________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ / સૂત્ર-૧૨ પર્યાપ્તિઓનું સૂક્ષ્મપણું હોવાથી ક્રમથી સમાપ્તિ છે, એમ અન્વય છે. અને યથાસંખ્ય યથાક્રમ, છ પર્યાપ્તિનાં દૃષ્ટાંતો છે. જેમ પ્રથમ ઘરની સામગ્રીનું ગ્રહણ થાય છે એમ પ્રથમ આહારપર્યાપ્તિ દ્વારા અન્ય પર્યાપ્તિની સામગ્રીનું ગ્રહણ થાય છે. ત્યારપછી સ્તંભ નિર્માણ કરાય છે તેમ શરીરપર્યાપ્તિરૂપ સ્તંભનું નિર્માણ કરાય છે. ત્યારપછી સ્થૂણા=ઉચિત ખીલાઓ, આદિ ગોઠવાય છે તેમ ઈન્દ્રિયપર્યાપ્તિ ઉચિત સ્થાને ઉચિત ઇન્દ્રિયોનું નિર્માણ કરે છે. ત્યારપછી ગૃહનું દ્વાર કરાય છે એમ શ્વાસોચ્છ્વાસ ગ્રહણ કરવા માટે શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ કરાય છે. અને દ્વાર કર્યા પછી ગૃહના પ્રવેશનિર્ગમ સ્થાનો કરાય છે=એક ઘરમાંથી બીજા ઘરમાં જવાના અને પ્રવેશ કરવાના ભૂમિના સ્થાનોનું નિર્માણ કરાય છે, તેમ ભાષાપર્યાપ્તિનું નિર્માણ કરાય છે. અને ત્યારપછી શયનાદિ ક્રિયાનાં સ્થાનો બનાવાય છે તેમ મનપર્યાપ્તિનું નિર્માણ થાય છે. પર્યાપ્તિનું નિર્વર્તક પર્યાપ્તિનામકર્મ, અપર્યાપ્તિનું નિર્વર્તક અપર્યાપ્તિનામકર્મ. અપર્યાપ્તિનામકર્મ એટલે તત્ પરિણામયોગ્ય દલિકદ્રવ્યનું આત્મા વડે અગ્રહણ.
૪૨
સ્થિરત્વનું નિર્વર્તક સ્થિરનામકર્મ, તેનાથી વિપરીત અસ્થિરવામકર્મ, આદેયભાવનું નિર્વર્તક આદેયનામકર્મ, તેનાથી વિપરીત અનાદેયનામકર્મ. યશનું નિર્વર્તક યશનામકર્મ, તેનાથી વિપરીત અયશનામકર્મ, તીર્થંકરપણાનું નિર્વર્તક તીર્થંકરનામકર્મ.
તે તે ભાવોને કરે છે તે નામકર્મ. આ રીતે ઉત્તરભેદ સહિત નામકર્મના ભેદો અનેક પ્રકારના સ્વીકારવા જોઈએ. ।।૮/૧૨।।
ભાવાર્થ:
નામકર્મ :
નામકર્મ આત્માને તે તે ભાવોરૂપે કરે છે. નામકર્મ આત્માના અસંખ્ય ભાવો કરે છે, તેથી તેના અસંખ્યાતા ભેદોની પ્રાપ્તિ થાય તોપણ સ્થૂલ સંગ્રહથી ગતિનામકર્મ આદિ ૪૨ મૂળપ્રકૃતિઓ ગ્રંથકારશ્રીએ બતાવી છે અને તેના ઉત્તરભેદો અનેક છે, તે બતાવ્યા છે. તેનાથી બોધ થાય છે કે સંસારવર્તી જીવો તે તે ગતિઓમાં તે તે નામકર્મના ઉદયથી જાય છે, તે ગતિમાં પણ કેટલાક એકેન્દ્રિયજાતિવાળા, તો કેટલાક બેઇન્દ્રિયજાતિવાળા થાય છે. આ સર્વ ભેદો તે તે જાતિનામકર્મના ઉદયથી થાય છે, તેમાં પણ અવાંતર અનેક ભેદો પડે છે. આથી જ પૃથ્વીકાયના પણ અવાંતર ભેદો જાતિનામકર્મના અવાંતર ભેદરૂપે ભાષ્યકારશ્રીએ બતાવ્યા છે, તે રીતે પશુમાં પણ અવાંતર જાતિ સિંહ, હાથી આદિ પડે છે. તે જાતિના જ અવાંતર ભેદો છે.
વળી તે ગતિ અને તે જાતિમાં ઉત્પન્ન થયેલા જીવો શરીર અને અંગોપાંગાદિની રચના કરે છે તે સર્વમાં જુદાં જુદાં નામકર્મો કારણભૂત છે, તે પ્રમાણે શરીરની રચના થાય છે.
શરીરનામકર્મમાં પણ દરેક મનુષ્યોની પોતપોતાની અન્ય કરતાં વિલક્ષણ આકૃતિ થાય છે, તે વિલક્ષણ આકૃતિ પ્રત્યે નિર્માણનામકર્મ કારણ છે. નિર્માણનામકર્મને કારણે જ કોઈ જીવનું શરીર સ્ત્રીરૂપે બને છે.