________________
૧પક.
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૨૩ કોઈ મહાત્મા મોહની સામે સુભટની જેમ યુદ્ધ કરવા તત્પર થયેલા હોય અને પાંચ ઇન્દ્રિય તથા મનને અત્યંત સંવૃત કરીને મોહનાશ માટે પ્રવર્તાવતા હોય ત્યારે તેઓનું ચિત્ત સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ આદિ ભાવો પ્રત્યે સમભાવવાળું હોય છે, તે કાળે તેઓશ્રી સમભાવના રાગપૂર્વક સંયમનાં ઉચિત અનુષ્ઠાનોમાં યત્ન કરે છે. આવા સામાયિકચારિત્રવાળા મુનિના સ્વરૂપનું સ્મરણ કરીને તેમના પ્રત્યે બહુમાનભાવની વૃદ્ધિ થાય તે સામાયિકવિનયસ્વરૂપ છે.
સામાયિકચારિત્ર ગ્રહણ કર્યા બાદ નૂતનદીક્ષિતને પાંચમહાવ્રતો ઉચ્ચરાવવામાં આવે ત્યારપછી ભાવથી છેદોપસ્થાપ્યચારિત્રની પ્રાપ્તિ થાય છે. સામાયિકચારિત્ર કરતાં અતિશયવાળા એવા છેદોપસ્થાપ્યચારિત્રનું સ્વરૂપ કઈ રીતે વિશેષ છે ? તેનો સૂક્ષ્મ બોધ કરીને તેના પ્રત્યે બહુમાનનો પરિણામ થાય તે પ્રકારનો વ્યાપાર છેદોપસ્થાપ્યચારિત્રવિનયસ્વરૂપ છે, જેનાથી ઘણી નિર્જરા થાય છે.
વળી પરિહારવિશુદ્ધચારિત્રવાળા મુનિ કયા પ્રકારની વિશિષ્ટ આચરણા દ્વારા પરિહારવિશુદ્ધિ નામના ચારિત્રને પ્રાપ્ત કરે છે અને તેનું વહન કરે છે? તેનો શાસ્ત્રવચનના બળથી સૂક્ષ્મ ઊહ કરીને તે ચારિત્ર પ્રત્યે અત્યંત બહુમાનભાવ થાય તે રીતે તેના સ્વરૂપનું ભાવન કરવામાં આવે ત્યારે પરિહારવિશુદ્ધિ નામના ચારિત્રના વિનયનો પરિણામ પ્રાપ્ત થાય છે, જેનાથી ઘણી નિર્જરાની પ્રાપ્તિ થાય છે.
વળી ક્ષપકશ્રેણિ કે ઉપશમશ્રેણિ ઉપર ચડેલા મહાત્માઓ સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકમાં વર્તે છે ત્યારે તેઓનો કષાયનો પરિણામ કેવો નષ્ટપ્રાય છે ? વળી, તેઓશ્રી કષાયોની સૂક્ષ્મ કિટ્ટીઓ કરીને કષાયના ઉચ્છેદ માટે કેવો યત્ન કરી રહ્યા છે ? તેનો શાસ્ત્રવચનના બળથી બોધ કરીને તેઓના અસંગભાવ પ્રત્યે સૂક્ષ્મ બોધપૂર્વક જેટલો બહુમાનનો અતિશય તેટલી સૂક્ષ્મસંપરાય નામના ચારિત્રના વિનયની પ્રાપ્તિ થાય છે, જેનાથી મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે.
વળી જે મહાત્માઓ સંપૂર્ણ મોહનો ઉપશમ કરીને કે સંપૂર્ણ મોહનો નાશ કરીને વીતરાગભાવમાં સ્થિત છે, તેઓનો વીતરાગભાવમય આત્મા કેવા સ્વરૂપવાળો છે? તેનો સૂક્ષ્મ ઊહ કરીને તેના પ્રત્યે બહુમાનભાવની વૃદ્ધિ થાય એ પ્રકારનો માનસવ્યાપાર યથાખ્યાતચારિત્રના વિનય સ્વરૂપ છે. (૪) ઔપચારિકવિનય :
ઔપચારિકવિનય અનેક પ્રકારનો છે, જે રત્નત્રયીના ગુણાધિકવાળા જીવોના અભ્યત્યાનાદિરૂપ છે. જે મહાત્માને બાહ્ય આચારોના બળથી અંતરંગ રત્નત્રયીના સૂક્ષ્મભાવો જોવાની માર્ગાનુસારી પ્રજ્ઞા થયેલ છે તેઓ પોતાનાથી વિશેષ પ્રકારની રત્નત્રયીની આરાધના કરનારા મહાત્માઓમાં વર્તતા કષાયોના ઉપશમભાવોને જોઈને તેમના પ્રત્યે બહુમાનભાવને કારણે જે અભ્યત્થાન આદિ ક્રિયા કરે છે તે ઔપચારિકવિનય છે. તે વિનય દ્વારા તે મહાત્મામાં વર્તતા વિશિષ્ટ રત્નત્રયીના પરિણામ પ્રત્યે જે બહુમાનનો પરિણામ થાય છે અને જે પ્રકારના સૂક્ષ્મ ઉપયોગપૂર્વક તેઓના ગુણોનું અવલોકન કરવાથી તે ગુણોના કારણે જે અંશમાં બહુમાનનું આધિક્ય થાય છે, તે પ્રમાણે રત્નત્રયીનાં પ્રતિબંધક ઘણાં કર્મોની નિર્જરા થાય છે.
વળી આ વિનય શબ્દની વ્યુત્પત્તિ બતાવતાં ભાષ્યકારશ્રી કહે છે –