________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૧૯
અહીં નવનીત આદિમાં ચાર મહાવિગઈઓથી અન્ય જે છ વિગઈઓ છે, તેનું પણ સાધુ પ્રત્યાખ્યાન કરે, જેથી વિગઈઓ કૃત લેશ પણ સંશ્લેષનો પરિણામ થાય નહીં અને વિગઈના ત્યાગને કારણે સંવરના અતિશયનો પરિણામ થાય. ફક્ત કોઈને તેવા પ્રકારનું શરીર હોય જેનાથી વિગઈઓના સંપૂર્ણ ત્યાગને કારણે સ્વાધ્યાયાદિ બલવાન સંયમયોગોનો નાશ થતો હોય તો અપવાદથી બલવાન એવા સંયમયોગોના રક્ષણાર્થે પરિમિત વિગઈઓને સાધુ ગ્રહણ કરે છે.
૧૪૩
(૫) વિવિક્તશય્યાસનતાબાહ્યતપ :
વળી સાધુ એકાન્ત સ્થાનમાં શય્યા કરીને સંલીનતા ધારણ કરે, જેનાથી સંવરનો અતિશય થાય છે. તેના માટે વસતિ વગરના સ્થાનમાં, સ્વાધ્યાય કે ધ્યાનને બાધા ન કરે તેવા અનાબાધ સ્થળમાં અને જીવોથી અસંસક્ત એવા સ્થળમાં અને સ્ત્રી, પશુ કે નપુંસકથી વર્જિત સ્થળમાં સમાધિ માટે સંલીનતા કરે. અર્થાત્ કષાયોનો અત્યંત રોધ થાય તે રીતે કાયાની, વચનની અને મનની સંલીનતા કરે.
કેવા સ્થાનમાં આ પ્રકારે સંલીનતા કરે ? તે સ્પષ્ટ કરતાં કહે છે
-
શૂન્યગૃહોમાં, દેવકુલોમાં, સભાસ્થાનમાં અર્થાત્ જ્યાં પ્રસંગે સભા ભરાતી હોવા છતાં શેષકાળમાં વસતિ વગરનું હોય તેવા સ્થાનમાં, પર્વતની ગુફાદિમાં સમાધિ માટે સંલીનતા ધારણ કરે. તેથી એ પ્રાપ્ત થાય કે સંવરનો અત્યંત અતિશય કરવા અર્થે શૂન્યગૃહાદિ કોઈક સ્થાનમાં સાધુ સમાધિની પ્રાપ્તિ કરવા અર્થે અત્યંત સ્થિરાસનમાં બેસીને આત્માને જિનવચનથી અત્યંત ભાવિત કરવા યત્ન કરે તે વિવિક્તશય્યાસન નામનો બાહ્યતપ છે.
(૬) કાયક્લેશબાહ્યતપ :
કાયક્લેશ અનેક પ્રકારનો છે. તે આ પ્રમાણે · સાધુ કાયા પ્રત્યે નિર્મમ થઈને સમભાવની વૃદ્ધિ અર્થે અને સૂત્ર-અર્થમાં ઉપયોગની તીવ્રતા અર્થે અનેક પ્રકારનાં આસનોમાંથી જે આસનમાં બેસીને ગુણસ્થાનકની વૃદ્ધિ કરી શકે તે પ્રકારે યત્ન કરે, ત્યારે કાયક્લેશતપની પ્રાપ્તિ થાય છે; કેમ કે મનુષ્યની કાયાનો સ્વભાવ છે કે કોઈક આસનમાં થોડોક પણ સમય બેસે કે તરત અવસ્થાંતરમાં જવાને અનુકૂળ કાયા તરફથી પ્રેરણા મળે છે. જેની ઉપેક્ષા કરીને સાધુ સમભાવમાં ઉદ્યમ કરી શકે, ત્યારે તે પ્રયત્નથી વિશિષ્ટ પ્રકારની નિર્જરા થાય છે. તેથી કાયક્લેશ તપ છે.
આ છએ પ્રકારનો બાહ્યતપ સંગત્યાગનું કારણ છે. તેથી જીવમાં અસંગભાવની પરિણતિ ઉલ્લસિત થાય છે. વળી શ૨ી૨ના લાઘવનું કારણ છે, જેથી શ૨ી૨કૃત જડતા અલ્પ થાય છે. પરિણામે સાધુ શરીરના અવલંબનથી સુખપૂર્વક આત્માની નિર્લેપ પરિણતિને ઉલ્લસિત કરી શકે છે.
વળી જે સાધુ વિવેકપૂર્વક છ પ્રકા૨નો બાહ્યતપ કરે છે તે મહાત્માને ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત થાય છે. જેથી ઇન્દ્રિય અનુત્સુક થવાને કારણે સંયમના યોગોથી કષાયના તિરોધાનને અનુકૂળ યત્ન સમ્યગ્ થઈ શકે છે.