________________
૧૧૪
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ / સૂગ-૭ કરે છે. પંચાસ્તિકાયમય લોકવર્તી સર્વ પદાર્થો કઈ રીતે વિવિધ પ્રકારના પરિણામને પામે છે ? તેનું સૂક્ષ્મ આલોચન કરે છે, જેથી જીવ દેહાદિ સાથે સંબંધિત થઈને કઈ રીતે વિવિધ પરિણામો કરે છે? પુદ્ગલો જીવ સાથે સંબંધિત થઈને કઈ રીતે વિવિધ પરિણામો પામે છે ? તેનું ચિંતવન કરે છે. વળી પુગલો પરમાણુરૂપે પણ બને છે અને સ્કંધરૂપે પણ બને છે ત્યારે કઈ રીતે વિવિધ પરિણામ પામે છે ? જીવ અને પુદ્ગલ સાથે સંબંધિત થઈને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય કઈ રીતે વિવિધ પરિણામ પામે છે ? તે સર્વનું જિનવચન અનુસાર સુસાધુ ચિંતવન કરે છે.
વળી જેમ પદાર્થો વિવિધ પરિણામ પામે છે તેમ સતત નવા નવા પર્યાયરૂપે પદાર્થોની ઉપસ્થિતિ થાય છે, તેનું ચિંતવન સાધુ કરે છે. જીવ તે તે નિમિત્તે તે તે ભાવારૂપે ઉત્પન્ન થાય છે જેના કારણે તે તે કર્મો સાથે બંધાઈને કે તે તે કર્મોને પરિણામાંતરરૂપે પરિણામ પમાડીને કે તે તે કર્મોની નિર્જરા કરીને કઈ રીતે જીવમાં તે તે ભાવોની ઉત્પત્તિ થાય છે ? તેનું સાધુ ચિંતવન કરે છે. વળી પરમાણુમાં અને સ્કંધોમાં પણ તે તે ભાવોની કઈ રીતે ઉત્પત્તિ થાય છે ? તેનું ચિંતવન કરે છે.
વળી જેમ તે તે ભાવસ્વરૂપે પદાર્થની ઉત્પત્તિ છે તેમ દરેક પદાર્થો દ્રવ્યસ્વરૂપે સ્થિતિવાળા છે. તેથી દરેક દ્રવ્યોની કયા સ્વરૂપે સ્થિતિ છે ? તેનું પણ સૂક્ષ્મ અવલોકન થાય તે પ્રકારે પંચાસ્તિકાયાત્મક લોકનું ચિંતવન સાધુ કરે છે.
વળી દરેક દ્રવ્યોમાં પરસ્પર અન્યતા છે અર્થાત્ કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યરૂપે થતું નથી, પરંતુ સદા અન્ય દ્રવ્યથી અન્ય સ્વરૂપે જ રહે છે. તેમ જ દરેક દ્રવ્યમાં વર્તતા પૂર્વ પૂર્વના ભાવો અન્યરૂપે થાય છે ત્યારે તે ભાવમાં પૂર્વ ભાવ કરતાં અન્યતાસ્વરૂપ જે ભાવ છે તે પદાર્થના વિનાશ સ્વરૂપ છે. આ પ્રકારે સૂક્ષ્મ વિચારવાથી શરીરના પુદ્ગલદ્રવ્યથી કે સ્વજનાદિથી પોતાનામાં વર્તતા અન્યતાભાવનો સ્પષ્ટ બોધ થાય છે. જેથી મૂઢદૃષ્ટિને કારણે જે બાહ્ય પદાર્થો સાથે અભેદબુદ્ધિ થાય છે તેને ક્ષીણ કરે તેવું સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન થાય છે. વળી પોતાના પ્રતિક્ષણ થતા અન્યતાભાવના નિરીક્ષણથી નવા નવા સૂક્ષ્મ પર્યાયોનો સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ થાય છે. તે રીતે પુદ્ગલમાં કે ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોમાં પણ પ્રતિક્ષણ વર્તતા અન્ય અન્યરૂપે થતા ભાવોનું અવલોકન કરવામાં આવે તો સર્વ દ્રવ્યોને કઈ રીતે અન્ય-અન્યરૂપે ભાવો થાય છે ? તેનો સૂક્ષ્મ બોધ થાય છે. આવો સૂક્ષ્મ બોધ થવાથી જીવ સમ્યજ્ઞાન કરીને પોતાના પિતાનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરવા સમર્થ બને છે.
વળી પંચાસ્તિકાયાત્મક લોકમાં રહેલા પદાર્થો કઈ રીતે પરસ્પર અનુગ્રહ કરે છે ? અને કઈ રીતે પ્રલય કરે છે ? તેનું પણ સૂક્ષ્મ ચિંતવન સાધુએ કરવું જોઈએ. પોતાનો આત્મા જ સમ્યજ્ઞાનનું દઢ અવલંબન લઈને જેમ જેમ સૂક્ષ્મ-સૂક્ષ્મતર સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરે છે તેમ તેમ પોતાના આત્માને અનુગ્રહ કરે છે. તે જ આત્મા મોહને વશ થઈને મૂઢની જેમ યથાતથા વિપરીત જ્ઞાન કરે છે ત્યારે પોતાનો વિનાશ કરે છે, જે પ્રલય સ્વરૂપ છે.
વળી ઉપદેશક પણ યોગ્ય જીવોને સમ્યજ્ઞાન કરાવીને અનુગ્રહ કરે છે અને મિથ્યાજ્ઞાન કરાવીને યોગ્ય