________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૮
ચક્ષુ સિવાયની અન્ય ઇન્દ્રિયોથી જીવ જે પદાર્થનો સામાન્ય બોધ કરે છે તે અચક્ષુદર્શન છે. આ અચક્ષુદર્શનને આવરણ કરનારું કર્મ અચક્ષુદર્શનાવરણ છે.
વળી જેઓને અવધિજ્ઞાન પ્રગટે છે, તેઓ અવધિજ્ઞાનના વિષયભૂત શેયને જાણવા માટે ઉપયોગવાળા થાય છે ત્યારે તે શેયનો પ્રથમ સામાન્યથી બોધ થાય છે તે અવધિદર્શન છે, ત્યારપછી વિશેષ બોધ થાય છે તે અવધિજ્ઞાન છે. અવધિજ્ઞાનના વિષયભૂત શેયના સામાન્ય બોધને આવારક જે કર્મ તે અવધિદર્શનાવરણ છે.
કેવલજ્ઞાન સર્વ જ્ઞેય પદાર્થોને એક કાળમાં જાણે છે તેમાં તેના વિષયભૂત દ્રવ્ય અને પર્યાય ઉભયને જાણે છે. તે દ્રવ્ય-પર્યાયમાંથી દ્રવ્યનો જે બોધ છે તે સામાન્યરૂપ છે તે કેવલદર્શન છે અને પર્યાયોનો જે બોધ છે તે કેવલજ્ઞાન છે. કેવલદર્શનને આવરનારું કર્મ તે કેવલદર્શનાવરણ છે.
મતિજ્ઞાનના સામાન્ય બોધને આવરનાર ચક્ષુદર્શનાવરણ અને અચક્ષુદર્શનાવરણ છે, જેના ક્ષયોપશમથી જીવને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનની પ્રાપ્તિ છે.
પ્રાપ્ત થયેલા ચક્ષુદર્શનનો અને અચક્ષુદર્શનનો નાશ કરવામાં કારણ નિદ્રા આદિ પાંચ દર્શનાવરણકર્મ છે. તેથી નિદ્રાથી વેદનીય એવું દર્શનાવરણ કર્મ પ્રગટ થયેલા ચક્ષુદર્શન, અચક્ષુદર્શનનો નાશ કરે છે. ચક્ષુવાળા જીવોને જાગૃત અવસ્થામાં ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનનો ક્ષયોપશમભાવ વર્તે છે; નિદ્રાદર્શનાવરણીયકર્મનો ઉદય થતાં પ્રાપ્ત થયેલ નિદ્રાના કારણે તે ક્ષયોપશમભાવ હણાય છે, તેથી ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન અવરોધ પામે છે. વળી એકેન્દ્રિય જીવોને બોધ કરવાના સાધનભૂત ચક્ષુ નથી, તેથી ચક્ષુદર્શનનું આવરણ વિદ્યમાન છે. ચક્ષુદર્શનના આવરણનો ક્ષયોપશમભાવ નથી, તેથી ચક્ષુદર્શન ક્ષયોપશમભાવરૂપે નથી તોપણ અચક્ષુદર્શનનું આવરણ કંઈક ક્ષયોપશમભાવરૂપે વર્તે છે; છતાં એકેન્દ્રિય જીવોનું પણ અચક્ષુદર્શન નિદ્રાના ઉદયથી હણાય છે.
તે નિદ્રાનો ઉદય પાંચ પ્રકારે છે. તેમાંથી નિદ્રારૂપે જે વેદનીય તે નિદ્રાવેદનીયકર્મ છે અર્થાત્ સામાન્ય જે નિદ્રા તે સ્વરૂપે જે વેદનીયકર્મ તે નિદ્રાવેદનીય છે.
નિદ્રાનિદ્રાથી વેદનીય જે કર્મ તે નિદ્રાનિદ્રાવેદનીય છે. અર્થાત્ નિદ્રાથી અતિશાયી એવી જે નિદ્રા તે નિદ્રાનિદ્રા છે. આવી ગાઢ નિદ્રાસ્વરૂપે વેદનીય એવું કર્મ તે નિદ્રાનિદ્રાવેદનીયકર્મ છે, જે દર્શનનું આવરણ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે નિદ્રામાં અલ્પ નિદ્રા હોય છે તે સ્વરૂપે તે કર્મ વેદાય છે અને નિદ્રાનિદ્રામાં ગાઢ નિદ્રા હોય છે. તે સ્વરૂપે નિદ્રાનિદ્રાવેદનીયકર્મ વેદના થાય છે.
પ્રચલાવેદનીયકર્મ બેઠાં બેઠાં નિદ્રાસ્વરૂપે વેદના થાય છે, જે નિદ્રા કરતાં કાંઈક વિલક્ષણ છે અને નિદ્રા કરતાં કાંઈક અધિક છે; કેમ કે સૂવાની ક્રિયાથી નિદ્રાની પ્રાપ્તિ સુખપૂર્વક થાય છે, જ્યારે બેસવાની ક્રિયા નિદ્રામાં બાધક છે, છતાં તે પ્રકારના વિશિષ્ટકર્મના ઉદયથી બેઠાં બેઠાં પણ જેઓને અતિશય નિદ્રા છે તે પ્રચલારૂપે વેદનીયકર્મ છે=પ્રચલન અવસ્થાસ્વરૂપે દર્શનનું આવરણ થાય તે સ્વરૂપે વેદનીયકર્મ છે.
ચાલતાં ચાલતાં નિદ્રારૂપે વેદનીય એવું જે કર્મ તે પ્રચલા પ્રચલારૂપે વેદનીય એવું દર્શનનું આવરણ છે, જે પ્રચલા કરતાં અતિશાયી નિદ્રા છે; કેમ કે બેસીને જે નિદ્રા આવે તે નિદ્રા ચાલવાથી દૂર થાય છે; છતાં તેવી અતિશાયી નિદ્રાનો ઉદય થાય છે ત્યારે ચાલવાની ક્રિયાથી પણ નિદ્રા દૂર થતી નથી.