________________
૨૧૧
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૪૯ બીજા પાયાના બળથી નિર્જરા કરીને ઉપર ઉપરના સંયમસ્થાને જાય છે. ત્યારપછી નિગ્રંથનિગ્રંથપણાનો વિચ્છેદ થાય છે અને તે મહાત્મા સ્નાતકનિગ્રંથ બને છે, જેમનું એક જ સંયમસ્થાન છે.
સ્નાતકનિગ્રંથ સયોગીકેવલી અને અયોગીકેવલી એમ બે અવસ્થામાં હોય છે. અયોગીકેવલી અવસ્થામાં સર્વસંવર છે, જ્યારે સયોગીકેવલી અવસ્થામાં સર્વસંવર નથી. તે અપેક્ષાએ સંયમસ્થાનોમાં ભેદ હોવા છતાં ઘાતિકર્મના ઉદય અને ક્ષયની અપેક્ષાએ સંયમસ્થાનની વિવક્ષા કરીને બંને પ્રકારના સ્નાતકનિગ્રંથો સંપૂર્ણ ઘાતિકર્મથી રહિત છે, તેથી તેઓ એક સંયમસ્થાનમાં છે એમ કહેલ છે.
વળી “આ પુલાકાદિ પાંચે નિગ્રંથોની સંયમલબ્ધિ અનંત-અનંતગુણ છે” એમ કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય કે પુલાક સાધુનાં જે સંયમસ્થાનો છે તેના કરતાં બકુશસાધુનાં સંયમસ્થાનો અનંત-અનંતગુણ અધિક વિશુદ્ધિવાળાં છે. તેના કરતાં કુશીલનિગ્રંથનાં સંયમસ્થાનો અનંત અનંતગુણ અધિક વિશુદ્ધિવાળાં છે. તે કુશીલનિગ્રંથમાં પણ જે પ્રતિસેવનાકુશીલ છે તેઓનાં સંયમસ્થાનો કરતાં ઉપરના સંયમસ્થાનમાં રહેલા કષાયકુશીલનાં સંયમસ્થાનો અનંત-અનંતગુણ વિશુદ્ધ છે. કષાયકુશીલ કરતાં પણ નિગ્રંથનિગ્રંથનાં સંયમસ્થાનો અનંત-અનંતગુણ વિશુદ્ધ છે. નિગ્રંથનિગ્રંથ કરતાં પણ સ્નાતકનિગ્રંથ સાધુનાં સંયમસ્થાનો અનંત-અનંતગુણ વિશુદ્ધ છે.
કષાયકૃત અસંખ્ય સંયમસ્થાનો છે તેમાં દરેક સંયમસ્થાન પછીના સંયમસ્થાન સાથે અનંતગુણવિશુદ્ધિ આદિથી ષસ્થાનપતિત છે. તેથી પૂર્વના સંયમસ્થાન કરતાં ઉત્તરનું સંયમસ્થાન અનંતભાગ અધિક વિશુદ્ધિવાળું પણ હોઈ શકે અને અનંતગુણ અધિક વિશુદ્ધિવાળું પણ હોઈ શકે; તોપણ પુલાક સાધુનાં જે સંયમનાં વિશુદ્ધિસ્થાનો છે તેના કરતાં બકુશસાધુનાં સંયમનાં વિશુદ્ધિસ્થાનો અનંત-અનંતગુણાં છે એ પ્રકારે ઉત્તર ઉત્તરના સર્વ નિગ્રંથોમાં અનંત-અનંતગુણ વિશુદ્ધિવાળાં સંયમસ્થાનો છે. I૯/૪લા
નવમો અધ્યાય સમાપ્ત