એક તુંબડી ભરેલી હતી. ચકિત થઈ તેણે એ નારીને ઉઠાડી પણ ઉઠી નહીં. પછી વિચાર કરી તુંબડીનું પાણી તેના શરીરે છાંટ્યું તો ઉંઘમાંથી જાગે તેમ તે આળસ મરડી બેઠી થઈ. હરિબળને જોઈ તેને આશ્ચર્ય થયું. લાજના લાલ શેરડા તેના મુખ પર ઉપસી આવ્યા. ઊભા થઈ તેણે હરિબળનો પરિચય માંગ્યો. હરિબળે ટુંકાણમાં સર્વ વાત કહી અને તેનો પરિચય પૂછ્યો. તે યુવતીએ કહ્યું :- લંકાના દેવમંદિરના પૂજારીની હું પુત્રી છું. એક નૈમિત્તિક પાસેથી મારા પિતાએ જાણ્યું કે તેમની દીકરીને પરણનાર પ્રતાપી રાજા થશે, આ જાણી રાજ્યના લોભથી મારા પિતામાં એવી મૂર્ખતા પાંગરી કે તેમણે મને
પરણવાની ઇચ્છા કરી.
લોભ માણસને સહેલાઈથી ઉન્માર્ગે લઈ જઈ શકે છે. નિશાંધ, દિવાંધ, જાત્યાંધ, માયાંધ, માનાંધ, ક્રોધાંધ, કામાંધ અને લોભાંધ આ ક્રમે કરીને અધિકાધિક અંધ હોય છે. હું નાસી ન જાઉં કે બીજું કાંઈ ન કરું, માટે તે મને મૂર્છિત કરી પછી જ બહાર જાય છે. પાછા આવીને આ તુંબીની સુધાથી સચેત કરે છે. તેમની આ દુર્બુદ્ધિના કારણે સર્વ સ્વજનોથી હડધૂત થઈ અહીં આવ્યા છે.