________________
તત્વાર્થાવગમસુત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૯
૧૨૫
અંગ છે તેમ વિચારીને સંયમના ઉપાયને સેવનાર મહાત્માએ ઉચિત વિધિથી યાચનામાં ક્ષોભ ધારણ કરવો જોઈએ નહીં. વળી જેઓને યાચનામાં કોઈ ક્ષોભ નથી, તેઓ યાચના કરવાનું દ્રવ્ય સંયમને ઉપકારી છે કે અનુપકારી છે, તેનો કોઈ વિચાર કર્યા વગર “અમે યાચના કરવાના અધિકારી છીએ” એ રીતે અધિકારપૂર્વક જે કાંઈ ઇચ્છા થાય તે ગૃહસ્થો પાસે યાચના કરે છે, જે સાધુના યાચના ગુણના ઘાતને કરનારી છે. માટે સાધુએ નિત્ય સ્મરણ કરવું જોઈએ કે સંયમને ઉપકારક વસતિ આદિની યાચના માટે જ ભગવાને અનુજ્ઞા આપી છે. સંયમના પ્રયોજનથી અદીનભાવપૂર્વક ઉચિત વિધિપૂર્વક યતનાથી યાચના કરવાથી તે યાચના પોતાના સંયમની શુદ્ધિનું કારણ બને છે અને પરના પણ ઉપકારનું કારણ બને છે. આ રીતે વિધિપૂર્વક અદનભાવથી યાચના કરીને સાધુએ યાચનાપરિષહનો જય કરવો જોઈએ. (૧૫) અલાભપરિષહ :
સાધુ સંયમની વૃદ્ધિ અર્થે ભિક્ષાદિ વસ્તુની આવશ્યકતા જણાય ત્યારે જિનવચનની વિધિનું સ્મરણ કરીને નિર્દોષની ગવેષણા કરે છે. કોઈક રીતે તેની પ્રાપ્તિ ન થાય તોપણ ચિત્તમાં દીનતા વગર અલાભપરિષહનો જય કરે તો સંવરભાવની વૃદ્ધિ થાય છે. પોતાની આવશ્યકતા અનુસાર વસ્તુની અપ્રાપ્તિમાં ઈષદ્ પણ ખેદ થાય તો અલાભપરિષહથી સંયમ મલિન બને છે. આથી જ કોઈક સાધુનું વસ્ત્ર અત્યંત જીર્ણ હોય, વસ્ત્ર વગર ચાલે તેમ ન હોય અને અદીનભાવથી નવા વસ્ત્રની ગવેષણા કરતા હોય છતાં જિનવચનગત વિધિ અનુસાર વસ્ત્ર પ્રાપ્ત ન થાય તોપણ અદીનભાવથી ઉચિત ગવેષણા ચાલુ રાખે છે. તેઓ અલાભપરિષહનો. જય કરે છે અને જે સાધુઓને તેની અપ્રાપ્તિમાં ચિત્તમાં ઉદ્વેગ થાય છે તેઓ અલાભપરિષહને જીતી શકતા નથી. (૧૬) રોગપરિષહ –
સાધુને પૂર્વના કર્મના ઉદયથી રોગ થાય તે વખતે જો તે રોગની ઉપેક્ષા કરીને સમભાવમાં યત્ન કરી શકે તો પૂર્વના કર્મથી પ્રાપ્ત થયેલો રોગ જ સંયમની વૃદ્ધિનું કારણ બને છે. તેથી સાધુ રોગમાં ચિત્તના ખેદને ધારણ કર્યા વગર નિર્જરાની પ્રાપ્તિનો ઉપાય પ્રાપ્ત થયો છે એ પ્રકારે વિચારીને રોગપરિષહનો જય કરે છે. જેઓને રોગઅવસ્થામાં ચિત્તમાં ખેદ થાય છે તેઓ માટે તે રોગપરિષહરૂપે સંયમની મલિનતાનું કારણ બને છે. માટે સંયમવૃદ્ધિના અર્થી સાધુએ રોગપરિષહનો જય કરવો જોઈએ. (૧૭) તૃણપરિષહ -
સાધુને તૃણની શય્યા કરવાનો પ્રસંગ આવે ત્યારે તૃણ દેહને પ્રતિકૂળ લાગે છે. કોઈક જીવાકુલ આદિ ભૂમિ હોય ત્યારે જીવરક્ષાર્થે કે તેવા પ્રકારના ભેજ આદિથી રક્ષણ કરવાથે સાધુ તૃણ યાચના કરીને લાવે અને તેના ઉપર સંથારો પાથરીને સૂએ છે તે વખતે તૃણ સતત દેહને વ્યાઘાત કરે છે, જે જીવ માટે પ્રતિકૂળ હોવાથી પરિષહ સ્વરૂપ છે. જે સાધુને તે તૃણના સ્પર્શના કારણે નિદ્રા આવતી નથી અને સતત તે તૃણના