________________
૨૦૯
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૪૯ પુલાક નિગ્રંથ અને કષાયકુશીલનિગ્રંથ :
પુલાસાધુ અને કષાયકુશીલસાધુ સર્વ જઘન્ય સંયમસ્થાનોને પ્રાપ્ત કરે છે અને અસંખ્યાત સંયમસ્થાન સુધી ઉત્તરોત્તર તે બન્ને સાધુ સમાન રીતે વૃદ્ધિને પામે છે. તેથી એ પ્રાપ્ત થાય કે પુલાકસાધુનું સંયમ પુલાકરૂપે ભિન્ન છે અને કષાયકુશીલ સાધુનું સંયમ કષાયકુશીલરૂપે ભિન્ન છે તોપણ સંજ્વલનકષાયના ક્ષયોપશમકૃત કે ઉદયકૃત સમાન અધ્યવસાય તે બન્ને મહાત્માઓને પ્રાપ્ત થઈ શકે છે, ત્યારે તે બન્ને મહાત્માઓ સમાન સંયમસ્થાનમાં વર્તતા હોય છે અને અસંખ્યાત સંયમસ્થાન સુધી તે બન્ને ચારિત્રના સંયમસ્થાનની અપેક્ષાએ સમાનભૂમિકાવાળા છે.
વળી અસંખ્યાત સંયમસ્થાનો ગયા પછી પુલાકના સંયમસ્થાનનો વિચ્છેદ થાય છે અને કષાયકુશીલ સાધુ તેના ઉપરમાં અસંખ્યાત સંયમસ્થાન સુધી એકાકી જાય છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે પુલાક સાધુ નવપૂર્વની ત્રીજી વસ્તુ સુધી ભણેલ હોય કે દશપૂર્વધર હોય, જ્યારે કષાયકુશીલ શ્રુતની અપેક્ષાએ તેનાથી હીન હોય, તોપણ નિર્લેપતાની અપેક્ષાએ પુલાકના ઉત્કૃષ્ટ સંયમસ્થાન કરતાં પણ અધિક વિશુદ્ધ સંયમસ્થાનને પ્રાપ્ત કરે છે. વળી કષાયકુશીલ સાધુ કોઈ પ્રકારની પ્રતિસેવના કરનાર નથી. તેથી જિનવચન અનુસાર ત્રણ ગુપ્તિમાં રહીને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનાર છે, છતાં જ્યાં સુધી સંયમના સેવનથી સંયમના પરિણામો અત્યંત દઢ થયેલા નથી, ત્યાં સુધી નીચેનાં સંયમસ્થાનોમાં રહે છે અને તે તે સંયમસ્થાન સુઅભ્યસ્ત થવાથી અને ગુપ્તિના સંસ્કારો અતિશય થવાથી ઉપર ઉપરના સંયમસ્થાનમાં જાય છે તે વખતે વિદ્યમાન સંજ્વલનકષાયનો ક્ષયોપશમભાવ પણ પૂર્વ પૂર્વ કરતાં અધિક અધિક થાય છે. કષાયકુશીલનિગ્રંથ, બકુશનિગ્રંથ અને પ્રતિસેવનાકુશીલનિગ્રંથ :
વળી કષાયકુશીલ સાધુ અસંખ્યાત સંયમસ્થાન ઉપરમાં જાય ત્યારપછી જઘન્ય સંયમસ્થાનવાળા પ્રતિસેવનાકુશીલનાં અને બકુશસાધુનાં સંયમસ્થાન પ્રાપ્ત થાય છે.
અમુક પ્રકારના અપ્રમાદભાવથી સંયમસ્થાનોને સેવીને નિર્લેપ પરિણતિ જેઓએ સ્થિર કરી નથી તેવા સાધુ શરીર અને ઉપકરણની વિભૂષાદિ કરે તો તેઓ નિગ્રંથભાવ પ્રત્યે પ્રસ્થિત થઈ શકે નહિ. તેથી નીચાં સંયમસ્થાનોમાં રહેલા કષાયકુશીલ સાધુ પ્રતિસેવના કર્યા વગર આગળના સંયમસ્થાનને પ્રાપ્ત કરવા માટે જરૂરી બળનો સંચય કરે છે. આ બળનો સંચય કરીને નિર્લેપ પરિણતિ કાંઈક સ્થિર કરી છે તેવા કષાયકુશીલના ઉપરના સંયમસ્થાનને પામેલા સાધુ ક્યારેક પ્રતિસેવના કરે ત્યારે પ્રતિસેવનાકુશીલ બને અને ક્યારેક શરીર ઉપકરણાદિની વિભૂષા કરે તો બકુશનિગ્રંથ બને અને તેવું ન કરે તો કષાયકુશીલ રહે, આવો અર્થ જણાય છે; કેમ કે કષાયકુશીલમાં અમુક સંયમસ્થાનથી પછી જ બકુશકુશીલસાધુનું જઘન્ય સંયમસ્થાન છે, તેમ કહેલ છે. વળી બકુશ અને પ્રતિસેવનાકુશીલ સાધુ પ્રતિસેવના કરે છે ત્યારે પણ નિગ્રંથભાવ તરફ જવા માટે કાંઈક યત્ન કરે છે, છતાં પ્રમાદના કારણે કાંઈક અલના પામે છે તે વખતે સંયમનો અભ્યાસ કંઈક અંશે સ્થિર થયેલો છે, તેથી પ્રતિસેવના દ્વારા ગુણસ્થાનકથી પાત પામતા નથી.