________________
૨૫૫
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭
અવ્યંજિત ભેદમાં સંખ્યાથી જ ભેદ હોવાને કારણે પાંચ, ચાર અને ત્રણ ચારિત્રને આશ્રયીને ત્રણ વિકલ્પો પ્રાપ્ત થાય છે જ્યારે વ્યંજિતચારિત્રમાં ચાર આદિની સંખ્યા અન્ય રીતે પણ પ્રાપ્ત થવાથી અન્ય વિકલ્પો પણ પ્રાપ્ત થાય છે.
વ્યંજિતચારિત્રમાં સામાયિકચારિત્ર-છેદોપસ્થાપ્યચારિત્ર-પરિહારવિશુદ્ધિચારિત્ર-સૂક્ષ્મસંપરાયચારિત્રયથાખ્યાતચારિત્રથી સિદ્ધ થનારા જીવો સર્વ થોડા છે; કેમ કે પ્રથમ અને છેલ્લા તીર્થકરના કાળમાં જ પરિહારવિશુદ્ધિપૂર્વક જનારા જીવોની પ્રાપ્તિ છે, બીજા તીર્થકરોના તીર્થમાં નહીં અને મહાવિદેહમાં પરિહારવિશુદ્ધિચારિત્ર નથી. માટે અન્ય ચારિત્રોથી સિદ્ધ થનારા કરતાં પાંચ ચારિત્રથી સિદ્ધ થનારા જીવો ઓછા છે.
વળી છેદોપસ્થાપ્યચારિત્ર-પરિહારવિશુદ્ધિચારિત્ર-સૂક્ષ્મસંપરાયચારિત્ર-યથાખ્યાતચારિત્રથી સિદ્ધ થનારા જીવો સંખ્યાતગુણા છે; કેમ કે સર્વ તીર્થંકરના કાળમાં જેઓને સંયમના પર્યાયનો છેદ કરીને ફરી સંયમમાં સ્થાપન કરવામાં આવે તેવા જ સાધુઓ સામાયિકચારિત્ર રહિત છેદોપસ્થાપ્યચારિત્રવાળા છે. અને પહેલા અને છેલ્લા તીર્થકરોના સાધુઓને છોડીને પરિહારવિશુદ્ધિચારિત્ર નથી, માટે પ્રથમ અને ચરમ તીર્થકરના સાધુઓ પરિહારવિશુદ્ધિપૂર્વક સિદ્ધ થનારા છે અને સંયમ ગ્રહણ કર્યા પછી મૂલપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ કરીને છેદોપસ્થાપ્યચારિત્રને પામ્યા હોય તેવા સાધુઓ પાંચ ચારિત્રને પામીને સિદ્ધ થનારા કરતાં સંખ્યાતગુણા છે. તેથી પ્રથમ અને ચરમ તીર્થંકરના કાળમાં સંયમ ગ્રહણ કર્યા પછી મૂલપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ દ્વારા સિદ્ધ થનારા જીવો ક્રમસર પાંચ ચારિત્રને પામીને સિદ્ધ થનારા કરતાં અધિક છે, તેમ ફલિત થાય છે.
વળી સામાયિક, છેદોપસ્થાપ્ય, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાતથી સિદ્ધ થનારા સંખ્યાતગુણા છે. તેથી એ પ્રાપ્ત થાય કે પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓ જેમણે પરિહારવિશુદ્ધિચારિત્ર સ્વીકાર્યું નથી અને સંયમમાં મૂલપ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય એવો અતિચાર સેવ્યો નથી, કદાચ અતિચાર સેવ્યો હોય તોપણ છેદપ્રાયશ્ચિત્ત સુધી જ પ્રાપ્તિ થઈ હોય એવા સાધુઓ સિદ્ધ થનારા પૂર્વના ભેદ કરતાં સંખ્યાતગુણા છે; કેમ કે પહેલા તીર્થંકરના સાધુઓ બીજા તીર્થંકરના તીર્થને સ્વીકારે અથવા ત્રેવીસમા તીર્થંકરના સાધુઓ ચોવીસમા તીર્થંકરના તીર્થને સ્વીકારે તેમની પણ પ્રાપ્તિ છે.
વળી બાવીશ તીર્થંકરના સાધુઓ અને મહાવિદેહના સાધુઓ પરિહારવિશુદ્ધિ વગર સિદ્ધમાં જનારા હોય છે તેઓ સામાયિકચારિત્ર, સૂક્ષ્મસંપરાયચારિત્ર અને યથાખ્યાતચારિત્રવાળા હોય છે. તેઓ પૂર્વના ભેદ કરતાં સંખ્યાતગુણા છે.
વળી છેદોપસ્થાપ્યચારિત્ર, સૂક્ષ્મસંપરાયચારિત્ર અને યથાખ્યાતચારિત્રથી સિદ્ધ થનારા જીવો પૂર્વના ભેદ કરતાં સંખ્યાતગુણા છે. તેથી સર્વતીર્થકરોના કાળમાં અને મહાવિદેહમાં જેઓને મૂલપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થઈ છે તેવા છેદોપસ્થાપ્યચારિત્રને સ્વીકારીને સિદ્ધ થયેલાઓની અધિક સંખ્યા છે. વળી, મૂલપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ જેમ પાંચ મહાવ્રતને આશ્રયીને છે તેમ મિથ્યાત્વને આશ્રયીને પણ છે. તેથી પ્રમાદને વશ જેઓને મૂલપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થઈ છે, છતાં આરાધક છે તેઓ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થઈને સિદ્ધ થનારા જીવો સૌથી અધિક સંખ્યાવાળા છે.